મુમ્બ્રા પોલીસે ભોજપુરી ફિલ્મોના નિર્માતાની ધરપકડ કરી

21 January, 2025 02:27 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુમ્બ્રા પોલીસે મૅટ્રિમોનિયલ વેબસાઇટ પર મહિલાઓને ટાર્ગેટ કરીને લાખો રૂપિયા પડાવતા ભોજપુરી ફિલ્મોના નિર્માતાની ઉત્તર પ્રદેશમાંથી ધરપકડ કરી

ઉત્તર પ્રદેશથી ઝડપી લેવામાં આવેલો અહમદ ફહાદ.

મૅટ્રિમોનિયલ વેબસાઇટ પર ખોટી ઓળખ ઊભી કરી મહિલાઓને લગ્નના નામે લલચાવીને કરોડો રૂપિયા ઑનલાઇન માધ્યમથી પડાવી લેવાના આરોપમાં મુમ્બ્રા પોલીસે ગયા અઠવાડિયે ૩૨ વર્ષના અહમદ ઇમ્તિયાઝ ફહાદની ઉત્તર પ્રદેશમાંથી ધરપકડ કરી હતી. અહમદ મહિલાઓ સાથે છેતરપિંડી કરવા માટે ઑફિસમાં કૉલ-સેન્ટર ચલાવતો હતો એટલું જ નહીં, છેતરપિંડીથી મળેલા પૈસા તે ભોજપુરી ફિલ્મોમાં ઇન્વેસ્ટ કરતો હતો. ભૂતકાળમાં એ રીતે તેણે ત્રણ-ચાર ફિલ્મો પણ બનાવી છે. ટેક્નિકલ માધ્યમથી વધુ તપાસ કરતાં તેણે ભારતનાં વિવિધ રાજ્યોમાં ૪૦થી વધુ મહિલાઓ સાથે છેતરપિંડી કરી હોવાનું જાણવા મળ્યું છે.

મુમ્બ્રામાં રહેતી ૨૯ વર્ષની એક મહિલાને લગ્નની લાલચ આપી ૧૩.૫૪ લાખ રૂપિયાની છેતરપિંડી કરવાના કેસમાં અમે ઉત્તર પ્રદેશથી અહમદની ધરપકડ કરી છે એમ જણાવતાં મુમ્બ્રા પોલીસ-સ્ટેશનના પોલીસ-ઇન્સ્પેક્ટર પ્રવીણ સુરવાડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૨૦૨૩ના મે મહિનામાં મહિલાને મૅટ્રિમોનિયલ વેબસાઇટ પર રિક્વેસ્ટ મોકલી તેને વાતોમાં ભોળવીને આશરે ૧૭ મહિના સુધી સતત વાતો કર્યા બાદ આરોપીએ ૧૩.૫૪ લાખ રૂપિયા પડાવી લીધા હતા. એની ફરિયાદ ઑક્ટોબર ૨૦૨૪માં નોંધાઈ હતી. આ મુદ્દે અમે તપાસ કરી શરૂઆતમાં મધ્ય પ્રદેશથી ૨૪ વર્ષના ઝૈદ ખાનની ધરપકડ કરી હતી. તેની પાસેથી વધુ માહિતી મેળવીને ઉત્તર પ્રદેશમાં કૉલ-સેન્ટર ચલાવતા અહમદની ધરપકડ કરી હતી. તેની પાસેથી અમે ૯ લૅપટૉપ સહિત પચીસથી વધુ મોબાઇલ ફોન જપ્ત કર્યા હતા. તેની થાર જીપ પણ જપ્ત કરી છે. આરોપીનાં લૅપટૉપ અને ફોનનાં સ્કૅનિંગ કરવામાં આવી રહ્યાં છે. પ્રાથમિક માહિતી અનુસાર તેણે ૪૦થી વધુ મહિલાઓ પાસેથી પૈસા પડાવ્યા છે.’

કેવી રીતે કરતો હતો છેતરપિંડી?
બહારગામ હોવાનો દાવો કરીને પોતાની ઓળખ ડૉક્ટર, ક્રિકેટર, સાયન્ટિસ્ટ, એન્જિનિયર, સરકારી અધિકારી તરીકે આપીને તે મહિલાઓ સાથે સોશ્યલ મીડિયા પર ચૅટ કરતો હતો. ત્યાર બાદ તેને લગ્ન માટે તૈયાર કરી કોઈક કારણસર તાત્કાલિક પૈસાની જરૂર છે કહીને પૈસા પડાવતો હતો.

mumbai news mumbai Crime News mumbai crime news crime branch mumbra