માતોશ્રી બંગલાને બાળાસાહેબનું સ્મારક બનાવો

18 November, 2023 07:32 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બાળ ઠાકરેની ૧૧મી પુણ્યતિથિએ બીજેપીના વિધાનસભ્યે શિવસૈનિકોને બંગલામાં પ્રવેશ આપવાની માગણી કરી 

માતોશ્રી બંગલાને બાળાસાહેબનું સ્મારક બનાવો


મુંબઈ ઃ બાળાસાહેબ ઠાકરેની વૈચારિક અને રાજકીય વિરાસત માટે એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે અને શિવસેનાના સ્થાપકના ૧૧મા સ્મૃતિદિવસની પૂર્વસંધ્યાએ શિવાજી પાર્કમાં બંને પક્ષના કાર્યકરો વચ્ચે રાડો થયો હતો ત્યારે હિન્દુ હૃદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે લાંબો સમય બાંદરામાં આવેલા માતોશ્રી બંગલામાં રહ્યા હતા એટલે તેમના આ બંગલાને સ્મારક બનાવવાની માગણી બીજેપીના વિધાનસભ્ય રામ કદમે ગઈ કાલે કરી હતી.

બીજેપીના ઘાટકોપરના વિધાનસભ્ય રામ કદમે ગઈ કાલે ઉદ્ધવ ઠાકરેને સવાલ કર્યો હતો કે ‘બાળાસાહેબ ઠાકરે જે માતોશ્રી બંગલામાં રહ્યા હતા એ જ બાળાસાહેબનું સાચું જીવંત સ્મારક છે. એ જનતા માટે ક્યારે ખુલ્લું મૂકશો? ઉદ્ધવ ઠાકરે અત્યારે માતોશ્રી-૨ બંગલામાં રહેવા ગયા છે. બાળાસાહેબે જૂના માતોશ્રી બંગલામાં અનેક વર્ષ રહીને અનેક મહત્ત્વના નિર્ણયો લીધા છે. દિવસ-રાત અહીં લોકોની અવરજવર રહેતી. આથી આ બંગલો જ સાચું જીવંત સ્મારક છે. માતોશ્રી બંગલો ખરા અર્થમાં દેશભરની જનતા માટે પ્રેરક છે. બાળાસાહેબે વાપરેલી વસ્તુઓથી લઈને તેમની ઑફિસ, તેમની રૂમ વગેરે શિવસૈનિકોની સાથે સામાન્ય જનતા માટે પણ પ્રેરક છે. આથી આ બંગલામાં બાળાસાહેબનું સ્મારક બનાવવું જોઈએ.’
તત્ત્વ એ જ પ્રાણ અને વિચારોનું ઈમાન બાળાસાહેબનું રાજકારણ

બાળાસાહેબ ઠાકરેની ૧૧મી પુણ્યતિથિ નિમિત્તે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અને બીજેપીના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસે ઉદ્ધવ ઠાકરેને ટોણો મારતાં ગઈ કાલે કહ્યું હતું કે ‘ઉદ્ધવ ઠાકરેએ મહાવિકાસ આઘાડી સાથે જઈને અઢી વર્ષ મુખ્ય પ્રધાનપદ શોભાવ્યું. ત્યારથી જ ઉદ્ધવ ઠાકરેએ બાળાસાહેબ ઠાકરેના વિચારોનો વિશ્વાસઘાત કરવાની શરૂઆત કરી હતી. તત્ત્વ એ જ પ્રાણ અને વિચારોનું ઈમાન બાળાસાહેબ ઠાકરેના રાજકારણનું સૂત્ર હતું.’ 

બાળાસાહેબ જીવનભર જેમની સામે લડતા રહ્યા તેમની સાથે ઉદ્ધવ ઠાકરેએ સત્તા મેળવવા માટે હાથ મિલાવ્યા ત્યારથી જ બાળાસાહેબના વિચાર અને રાજકારણનું અપમાન કરવામાં આવી રહ્યું હોવાનું અગાઉ પણ દેવેન્દ્ર ફડણવીસ કહી ચૂક્યા છે.

શિવાજી પાર્કમાં ભારે બંદોબસ્ત
ગુરુવારે રાત્રે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ બાળાસાહેબ ઠાકરેના શિવાજી પાર્ક ખાતેના શિવતીર્થ પર અભિવાદન કર્યું ત્યારે ઉદ્ધવ ઠાકરે જૂથના શિવસૈનિકોએ હંગામો મચાવ્યો હતો. આથી ભડકેલા એકનાથ શિંદેના શિવસૈનિકો પણ આક્રમક બનતાં જોરદાર રાડો થયો હતો. ત્રણેક કલાક સુધી આ રાડો ચાલ્યો હતો. આથી મોડી રાત્રે પોલીસે શિવાજી પાર્ક ખાલી કરાવી નાખ્યું હતું અને આસપાસ ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવી દીધો હતો. શિવાજી પાર્કમાં સ્મૃતિદિને અભિવાદન કરવા માટે સમર્થ વ્યાયામશાળા પાસેથી જ શિવસૈનિકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ વિસ્તારના ડેપ્યુટી પોલીસ કમિશનર મનોજ પાટીલે કહ્યું હતું કે ‘ગુરુવાર રાતથી શિવાજી પાર્કમાં કોઈને પ્રવેશ નહોતો આપવામાં આવ્યો. અહીં રાયટ્સ કન્ટ્રોલ ટીમ તહેનાત કરવામાં આવી છે.’
બાળાસાહેબની ૧૧મી પુણ્યતિથિએ ગઈ કાલે મોટી સંખ્યામાં ઉદ્ધવ ઠાકરે સહિત શિવસૈનિકોએ શિવાજી પાર્કમાં સ્મૃતિસ્થળે જઈને અભિવાદન કર્યું હતું. આ સમયે ભારે પોલીસ-બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. ગુરુવારની જેમ કોઈ રાડો નહોતો થયો.

mumbai news maharashtra news bal thackeray