બે કલાકમાં આવું છું કહીને ગયો હતો, પાંચ દિવસ પછી પણ કોઈ પત્તો નહીં

03 July, 2024 03:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મલાડમાં પોતાની ક​રિયાણાની દુકાન પરથી ગયેલા કચ્છી રાજગોર સમાજના ચેતન મોતાની અનેક ઠેકાણે શોધખોળ કર્યા પછી પણ હજી સુધી કોઈ મા​હિતી નથી મળી

દુકાનમાંથી ભાઈને બે કલાકમાં આવું છું એમ કહીને ગયા બાદ ગુમ થયેલો ચેતન મોતા

મલાડ-ઈસ્ટમાં દફ્તરી રોડ પર આવેલા પુષ્પા પાર્કમાં છેલ્લાં દસેક વર્ષથી અનાજ-ક​રિયાણાની દુકાન ધરાવતો ૩૮ વર્ષનો ચેતન મોતા દુકાનમાં મોટા ભાઈને આવું છું કહીને ગયા બાદ છેલ્લા પાંચ દિવસથી કોઈ પત્તો લાગી રહ્યો નથી. પરિવારે અનેક ઠેકાણે શોધખોળ કર્યા પછી પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે. એમ છતાં હજી સુધી તેની કોઈ જ માહિતી મળી રહી નથી.

કચ્છી રાજગોર સમાજનો ચેતન મોતા મલાડ-ઈસ્ટમાં તેના મોટા ભાઈ દિલીપ સાથે મળીને કરિયાણાની દુકાન ચલાવે છે. મોટો ભાઈ દિલીપ નાલાસોપારામાં રહે છે. ચેતનનાં લગ્ન થયાં ન હોવાથી તે મોટા ભાગે દુકાન પર જ સૂઈ રહેતો હતો. ચેતનના મોટા ભાઈ દિલીપે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ચેતન અને હું પહેલાં કોઈને ત્યાં કામ કરતા હતા અને છેલ્લાં દસ વર્ષથી પોતાની દુકાન ચલાવી રહ્યા છીએ. ચેતન જ મોટા ભાગે દુકાનનું કામ જોતો હતો. તેનાં લગ્ન થયાં નથી. અનેક વખત પ્રયાસ કર્યા પછી પણ તેનાં લગ્નનો યોગ આવી રહ્યો નથી. તે મોટા ભાગે કામ હોવાથી દુકાનમાં જ રહેતો હતો. ૨૮ જૂને સાંજે પાંચ વાગ્યે તેણે મને કહ્યું કે ભાઈ, બે કલાકમાં પાછો આવું છું. મને લાગ્યું કે તે દર વખતે જાય છે એમ જઈને આવી જશે. સાંજે છ વાગ્યે કામ હોવાથી ફોન કરતાં તેનો ફોન બંધ આવ્યો હતો. ત્યાર બાદ સતત ફોન કરવા છતાં તેનો ફોન બંધ જ આવે છે.’

અમે તેને બધે ઠેકાણે તથા સંબંધીઓને ત્યાં ખૂબ શોધ્યો, પણ મળી રહ્યો નથી એમ જણાવીને દિલીપભાઈએ કહ્યું હતું કે ‘અમે ત્યાર બાદ પોલીસમાં પણ ફરિયાદ નોંધાવી છે, પણ હજી કોઈ માહિતી મળી નથી. અમે તેને સતત ફોન કરીએ છીએ. શનિવારે વહેલી સવારે પાંચ વાગ્યે અડધો કલાક તેનો ફોન ચાલુ થયો હતો, પરંતુ તેણે ઉઠાવ્યો નહોતો. મમ્મીનો જીવ ચેતનમાં અટવાયેલો છે અને તેના ​વિશે કોઈ સમાચાર મળી રહ્યા ન હોવાથી તેની તબિયત ખરાબ થઈ ગઈ છે.’

પોલીસનું શું કહેવું છે?

દિંડોશી પોલીસ-સ્ટેશનના તપાસ અધિકારી ભૂષણ મહાજને ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘મિસિંગની ફરિયાદ નોંધીને હાલમાં અમે ચેતનનો કૉલ ડેટા રેકૉર્ડ તપાસી રહ્યા છીએ. તેણે બૅન્કમાંથી કોઈ લોન લીધી છે એવી માહિતી અમને મળી છે જેની વધુ તપાસ ચાલી રહી છે.’

ક્યાં સંપર્ક કરશો?

ચેતન મોતા ‌વિશે કોઈ માહિતી મળે તો તેના મોટા ભાઈ દિલીપ મોતાનો 87934 51727 અથવા 93266 30129 નંબર પર સંપર્ક કરવો.

malad kutchi community mumbai mumbai news