વિધાન પરિષદની શિક્ષક અને ગ્રૅજ્યુએટની ૪ બેઠકો માટે મતદાન થયું

27 June, 2024 03:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગ્રૅજ્યુએટ મતદાર સંઘમાં ઉદ્ધવ ઠાકરે જૂથના ઍડ્વૉકેટ અનિલ પરબ અને BJPના કિરણ શેલાર વચ્ચે ડાયરેક્ટ જંગ છે

મેમ્બર ઑફ લેજિસ્લેટિવ કાઉન્સિલની ચૂંટણીમાં મતદાન કર્યા પછી ઉદ્ધવ ઠાકરે ઍન્ડ ફૅમિલી

વિધાન પરિષદની શિક્ષક અને ગ્રૅજ્યુએટની ચાર બેઠકો માટે ગઈ કાલે મતદાન થયું હતું. મુંબઈ શિક્ષક અને ગ્રૅજ્યુએટ, કોંકણ ગ્રૅજ્યુએટ અને ના​શિક શિક્ષકની બેઠકો માટે આ મતદાન થયું હતું. 
મુંબઈ શિક્ષક મતદારસંઘમાં કુલ પાંચ ઉમેદવારો વચ્ચે રસાકસી છે. ૧૩,૩૧૪ મતદાર ધરાવતા આ મતદારસંઘમાં કુલ ૧૩ ઉમેદવારોએ ઝુકાવ્યું હતું. એમાં લોકભારતીના સુભાષ મોરે, ઉદ્ધવ ઠાકરે જૂથના જે. એમ. અભ્યંકર, ભારતીય જનતા પાર્ટી (BJP)ના શિવનાથ દરાડે, નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (અજિત પવાર જૂથ)ના શિવાજીરાવ નલાવડે અને શિવસેનાના શિવાજી શેંડગે વચ્ચે રસાકસી જોવા મળી હતી.

ગ્રૅજ્યુએટ મતદાર સંઘમાં ઉદ્ધવ ઠાકરે જૂથના ઍડ્વૉકેટ અનિલ પરબ અને BJPના કિરણ શેલાર વચ્ચે ડાયરેક્ટ જંગ છે. આ મતદારસંઘમાં ૮૯,૯૨૮ ગ્રૅજ્યુએટ મતદાર છે. અનેક વર્ષોથી આ મતદારસંઘમાંથી ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના ઉમેદવાર જીતતા આવ્યા છે. આ વખતે એ બેઠક પોતાની કરવા BJPના દેવેન્દ્ર ફડણવીસ અને ઍડ્વોકેટ આશિષ શેલારે બહુ જોર લગાવ્યું છે. શિક્ષક મતદારસંઘમાં છેલ્લાં ૧૮ વર્ષથી ચૂંટાઈ આવતા કપિલ પાટીલે આ વખતે ઉમેદવારી તેમના સહકારી સુભાષ મોરેને આપી છે. મતદાનનો સમય પૂરો થતાં બધા જ ઉમેદવારોનાં ભાવિ હવે પેટીમાં સીલબંધ થઈ ગયાં છે. પહેલી જુલાઈએ એનું રિઝલ્ટ રાખવામાં આવ્યું છે. 

maharashtra news maharashtra shiv sena uddhav thackeray bharatiya janata party nationalist congress party ajit pawar mumbai mumbai news