08 January, 2025 07:03 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટીનેજરના કપાયેલા વાળ
કલ્યાણમાં રહેતી અને માટુંગાની રૂપારેલ કૉલેજમાં ભણતી એક ટીનેજરને સોમવારે સવારે દાદર સ્ટેશન પર એક વિચિત્ર અનુભવ થયો હતો. એક માથાફરેલ માણસ તેના વાળ કાપીને નાસી ગયો હતો. આ બાબતે ટીનેજરે મુંબઈ સેન્ટ્રલ ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)માં ફરિયાદ કરતાં પોલીસે તપાસ કરી આરોપીને ઝડપી લીધો હતો.
૧૯ વર્ષની ફરિયાદી યુવતી કલ્યાણની રહેવાવાળી છે. તેણે સોમવારે સવારે આઠ વાગ્યે કલ્યાણથી ટ્રેન પકડી હતી. સવારે ૯.૧૫ વાગ્યે તે દાદર સ્ટેશન પર ઊતરી હતી. એ પછી તે ટિકિટ-બુકિંગ વિન્ડો પાસે ઊભી હતી ત્યારે તેને પાછળ કંઈ ખૂંચ્યું એથી પાછળ ફરીને જોતાં તેની પાછળનો માણસ તરત જ ત્યાંથી ઝડપથી નીકળી ગયો હતો. યુવતીની નજર નીચે પડી તો તેણે જોયું કે વાળ પડ્યા છે એથી તરત તેણે પોતાના વાળ પર હાથ ફેરવ્યો તો ખબર પડી કે તેના જ વાળ એ માણસે કાપી નાખ્યા છે. એથી તેને પકડવા તેની પાછળ તે દોડી હતી. જોકે તે ગિરદીનો લાભ લઈ નાસી ગયો હતો.
યુવતીએ ઘરે જઈને મમ્મી સાથે આખી ઘટનાની વાત કરી હતી. ગઈ કાલે મમ્મી સાથે મુંબઈ સેન્ટ્રલ GRP પોલીસ સ્ટેશનમાં આવીને યુવતીએ ફરિયાદ નોંધાવી હતી. આ કેસ વિશે વધુ માહિતી આપતાં મુંબઈ સેન્ટ્રલ GRP પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર હેમરાજ કુંભારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ફરિયાદ દાખલ થતાં અમે તરત જ તપાસ ચાલુ કરી હતી. ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરા ચકાસી આરોપીની ઓળખ કરી દાદર સ્ટેશન પરથી આરોપીને ગઈ કાલે ઝડપી પણ લીધો હતો. ૩૫ વર્ષનો આરોપી દિનેશ ગાયકવાડ ચેમ્બુરમાં રહે છે અને એક પ્રાઇવેટ કંપનીમાં જૉબ કરે છે. તેમની વચ્ચે કોઈ કનેક્શન નથી. તેઓ એકબીજાને ઓળખતા પણ નથી. એકતરફી પ્રેમ જેવું પણ પ્રાથમિક તપાસમાં મળ્યું નથી. અમે તેની સામે વિનયભંગ અને પીછો કરવાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી કોર્ટમાં હાજર કર્યો હતો. તેણે યુવતીના વાળ શું કામ કાપ્યા એનું કારણ હજી અમને નથી જણાવ્યું. તપાસ દરમ્યાન અમે તેની પાસેથી એ જાણી લઈશું.’