07 December, 2024 10:42 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (Enforcement Directorate - ED)એ માલેગાંવ (Malegaon)માં બેંક ખાતાના દુરુપયોગને લગતા એક મોટા કૌભાંડ (Malegaon Money Laundering Case)માં અમદાવાદ (Ahmedabad) અને મુંબઈ (Mumbai)માં સાત સ્થળોએ દરોડા પાડીને ૧૩.૫ કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરી છે. આ મામલો નાસિક મર્ચન્ટ કો-ઓપરેટિવ બેંક (Nashik Merchant Co-operative Bank - NAMCO) અને બેંક ઓફ મહારાષ્ટ્ર (Bank of Maharashtra)ના નકલી ખાતા સાથે સંબંધિત છે.
EDના અધિકારીઓના જણાવ્યા અનુસાર માલેગાંવના બિઝનેસમેન સિરાજ અહેમદ હારુન મેમણ વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં આવી છે. મેનને નાશિક મર્ચન્ટ કો-ઓપરેટિવ બેંકના ખાતાનો દુરુપયોગ કરીને ૧૦૦ કરોડ રુપિયાથી વધુના વ્યવહારો કર્યા હતા.
નવેમ્બરમાં, મુંબઈ, સુરત, અમદાવાદ અને નાસિકમાં ૨૫ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા અને ૫.૨ કરોડની રોકડ અને મહત્વપૂર્ણ દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા. તાજેતરમાં અમદાવાદ અને મુંબઈમાં ૭ સ્થળોએ દરોડા પાડીને ૧૩.૫ કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરવામાં આવી હતી.
EDની તપાસમાં સામે આવ્યું છે કે ૨૧ નકલી ફર્મ અને એકાઉન્ટનો ઉપયોગ કરીને અલગ-અલગ જગ્યાએ પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ નકલી ખાતાઓ દ્વારા કરોડો રૂપિયાની રોકડ ઉપાડી લેવામાં આવી હતી. આ કેસમાં આ બે વ્યક્તિઓ નાગની અકરમ મોહમ્મદ શફી અને વસીમ વલીમોહમ્મદ ભેસનિયાની પીએમએલએ, 2002ની કલમ 19 હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં કુલ રૂ. ૧૮.૭ કરોડ (૫.૨ કરોડ + ૧૩.૫ કરોડ) રોકડ રિકવર કરવામાં આવી છે, ડિજિટલ પુરાવા અને દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવ્યા છે.
ચા અને ઠંડા પીણાની એજન્સી ચલાવતા સિરાજ મેનન અને તેના કેટલાક સહયોગીઓ સામે માલેગાંવ પોલીસે ૭ નવેમ્બરના રોજ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (Prevention of Money Laundering Act - PMLA) હેઠળ કેસ દાખલ કર્યો હતો. તપાસમાં સામે આવ્યું છે કે NAMCO અને બેંક ઓફ મહારાષ્ટ્રમાં થયેલા વ્યવહારો દ્વારા ૨૧ વિવિધ સંસ્થાઓમાં લાખો રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.
EDની તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે અનેક `ડમી` સંસ્થાઓના ખાતામાંથી કરોડો રૂપિયાની જંગી રકમ ઉપાડી લેવામાં આવી હતી અને અમદાવાદ, મુંબઈ અને સુરત (Surat)માં હવાલા ઓપરેટરો દ્વારા તેનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કેસમાં EDએ ૧૦૦ કરોડ રૂપિયાથી વધુના વ્યવહારો શોધી કાઢ્યા છે. EDને શંકા છે કે આ રકમનો ઉપયોગ ચૂંટણીના પૈસા વાળવા માટે કરવામાં આવ્યો હતો. મહારાષ્ટ્ર (Maharashtra), ગુજરાત (Gujarat), ઉત્તર પ્રદેશ (Uttar Pradesh), મધ્યપ્રદેશ (Madhya Pradesh), હરિયાણા (Haryana), ઓડિશા (Odisha) અને પશ્ચિમ બંગાળ (West Bengal) જેવા રાજ્યોમાં ફેલાયેલા ૨,૫૦૦થી વધુ વ્યવહારો અને લગભગ ૧૭૦ બેંક શાખાઓ EDના સ્કેનર હેઠળ છે કારણ કે આ ખાતાઓમાંથી ભંડોળજમા કરવામાં આવ્યું હતું અથવા ઉપાડવામાં આવ્યું હતું. આ કેસમાં EDએ બે લોકો, અગની અકરમ મોહમ્મદ શફી અને વસીમ વલીમોહમ્મદ ભેસાણિયાની ધરપકડ કરી છે.
EDની આ કાર્યવાહી બેંકિંગ કૌભાંડોના વધતા જતા કેસ સામે મજબૂત અને સ્પષ્ટ સંદેશ આપે છે. અધિકારીઓનું કહેવું છે કે આ કૌભાંડમાં સામેલ બાકીની વ્યક્તિઓ અને સંસ્થાઓની તપાસ હજુ ચાલુ છે અને તે સુનિશ્ચિત કરવામાં આવશે કે તમામ ગુનેગારોને ન્યાય આપવામાં આવે. આ મામલો માત્ર નાણાકીય સુરક્ષા સાથે જોડાયેલો નથી પરંતુ તે સામાન્ય નાગરિકોના ડેટા અને ઓળખની સુરક્ષાને લઈને પણ ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. નાગરિકોની અંગત માહિતીનો દુરુપયોગ, બેંકો દ્વારા કરવામાં આવતી નાણાકીય છેતરપિંડી અને ગેરરીતિઓ સમાજ માટે મોટો ખતરો બની શકે છે. આવી સ્થિતિમાં આ પ્રકારની તપાસ અને કાર્યવાહી સ્પષ્ટ સંદેશ આપે છે કે દેશની નાણાકીય વ્યવસ્થા અને નાગરિકોની સુરક્ષા સર્વોપરી છે.