અભૂતપૂર્વ પ્રતિસાદ વચ્ચે દક્ષિણ મધ્ય મુંબઈના મહાયુતિના ઉમેદવારની આશીર્વાદ યાત્રા સંપન્ન

19 May, 2024 08:51 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાહુલ શેવાળે કહે છે કે ધનુષ-બાણને વોટ આપવો એ કમળને મત આપવા બરાબર

આશીર્વાદ યાત્રા

મુંબઈ સાઉથ સેન્ટ્રલ બેઠકના મહાયુતિના ઉમેદવાર રાહુલ રમેશ શેવાળેએ ચૂંટણીપ્રચારના અંતિમ દિવસે યોજેલી આશીર્વાદ યાત્રા મહાયુતિના હોદ્દેદારો, કાર્યકરો અને આમઆદમીના અભૂતપૂર્વ પ્રતિસાદ સાથે સફળતાપૂર્વક પાર પડી હતી. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન મોહન યાદવ અને અભિનેતા ગોવિંદા સહિત અનેક મહાનુભાવોની હાજરી સાથે આશીર્વાદ યાત્રા સંપન્ન થઈ હતી. આ યાત્રામાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના મુંબઈ પ્રદેશના અધ્યક્ષ વિધાનસભ્ય આશિષ શેલાર, મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના નેતા સંદીપ દેશપાંડે, ​વિધાનસભ્ય પ્રસાદ લાડ, વિધાનસભ્ય તમિલ સેલવન, વિધાનસભ્ય સદા સરવણકર, વિધાનસભ્ય મનીષા કાયંદે, BJPનાં મહિલા પ્રદેશ અધ્યક્ષ ચિત્રા વાઘ, ભૂતપૂર્વ વિધાનસભ્ય તુકારામ કાતે, BJPના જિલ્લા અધ્યક્ષ રાજેશ શિરવાડકર, રિપબ્લિકન પાર્ટી ઑફ ઇન્ડિયા (RPI)ના સિદ્ધાર્થ કાસારે સહિતના મહાનુભાવો ઉપસ્થિત હતા.

આશીર્વાદ યાત્રા સંદર્ભે રાહુલ શેવાળેએ જણાવ્યું હતું કે ‘છેલ્લાં ૧૦ વર્ષમાં મેં કરેલાં વિકાસકાર્યોથી લોકોને મારામાં વિશ્વાસ બેઠો છે અને એ વિશ્વાસ કાયમ રાખીને લોકો ​ફરીથી દક્ષિણ મધ્ય મુંબઈમાંથી મહાયુતિને વિજયી બનાવશે એની મને ખાતરી છે.’

ધનુષ-બાણનું ચૂંટણીચિહ્‌‍ન ધરાવતા રાહુલ શેવાળેએ કહ્યું હતું કે આ ચિહ્‌નનું બટન દબાવવું એટલે કમળનું બટન દબાવવા સમાન છે. ચેમ્બુરના પાંજરાપોળમાં છત્રપતિ શિવાજી મહારાજના સ્મારકથી આશીર્વાદ યાત્રાની શરૂઆત શનિવારે સવારે ૧૧.૩૦ વાગ્યે થઈ હતી. છત્રપતિ શિવાજી મહારાજને વંદન કરીને આશીર્વાદ યાત્રાનો આરંભ થયો હતો. ચેમ્બુરથી નીકળેલી આશીર્વાદ યાત્રા સુમનનગર માર્ગેથી સાયન, ધારાવી નાઇન્ટી ફીટ રોડ, ગુરુ તેગ બહાદુર સ્ટેશન, વડાલા, ટિળક બ્રિજ પ્લાઝા સિનેમા અને ત્યાંથી સેનાભવનના માર્ગે થઈ શિવાજી પાર્ક ખાતે હિન્દુ હૃદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરેના સ્મૃતિસ્થળ ખાતે પૂર્ણાહુતિ પામી હતી. અહીં મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સ​હિત દક્ષિણ મધ્ય મુંબઈના  ઉમેદવાર રાહુલ શેવાળે અને અન્ય મહાનુભાવોએ બાળાસાહેબની સ્મૃતિને વંદન કરીને આશીર્વાદ લીધા હતા.

mumbai news mumbai Lok Sabha Election 2024 bharatiya janata party eknath shinde maharashtra navnirman sena