સમીર વાનખેડેને શિંદે જૂથ આપશે વિધાનસભા ચૂંટણીની ટિકિટ? આ બેઠક પરથી લડવાની તૈયારી

17 October, 2024 04:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Maharashtra Vidhan Sabha election 2024: રાજયમાં 20મી નવેમ્બરે મતદાન થશે અને 23મી નવેમ્બરે મતગણતરી થયા બાદ પરિણામો જાહેર કરવામાં આવશે.

એકનાથ શિંદે અને સમીર વાનખેડે (ફાઇલ તસવીર)

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીની તારીખ ગઈકાલે જાહેર કરવામાં આવી હતી. રાજયમાં 20મી નવેમ્બરે મતદાન થશે અને 23મી નવેમ્બરે મતગણતરી થયા બાદ પરિણામો જાહેર કરવામાં આવશે. રાજ્યના રાજકારણમાં મહાયુતિ (શિવસેના એકનાથ શિંદે જૂથ, એનસીપી અજિત પવાર જૂથ અને ભાજપના ગઠબંધન) અને મહાવિકાસ અઘાડી (શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથ, એનસીપી શરદ પવાર જૂથ અને કૉંગ્રેસના ગઠબંધન) વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળશે. જોકે આ બંને ગઠબંધન વચ્ચે બેઠકોની વહેંચણી પર અંદર ચર્ચા ચાલી રહી છે, પરંતુ હજુ સુધી આ અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી. આ બધાની વચ્ચે ખાસ કરીને એક નામ ચર્ચામાં છે તે IRS ઑફિસર સમીર વાનખેડે. સૂત્રોના જણાવ્યાં અનુસાર સમીર વાનખેડે (Maharashtra Vidhan Sabha election 2024) પણ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ઉતરવાની શક્યતા છે. વાનખેડેનું નામ ત્રણ વર્ષ પહેલા ચર્ચામાં આવ્યું હતું જ્યારે તેમણે બૉલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનની ડ્રગ્સના કેસમાં ધરપકડ કરી હતી. તે સમયે રાજ્યમાં મહાવિકાસ આઘાડીની સરકાર હતી અને આર્યન ખાનની ધરપકડ બાદ વાનખેડે પર અનેક આરોપો પણ લગાવવામાં આવ્યા હતા.

અનેક અહેવાલો મુજબ, સમીર વાનખેડે મુંબઈની ધારાવી વિધાનસભા બેઠક (Maharashtra Vidhan Sabha election 2024) પરથી વિધાનસભાની બેઠક પર ચૂંટણી લડી શકે છે. તેઓ એકનાથ શિંદેની પાર્ટી શિવસેના શિંદે જૂથની ટિકિટ પર ચૂંટણી લડશે એવી જોરદાર ચર્ચા શરૂ થઈ છે. સૂત્રોની માહિતી મુજબ શિવસેના શિંદે જૂથ અને સમીર વાનખેડે વચ્ચેની વાતચીત લગભગ નક્કી થઈ ગઈ છે અને વાનખેડે ટૂંક સમયમાં જ સત્તાવાર રીતે પાર્ટીમાં જોડાઈ શકે છે. જોકે આ માટે વાનખેડેએ પહેલા તેમની સરકારી નોકરીમાંથી રાજીનામું આપવું પડશે.

ધારાવી વિધાનસભા ક્ષેત્રમાં કૉંગ્રેસની લાંબા સમયથી સત્તા છે, જે વર્ષા ગાયકવાડે (Maharashtra Vidhan Sabha election 2024) શિવસેનાના ઉમેદવાર આશિષ વસંત મોરેને હરાવીને 2019માં જીતી હતી. જોકે, ગાયકવાડ 2024માં સાંસદ તરીકે ચૂંટાયા હતા, જેના કારણે આ બેઠક હાલમાં ખાલી છે. મહાયુતિ આ બેઠકને "હોટ સીટ" ગણીને ગંભીર છે કારણ કે તે કૉંગ્રેસનો પરંપરાગત કિલ્લો રહ્યો છે. વાનખેડે આ બેઠક પરથી ચૂંટણી લડે તેવી શક્યતાએ ચૂંટણીનો માહોલ વધુ રસપ્રદ બનાવ્યો છે. જો વાનખેડે શિંદે જૂથ તરફથી ચૂંટણી લડે છે, તો તે મહાયુતિ માટે મજબૂત ઉમેદવાર સાબિત થઈ શકે છે. ધારાવીનો મતવિસ્તાર રાજકીય દૃષ્ટિકોણથી મહત્ત્વનો છે અને તેની ગણતરી મુંબઈના મુખ્ય મતવિસ્તારોમાં થાય છે. હવે જોવાનું એ રહે છે કે સમીર વાનખેડેની ચૂંટણી મેદાનમાં એન્ટ્રી મહારાષ્ટ્રના રાજકારણને કઈ દિશામાં લઈ જાય છે અને ધારાવી જેવા મહત્ત્વના મતવિસ્તારમાં આ નિર્ણયની કેટલી અસર થાય છે.

eknath shinde maharashtra assembly election 2024 shiv sena dharavi political news mumbai news