ઢોર ચરાવવાની જમીન મુદ્દે VBAએ કર્યું મુંબઈમાં વિરોધ પ્રદર્શન, જાણો શું છે મામલો?

21 July, 2023 12:33 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

વંચિત બહુજન આઘાડી દ્વારા બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના મુખ્યાલય પાસે મહારાષ્ટ્ર સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

વંચિત બહુજન આઘાડી દ્વારા મુંબઈમાં વિરોધ પ્રદર્શન (તસવીર સૌજન્ય: આશિષ રાજે)

વંચિત બહુજન આઘાડી દ્વારા બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (Brihanmumbai Municipal Corporation)ના મુખ્યાલય પાસે મહારાષ્ટ્ર સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ગુરુવારે સતત વરસાદ થઈ રહ્યો હોવા છતાં આ લોકોએ વિરોધ પ્રદર્શન શરૂ જ રાખ્યું હતું.

વંચિત બહુજન આઘાડી (VBA) એ રાજ્ય સરકારના ગાયરાન (ચરાણ) જમીન અતિક્રમણ અને ઝૂંપડપટ્ટીના પુનઃવિકાસમાં વિલંબને લગતા આદેશ બાબતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. વંચિત બહુજન આઘાડીના પ્રમુખ પ્રકાશ આંબેડકર દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે (Devendra Fadnavis) ખાતરી આપી છે કે રાજ્ય સરકાર ગાયરાન જમીન (ઢોર ચરાવવાની જમીન) પરના બાંધકામ સામે પગલાં લેશે નહીં. ઉપરાંત અટકી પડેલો SRA પ્રોજેક્ટ પણ રાજ્ય સરકારને સોંપવામાં આવશે.

ગુરુવારે બપોરે મહાપાલિકા રોડ પર ભારે ભીડ એકઠી થઈ હતી. આ વિરોધ પ્રદર્શનને કારણે ટ્રાફિકને રોડ પરથી ડાયવર્ટ કરવામાં આવ્યો હતો.

વિરોધ પ્રદર્શન વખતે પ્રકાશ આંબેડકરે સંબોધતા જણાવ્યું હતું કે, "અમને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ તરફથી ખાતરી મળી છે કે અટકેલા SRA પ્રોજેક્ટને રાજ્ય સત્તાને સોંપવામાં આવશે. રાજ્ય સત્તા ભાડૂતોને ભાડું ચૂકવશે."

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, "ફડણવીસે ખાતરી આપી હતી કે ગાયરાન (ચરાણ) જમીન પર બાંધવામાં આવેલા મકાનો પર કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં અને ગાયરાન દ્વારા પાકનો નાશ કરવામાં આવશે નહીં. સાથે જ, મકાનોની માલિકી ત્યાં રહેતા પરિવારને આપવામાં આવશે."

સ્વાભિમાની શેતકરી સંગઠનના પ્રમુખ રાજુ શેટ્ટીએ થોડાક દિવસ પહેલા જ આ વિરોધ પ્રદર્શનનો અંદાજો આપી દીધો હતો. તેઓએ માહિતી આપી હતી કે ગામડાઓમાં ગાયરાન (ચરાણ) જમીન પર બનેલા રહેણાંક બાંધકામોને નિયમિત કરવાની માંગણી માટે બુધવારે આઝાદ મેદાનથી મુંબઈમાં રાજ્ય વિધાનસભા સુધી એક વિશાળ કૂચનું આયોજન કરવામાં આવશે.

શેટ્ટીએ મંગળવારે કોલ્હાપુરમાં આ ચરાણ જમીનના સેંકડો રહેવાસીઓ સાથે મુંબઈ જતા પહેલા કહ્યું હતું કે, “મોટાભાગની પાર્ટીઓ રેલીને સમર્થન આપી રહી છે. તે અત્યાર સુધીની સૌથી મોટી રેલી હશે. આ ચરાણ જમીન પરના મકાનોના રહેવાસીઓ મોટાભાગે જમીન વિહોણા લોકો છે. જેમની પાસે કોઈ બાપદાદદાની મિલકત નથી. રાજ્યભરમાં 5.5 લાખથી વધુ પરિવારો એવા છે જેમને ખાલી કરવાની નોટિસનો સામનો કરવો પડી રહ્યો છે.”

જૂન 2022 માં બોમ્બે હાઈકોર્ટે આ સંદર્ભમાં એક પીઆઈએલને ફગાવી દીધી હતી. તે વખતે ગાયરાન જમીન પરના અતિક્રમણની નોંધ લીધી હતી. તેમજ આ મામલે સુમોટો હેઠળ જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં રાજ્ય સરકાર સમગ્ર રાજ્યમાં જમીન પર થયેલા અતિક્રમણ સામે કાર્યવાહી કરવા મક્કમ હોવાનું સ્પષ્ટ કરવામાં આવ્યું હતું.

 

 

brihanmumbai municipal corporation devendra fadnavis maharashtra news mumbai news mumbai