16 January, 2025 02:50 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્ય : મિડ-ડે
ધારાવીના રહેવાસીઓનું મલાડના આક્સા અને માલવણીમાં પુનર્વસન કરવાના સરકારના નિર્ણયનો વિરોધ કરી રહેલા સ્થાનિક રહેવાસીઓએ આજે આક્સા વિલેજમાં મોટી સંખ્યામાં લોકોને ભેગા થવાની હાકલ કરી છે. આજે સિટી સર્વે ડિપાર્ટમેન્ટના અધિકારીઓ જમીનનો સર્વે કરવા આવવાના હોવાથી તેમનો વિરોધ કરવા સ્થાનિક રહેવાસી અને માછીમારોએ કમર કસી છે. અદાણીની કંપની ધારાવીનું રીડેવલપમેન્ટ કરવાની છે.
આક્સા અને માલવણીમાં ૧૦૦ એકર જમીનમાં ધારાવીના લોકોનું પુનર્વસન કરવાની સરકારની યોજના હોવાથી લોકો એનો વિરોધ કરી રહ્યા છે. વિધાનસભાના ઇલેક્શન વખતે પણ મલાડમાં આ મુદ્દો જોરદાર ચગ્યો હતો. માછીમારોનું કહેવું છે કે તેમની પાસે પહેલેથી ઓછી જગ્યા છે એમાં પણ સરકાર તેઓ જે જગ્યાએ માછલી સૂકવે છે ત્યાં બિલ્ડિંગ બાંધીને ધારાવીના રહેવાસીઓનું પુનર્વસન કરવા માગે છે, જે અમને માન્ય નથી. અમે કોઈ પણ સંજોગોમાં અમારી આ જગ્યા પર અદાણીને બિલ્ડિંગ બનાવવા નહીં દઈએ.’
આ પહેલાં ધારાવીના લોકોને મુલુંડ અને કુર્લામાં શિફ્ટ કરવાનું સરકારે નક્કી કર્યું હોવાથી ત્યાંના લોકોએ પણ સરકારની આ પહેલનો જોરદાર વિરોધ કર્યો હતો.