બની બેઠેલા બાબાના ઢોંગની ચરમસીમા

13 January, 2025 07:12 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એક મહિલાને પતિ-પુત્ર વિશે ડરાવીને કબ્રસ્તાનમાંથી કોઈકની ડેડ-બૉડી કઢાવી અને પૂજાવિધિ કરીને ૮.૮૭ લાખ રૂપિયા પડાવ્યા: આખરે ભાંડો ફૂટી ગયો એટલે પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ

હઝરતબાબા ઉર્ફે અમજદ ખાન.

ભિવંડીના શાંતિનગરમાં રહેતી ૪૬ વર્ષની એક મહિલાને પુત્ર પરના કાળા જાદુની અસર દૂર કરવા ડેડ-બૉડીની પૂજા કરવા સહિતની અંધશ્રદ્ધામાં ભોળવી ૮.૮૭ લાખ રૂપિયા પડાવી લેનાર હઝરતબાબા ઉર્ફે અમજદ ખાનની શનિવારે શાંતિનગર પોલીસે ધરપકડ કરી હતી. પતિની બીમારીમાં સુધારો થશે અને પુત્ર પર થયેલો કાળો જાદૂ દૂર કરી પૈસાનો વરસાદ થશે એવી લાલચ આપીને એ ઢોંગી બાબાએ મહિલા પાસેથી ડિસેમ્બર ૨૦૨૩થી હળવે-હળવે પૈસા પડાવ્યા હોવાનો આરોપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. ઢોંગી બાબા હઝરતે આ રીતે અનેક લોકો પાસેથી પૈસા પડાવ્યા હોવાની પ્રાથમિક માહિતી પોલીસને મળી છે. જે કોઈ લોકો પાસેથી આ બાબાએ પૈસા પડાવ્યા હોય તેઓ સામે આવીને ફરિયાદ નોંધાવે એવી અપીલ પોલીસે કરી છે.

પુત્ર પર થયેલો કાળો જાદુ દૂર કરવામાં નહીં આવે તો ૬ મહિનામાં તેનું મૃત્યુ થશે એવી ધમકી આપીને હઝરતબાબાએ પૈસા પડાવ્યા હતા એમ જણાવતાં શાંતિનગરના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર વિનાયક ગાયકવાડે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ડિસેમ્બર ૨૦૨૩માં મહિલાની દુકાનમાં હઝરતબાબા ગ્રાહક તરીકે આવ્યો હતો. ત્યાર બાદ મહિલાને ચિંતિત જોઈને બાબાએ મહિલા પાસે વધુ માહિતી પૂછ્યા બાદ કહ્યું કે તારા પરિવાર પર કાળો જાદુ કરવામાં આવ્યો છે. એ સમયે મહિલાને તેમના પર વિશ્વાસ બેસે એટલે બાબાએ ઈંડામાંથી ખીલી કાઢી બતાવી હતી અને સાથે તેના પતિની તબિયતમાં સુધારો કરવા અને તેના પુત્ર પરનો કાળો જાદુ દૂર કરવા માટે ડેડ-બૉડીની પૂજા કરવી પડશે અને એને માટે કબ્રસ્તાનમાં દાટેલી ડેડ-બૉડી બહાર કાઢવી પડશે એમ કહીને ૧૦ લાખ રૂપિયા માગ્યા હતા. એટલું જ નહીં, જો એ પૂજા નહીં કરવામાં આવે તો તેના પુત્રનું ૬ મહિનામાં મૃત્યુ થશે એવું કહ્યું હતું. એ ઉપરાંત એવું પણ કહ્યું કે આ પૂજા કરાવશો તો તમારી આર્થિક હાલતમાં સુધારો થશે અને પૈસાનો વરસાદ થશે. એ પછી મહિલાએ બાબાને થોડા-થોડા કરીને ૮.૮૭ લાખ રૂપિયા આપ્યા હતા. એ દરમ્યાન બાબા મહિલાને પૂજા કરાવવા માલેગાંવના ચાંદવડ લઈ ગયો હતો અને ત્યાં પૂજા કરી હતી. જોકે પૂજા કર્યાના મહિનાઓ વીતી ગયા છતાં પરિસ્થિતિમાં કોઈ સુધારો ન આવતાં પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતાં મહિલાએ શુક્રવારે ફરિયાદ નોંધાવી હતી.’

હઝરતબાબા ઉર્ફે અમજદ ખાનની અમે ધરપકડ કરીને પૂછપરછ હાથ ધરી છે. તેણે આ રીતે બીજા કેટલાક લોકો પાસેથી પૈસા લીધા હશે એવો અમારો પ્રાથમિક અંદાજ છે એમ જણાવતાં વિનાયક ગાયકવાડે ઉમેર્યું હતું કે ‘આરોપીની ૧૫ જાન્યુઆરી સુધી પોલીસ-કસ્ટડી છે. તેણે આ રીતે ઘણા લોકોને છેતર્યા હોવાની અમને જાણ થઈ છે. એટલે જે કોઈ વ્યક્તિ પાસેથી આ બાબાએ અંધશ્રદ્ધાના નામે પૈસા પડાવ્યા હશે તેઓ અમારી પાસે આવીને ફરિયાદ નોંધાવી શકે છે. આ મહિલાએ ૯ ટકા વ્યાજે પૈસા ઉપાડીને બાબાને આપ્યા હતા.’

mumbai news mumbai bhiwandi Crime News mumbai crime news