હું છત્રપતિ શિવાજી મહારાજનાં ચરણોમાં શીશ ઝુકાવીને માફી માગું છું

31 August, 2024 06:47 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પાલઘર જઈને માલવણની ઘટનાની માફી માગી નરેન્દ્ર મોદીએ

ગઈ કાલે પાલઘરમાં વાઢવણ બંદરના ભૂમિપૂજન વખતે નરેન્દ્ર મોદી તથા તેમની સાથે એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે પાલઘરમાં વાઢવણ બંદરનું ભૂમિપૂજન કર્યું હતું. આ સમયે વડા પ્રધાને માલવણના રાજકોટ કિલ્લામાં છત્રપતિ શિવાજી મહારાજનું પૂતળું તૂટી પડવા બાબતે ખેદ વ્યક્ત કર્યો હતો. વડા પ્રધાને કહ્યું હતું કે ‘વાઢવણ બંદર પ્રોજેક્ટ વિશે બોલતાં પહેલાં હું મારા મનની ભાવના વ્યક્ત કરું છું. ભારતીય જનતા પાર્ટી (BJP)એ જે સમયે મને પહેલી વખત વડા પ્રધાનપદનો ઉમેદવાર જાહેર કર્યો ત્યારે મેં સૌથી પહેલાં રાયગડ કિલ્લા પર જઈને છત્રપતિ શિવાજી મહારાજનાં દર્શન કર્યાં હતાં. છત્રપતિના આશીર્વાદ લઈને મેં રાષ્ટ્રસેવાની નવી યાત્રાની શરૂઆત કરી હતી. છત્રપતિ શિવાજી મહારાજ મારા અને મારા બધા સાથીઓ માટે માત્ર એક નામ નથી. અમારા બધાના છત્રપતિ શિવાજી મહારાજ આરાધ્યદેવ છે. હું આજે મારા આરાધ્ય દેવતા છત્રપતિ શિવાજી મહારાજનાં ચરણોમાં શીશ ઝુકાવીને ક્ષમા માગું છું.’

વિરોધીઓ શિવાજી મહારાજનું પૂતળું તૂટી પડવા વિશે સરકારને ઘેરી રહ્યા છે ત્યારે વડા પ્રધાને તેમને નિશાના પર લેતાં કહ્યું હતું કે ‘અમે દરરોજ સ્વતંત્રતાસેનાની વીર સાવરકરનું અપમાન કરનારા જેવા નથી. તેઓ દેશભક્તિની ભાવનાનું અપમાન કરે છે. વીર સાવરકર બાબતે અપશબ્દ બોલ્યા બાદ પણ માફી નથી માગતા. આવું અપમાન કર્યા બાદ પણ તેમને પશ્ચાત્તાપ નથી થતો. મહારાષ્ટ્રની જનતા આ લોકોના સંસ્કાર જોઈ રહી છે. અમારા સંસ્કાર જુદા છે. એટલે જ મહારાષ્ટ્રમાં આવીને છત્રપતિ શિવાજી મહારાજની માફી માગી રહ્યો છું.’

mumbai news mumbai narendra modi palghar shiv sena bharatiya janata party political news maharashtra news shivaji maharaj