20 March, 2023 11:55 AM IST | Mumbai | Priti Khuman Thakur
દીકરીનાં લગ્ન હોવાથી ઘરમાં રાખેલા રૂપિયા અને સોનાના દાગીના બધું બળીને ખાખ થઈ ગયું
મલાડ-ઈસ્ટમાં કુરાર વિલેજના આનંદનગરના અપ્પાપાડામાં લગભગ ૧,૭૦૦થી વધુ ઝૂંપડાં સોમવારે સાંજે લાગેલી આગની લપેટમાં ભસ્મીભૂત થઈ જતાં સ્થાનિક રહેવાસીઓ નોધારા બની ગયા છે. તેમનું જીવવું ભારે થઈ ગયું છે. આવી હાલતમાં રહેવા કરતાં મોત મળ્યું હોત તો સારું હતું એવું કહેવા આંખમાં આંસુ સાથે રહેવાસીઓ મજબૂર બન્યા છે. અહીં લોકોને મુંબઈની અનેક સેવાભાવી સંસ્થાઓની મદદ તો મળી રહી છે, પરંતુ એ કપડાં અને વાસણ રાખવા માટે તેમની પાસે ઘર કે અન્ય કોઈ સાધન નથી. ચોરીનો ભય છે અને માથે છત પણ નથી. રોજિંદા જીવનનિર્વાહનાં સાધનોથી લઈને તમામ વસ્તુઓ માટે તેઓ વલખાં મારી રહ્યા છે. જોકે સરકારી તંત્ર તરફથી કોઈ મદદ મળી રહી ન હોવાથી રહેવાસીઓ ભારે નારાજ છે. પડ્યા છે. છત ક્યારે મળશે એની રાહમાં તેઓ બળી ગયેલા ઘરમાં આખો દિવસ બેસી રહે છે. અફસોસની વાત એ છે કે જેના થોડા દિવસ પછી લગ્ન થવાનાં હતાં એ યુવતીઓનો કરિયાવર, રોકડ, દાગીના બધું આગમાં ભસ્મીભૂત થઈ જતાં તેમનાં લગ્ન રખડી પડ્યાં છે.
‘મિડ-ડે’ના રિપોર્ટરે આગમાં બળી ગયેલાં ઝૂપડાંની મુલાકાત લીધી એ દરમ્યાન અનેક હૃદયસ્પર્શી વાતો અને દૃશ્યો જોવા મળ્યાં હતાં. મોત તો ન મળ્યું, પણ મોત કરતાં બદતર જિંદગી મળી એવા શબ્દો હતા મોતનો સામનો કરીને આગમાંથી બચી ગયેલા લોકોના.
મલાડના અપ્પાપાડામાં લાગેલી આગ બે દિવસ બાદ બુઝાઈ હતી, પરંતુ લોકોના જીવનમાં લાગેલી આગ બુઝાય એ માટે સરકારી તંત્રની રાહ જોવાઈ રહી છે. આગ બુઝાયા બાદ લોકો એ જ જગ્યાએ સૂઈને માથે છત મળશે એવી આશા રાખી રહ્યા છે. અહીંના એક ઝૂંપડામાં રહેતા જાધવ પરિવારે ભાવુક બનીને ‘મિડ-ડે’ને કહ્યું કે ‘આખો દિવસ બળી ગયેલા ઘરમાં બેસી રહેતાં કમર અને હાથ-પગમાં દુખાવો થવા માંડ્યો છે. ઘર છોડીને ક્યાંક જતા રહીએ એવું પણ કોઈ આશ્રયસ્થાન અમારી પાસે નથી. અમે અહીં ૩૦-૩૫ વર્ષથી રહીએ છીએ અને ગરીબ વર્ગના છીએ એટલે અમારી સામે તો સરકાર જોશે પણ નહીં.’
મલાડના અપ્પાપાડાની આગની અસરને કારણે લોકોની દયનીય હાલત, તેઓ જીવનનિર્વાહથી લઈને તમામ વસ્તુઓ માટે વલખાં મારી રહ્યા છે
અન્ય એક રહેવાસીએ જણાવ્યું હતું કે ‘અનેક સામાજિક સંસ્થાઓ, જૈન સંસ્થાઓ, સામાન્ય લોકો ટ્રક ભરીને ઘરેથી જમા કરીને ખાવાનું, નાસ્તો, પાણીની બૉટલ, બિસ્કિટ, વાસણ, અનાજની કિટ અમને આપી રહ્યા છે; પરંતુ અમને છત ક્યારે મળશે એ આશાએ અમે અહીં બેઠા છીએ.’
પોતાના નાના બાળક સાથે તડકામાં બેઠેલી જયશ્રીએ ધ્રુસકે-ધ્રુસકે રડતાં કહ્યું કે ‘મારાં બે બાળકો છે. એમાં એક તો દોઢ વર્ષની દીકરી છે. મારા ઘરની એકેય દીવાલ બચી નથી. એ દિવસે તો સાંજે બનાવ બન્યો હતો. જો રાતે બન્યો હોત તો અમે બધા એ આગમાં બળી ગયા હોત. જોકે હમણાં જે હાલત છે એ જોઈને અમને પોતાને અમારી જાત પર દયા આવે છે. અમને મદદ કરવા જે આવે તેઓ ઘરે-ઘરે જઈને પૅકેટ આપે તો સારું, કારણ કે કોઈ કંઈક આપવા આવે ત્યારે બહાર એક કિલોમીટર લાંબી લાઇન લાગી જાય છે. આસપાસની ઝૂંપડપટ્ટીના લોકો આવીને લાઇનમાં ઊભા રહી જાય છે. આગ લાગી ત્યારે અમે બચાવેલાં ગૅસ-સિલિન્ડર બહાર મૂકી આવ્યા હતા એ પણ ચોરાઈ ગયાં છે.’
મારાં લગ્ન એપ્રિલમાં છે અને મા-બાપે જમા કરેલું બધું આગમાં બળીને ખાખ થઈ ગયું એમ કહેતાં વિદ્યા જગતાપ નામની યુવતીએ રડતાં-રડતાં કહ્યું કે ‘મારાં લગ્ન માટે મમ્મી-પપ્પાએ બૅન્કમાં ખાતું ન હોવાથી એક લાખ રૂપિયા જેટલી રોકડ રકમ ઘરમાં રાખી હતી. એની સાથોસાથ સોનાની વીંટી, ચેઇન, વૉશિંગ મશીન બધું બળીને ખાખ થઈ ગયું. અમારી આસપાસનાં ઘણાં ઘરોમાં અનેક છોકરીઓનાં લગ્ન હતાં તેમની પણ આવી હાલત થઈ છે.’