હવે થશે જોવા જેવી...! શિંદે ફડણવીસની નિષ્ફળતાઓ સામે મુંબઈમાં મોરચો

06 December, 2022 11:39 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મોરચો કાઢવાનો નિર્ણય મહાવિકાસ આઘાડી (MVA)ના નેતાઓની બેઠકમાં લેવામાં આવ્યો હતો.

એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે

એકનાથ શિંદે (Eknath Shinde)અને દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis)સરકારની નિષ્ફળતાઓ વિરુદ્ધ 17 ડિસેમ્બરે મુંબઈમાં વિપક્ષનો સંયુક્ત મોરચો કાઢવામાં આવશે. આ જાહેરાત સોમવારે પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કરી હતી. મોરચો કાઢવાનો નિર્ણય મહાવિકાસ આઘાડી (MVA)ના નેતાઓની બેઠકમાં લેવામાં આવ્યો હતો. રાજ્ય વિધાનસભાના આગામી શિયાળુ સત્ર માટે વિપક્ષની રણનીતિ ઘડવા માટે આ બેઠક બોલાવવામાં આવી હતી. બેઠક બાદ MVA નેતાઓએ પ્રેસ કોન્ફરન્સ કરી, જેમાં કહેવામાં આવ્યું કે ભાયખલાના જીજામાતા ઉદ્યાન (રાણીબાગ) થી આઝાદ મેદાન સુધી મોરચો કાઢવામાં આવશે. પ્રેસ કોન્ફરન્સને ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray), એનસીપી નેતા અને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અજિત પવાર અને કોંગ્રેસ વિધાનમંડળ પક્ષના નેતા બાળાસાહેબ થોરાટે પણ સંબોધિત કરી હતી.

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે રાજ્યપાલ અને ભાજપના નેતાઓ દ્વારા છત્રપતિ શિવાજી મહારાજનું સતત અપમાન કરવામાં આવી રહ્યું છે. કર્ણાટક દ્વારા સરહદી ગામડાઓ પર દાવો કરવામાં આવી રહ્યો છે અને મહારાષ્ટ્રમાંથી ઉદ્યોગો અન્ય રાજ્યોમાં જઈ રહ્યા છે. તેનાથી મહારાષ્ટ્રની જ ઓળખ સામે ખતરો ઉભો થયો છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, `આ ગેરકાયદેસર સરકારના કારણે રાજ્યની છબી ખરાબ થઈ રહી છે. તેમણે કહ્યું કે રાજ્યપાલ દ્વારા છત્રપતિ શિવાજી મહારાજ અને જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલે વિશે તાજેતરમાં કરાયેલી ટિપ્પણીથી મહારાષ્ટ્રના મહાપુરુષોની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચી છે. ગુજરાતમાં ચૂંટણી જીતવા માટે મહારાષ્ટ્રમાંથી ઉદ્યોગો છીનવીને ગુજરાતમાં મોકલવામાં આવ્યા હતા. તેમણે સવાલ ઉઠાવ્યો કે આવતા વર્ષે કર્ણાટકમાં ચૂંટણી છે તો શું મહારાષ્ટ્રના ગામડાઓ તોડીને કર્ણાટકને આપવામાં આવશે?

આ પણ વાંચો: આવકથી વધારે સંપત્તિ મામલે ઠાકરે પરિવારની વધી શકે છે મુશ્કેલી, 8 ડિસેમ્બરે સુનવણી

સૌને ભાગ લેવા અપીલ
ઉદ્ધવ ઠાકરેએ સામાન્ય જનતા, સામાજિક સંસ્થાઓ અને મહારાષ્ટ્રના નાગરિક સમાજને 17 ડિસેમ્બરના મોરચામાં જોડાવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે મોરચાનો મુદ્દો માત્ર રાજકીય નથી, પરંતુ તે મહારાષ્ટ્રના સ્વાભિમાનનો પ્રશ્ન છે.

આ પણ વાંચો:TMC પ્રવક્તા સાકેત ગોખલેની ગુજરાત પોલીસે કરી ધરપકડ, શા માટે? જાણો

MVA મીટિંગ 8 ડિસેમ્બરે
પવારે કહ્યું કે 8 ડિસેમ્બરે MVA નેતાઓની બીજી બેઠક થશે. પવારે કહ્યું કે જો 17 ડિસેમ્બર પહેલા રાજ્યપાલને હટાવવામાં આવશે તો પણ આ મોરચો કાઢવામાં આવશે. તેમણે કહ્યું કે મહારાષ્ટ્ર આજ સુધી કોઈની સામે ઝૂક્યું નથી.

mumbai news eknath shinde devendra fadnavis uddhav thackeray