31 January, 2023 09:24 AM IST | Mumbai | Priti Khuman Thakur
ભાઈંદરના આ જિનાલયમાં મુખકોશ અને પૂજાનાં કપડાં પહેરીને ચોરી કરવા આવેલો ચોર સીસીટીવીમાં ઝડપાયો.
ભાઈંદર-ઈસ્ટમાં કૅબિન ક્રૉસ રોડ વિસ્તારમાં સાંઈબાબા મંદિર ગલીમાં આવેલા સાંઈ જેસલ બિલ્ડિંગની પાસે શ્રી જગવલ્લભ પાર્શ્વનાથ અચલગચ્છ ગૃહ જિનાલય આવેલું છે. આ જિનાલયમાં સવારના સમયે મંદિરમાં પૂજારી દરરોજની જેમ પૂજા કર્યા બાદ અન્ય કામમાં વ્યસ્ત હતા. એ વખતે જિનાલયમાં પૂજાનાં કપડાંમાં આવેલા એક માણસે પહેલાં ભગવાનની પ્રતિમાની પૂજા કરી હતી. ત્યાર બાદ પ્રદક્ષિણા કર્યા પછી ચાન્સ મળતાં જ ભગવાનના માથા પર રહેલો ચાંદીનો મુગટ ઉતારી કપડાંમાં છુપાવી પૂજાની બૅગમાં નાખીને જતો રહ્યો હતો. પૂજારીનું કામ પૂરું કરીને મૂર્તિ સામે ધ્યાન જતાં એ ગાયબ હોવાનું સમજાયું હતું. ત્યાર બાદ ચોરીના બનાવ વિશે નવઘર પોલીસ સ્ટેશનમાં ચોરીનો ગુનો નોંધવામાં આવ્યો છે. જોકે ભગવાનના દાગીનાની ચોરી થતાં ભક્તોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.
પૂજાનાં કપડાંમાં કેવી રીતે કોઈ ચોરી કરી શકે છે એમ જણાવતાં શ્રી જગવલ્લભ પાર્શ્વનાથ અચલગચ્છ ગૃહ જિનાલયના ટ્રસ્ટી ચંદ્રકાંત ગડાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘જિનાલયની બાજુમાં એક ટેલર રહે છે. તેની પત્નીને ચોરે પૂછ્યું કે જૈન દેરાસર કહાં હૈ? ત્યાર પછી તેણે કોઈને હાથ દેખાડ્યો હતો અને દેરાસરમાં પ્રવેશ કર્યો હતો. તેના હાથમાં રહેલી પૂજાની બૅગ તેણે સીડી પર રાખી અને મુખકોશ પહેરીને દેરાસરમાં ગયો હતો. એ વખતે ત્યાં એક દંપતી પૂજા કરી રહ્યું હતું એથી તેણે પણ જિનાલયમાં રહેલા ત્રણેય ભગવાનની મૂર્તિની પૂજા કરી હતી. ત્યાર બાદ તેણે એક વખત પ્રદિક્ષણા પણ કરી હતી. દંપતી પૂજા કરીને જતું હોવાનું જોઈને તે સીધો ગભારામાં ગયો અને ત્રણમાંથી એક મૂર્તિ, જે મુનિસુવ્રતસ્વામી ભગવાનની મૂર્તિ હતી એના પર રહેલો મુગટ ચોરી લીધો હતો. મુગટને તેનાં પૂજાનાં કપડાંમાં છુપાવીને સીડી પર રહેલી બૅગમાં નાખીને જતો રહ્યો હતો.’
એક મહિના પહેલાં જ ચાંદીનો મુગટ પહેરાવ્યો હતો, જેની જાણ કોઈને નહોતી એમ જણાવતાં ચંદ્રકાંત ગડાએ કહ્યું હતું કે ‘ભગવાનની મૂર્તિ પર પહેલાં કૉપરના પણ ચાંદીનું પૉલિશ કરેલા મુગટ હતા, પરંતુ એ કાળા પડી જતાં એને ફરી પૉલિશ કરાવવા આપ્યા હતા. એક મહિના પહેલાં જ ચાંદીના મુગટ પહેરાવામાં આવ્યા છે. જોકે એ વાતની જાણ અમુકને છોડીને કોઈને જ નહોતી કે આ ચાંદીના મુગટ છે. એટલે કોઈની માહિતીના આધારે આ ચોરી થઈ હોય એવું લાગે છે. જિનાલય અને આસપાસના બિલ્ડિંગમાં સીસીટીવી કૅમેરાની તપાસ કરતાં ચોર સ્પષ્ટ દેખાઈ આવ્યો છે. જિનાલયમાં પણ મુગટ ચોરતાં સીસીટીવી કૅમેરામાં કેદ થયો છે. નવઘર પોલીસ સ્ટેશનમાં ચોરીનો ગુનો નોંધીને પોલીસ ફુટેજ લઈ ગઈ છે. અડધો કિલો ચાંદી પ્રમાણે ૬૫,૦૦૦ રૂપિયાની આસપાસની કિંમતનો મુગટ હશે. મુગટની કિંમત કરતાં પણ એમાં અમારી આસ્થા, લાગણી હતી એની કોઈ કિંમત નથી. આ રીતે મુખકોશ અને પૂજાનાં કપડાં પહેરીને ચોરી થઈ હોવાથી લોકો ભારે દુઃખ અનુભવી રહ્યા છે.’
પોલીસનું શું કહેવું છે?
આ વિશે નવઘર પોલીસ સ્ટેશનના અસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટર યોગશ કાળેએ મિડ-ડેને જણાવ્યું હતું કે ‘આ ચોરીના બનાવ વિશે અમે કેસ નોંધીને તપાસ હાથ ધરી છે. તેમ જ સીસીટીવી ફુટેજમાં ચોર દેખાય પણ આવ્યો છે પરંતુ તેની હજી ઓળખ થઈ શકી નથી. પોલીસ બાતમીદાર અને અન્ય રીતે ચોરની માહિતી મેળવીને તેને શોધી રહ્યા છીએ.’