દક્ષિણ મુંબઈના લોકોની હેરાનગતિ વગર મલબાર હિલના રિઝર્વોયરને રિપેર કરવાની BMC સામે ચૅલેન્જ

10 June, 2024 08:34 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

IIT રુડકીએ રિપેરિંગ વખતે એનો ઉપયોગ કરી નહીં શકાય એવો અભિપ્રાય આપ્યા બાદ એને નવો પ્લાન સુપરત કરવા માટે જણાવ્યું મુંબઈ મહાનગરપાલિકાએ

મલબાર હિલ રિઝર્વોયર

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી (IIT) રુડકીની ટીમે સાઉથ મુંબઈને પાણીપુરવઠો પૂરો પાડતા મલબાર હિલ રિઝર્વોયરનું ઇન્સ્પેક્શન કર્યું છે અને મૌખિક રીતે જણાવ્યું છે કે એનું ફરી નિર્માણ કરવા કરતાં એનું રિપેરિંગ થઈ શકે એમ છે. જોકે ટીમે એમ પણ જણાવ્યું છે કે જ્યાં રિપેરિંગ કરવામાં આવશે એ વિસ્તારનો ઉપયોગ ત્યારે કરી શકાય એમ નથી. આમ રિપેરિંગ વખતે સાઉથ મુંબઈને પાણીપુરવઠો પૂરો પાડી શકાય એમ નથી. જોકે મુંબઈ સુધરાઈએ રિપેરિંગ વખતે પણ પાણીપુરવઠો પૂરો પાડી શકાય એવો પ્લાન આપવા જણાવ્યું છે.

સુધરાઈના અધિકારીઓ જણાવી રહ્યા છે કે આ માટે વધારાની પાણીની ટાંકી બાંધવી પડે તો અમે એની સાઇઝ અને ક્ષમતા વિશે વિચાર કરી શકીએ એમ છીએ. સાઉથ મુંબઈના રહેવાસીઓએ આ વિશે ચિંતા કરવાની જરૂર નથી.

સુધરાઈના અધિકારીઓ જણાવે છે કે IITની ટીમે કહ્યું છે કે રિઝર્વોયર સારી ક​ન્ડિશનમાં છે અને આખું રીકન્સ્ટ્રક્શન જરૂરી નથી. આ રિઝર્વોયરમાંથી રોજ ૧૪૭ મિલ્યન લીટર પર ડે (MLD) પાણીપુરવઠો પૂરો પાડવાની ક્ષમતા છે અને એની યુઝેબલ ક્ષમતા ૮૦ MLD છે. રિપેરિંગ કરતી વખતે એમાંથી પાણીપુરવઠો પૂરો પાડવામાં આવે એ રીતે રિપેરિંગ કરવાની સુધરાઈની નેમ છે.

ક્યારે બાંધવામાં આવ્યું છે આ રિઝર્વોયર?

૧૮૮૭માં મલબાર હિલ રિઝર્વોયરનું બાંધકામ કરવામાં આવ્યું હતું અને એ ૧૯ જુદી-જુદી ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ દ્વારા પાણીપુરવઠો પૂરો પાડે છે. ૧૯૦૭માં એની ક્ષમતા વધારવામાં આવી હતી અને ૧૯૧૬થી એને સ્ટોરેજ જળાશય તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે.

mumbai news mumbai brihanmumbai municipal corporation malabar hill south mumbai mumbai water levels