08 December, 2023 08:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દિશા સાલિયન
બૉલીવુડના સદ્ગત અભિતેના સુશાંત સિંહ રાજપૂતની મૅનેજર દિશા સાલિયનના મૃત્યુને સાડાત્રણ વર્ષ થઈ ગયાં હોવા છતાં આ પ્રકરણ ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેનો પીછો નથી છોડી રહ્યું. દિશા સાલિયનના મૃત્યુમાં કોઈક રીતે આદિત્ય ઠાકરે સંકળાયેલો હોવાનો આરોપ કેટલાક વિધાનસભ્યોએ વિધાનસભાના ગયા સત્રમાં કર્યો હતો. ત્યારે નાયબ મુખ્ય પ્રધાનની સાથે ગૃહપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ મામલે એસઆઇટી બનાવીને તપાસ કરવાનું આશ્વાસન આપ્યું હતું. ગઈ કાલે શિયાળુ સત્ર શરૂ થયું હતું ત્યારે સરકાર ગમે ત્યારે એસઆઇટી નિયુક્ત કરે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. આથી આદિત્ય ઠાકરે મુશ્કેલીમાં મુકાઈ શકે છે એવી ચર્ચા શરૂ થઈ હતી.
૨૦૨૦માં ૮ જૂને મલાડની એક હાઇરાઇઝ ઇમારતના ફ્લૅટમાંથી નીચે પટકાવાને લીધે દિશા સાલિયનનું મૃત્યુ થયું હતું. એ સમયે રાજ્યના કૅબિનેટ પ્રધાનની કાર ઘટનાસ્થળની આસપાસ જોવા મળી હતી. એ કાર બીજા કોઈ નહીં પણ આદિત્ય ઠાકરેની જ હોવાનું બીજેપીના કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણે અને તેમના વિધાનસભ્ય પુત્ર નીતેશ રાણેએ એકથી વધુ વખત દાવો કર્યો છે. તેમના દાવાને પગલે કેટલાક વિધાનસભ્યોએ આ મામલાની તપાસ કરવા માટે એસઆઇટી બનાવવાની માગણી કરી હતી. રાજ્યના ગૃહપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે એસઆઇટી નિયુક્ત કરવાનું આશ્વાસન આપ્યું હતું. આથી ગઈ કાલે ચર્ચા શરૂ થઈ હતી કે એકાદ દિવસમાં જ ઑર્ડર જાહેર કરાશે, જેમાં મુંબઈના ઍડિશનલ પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં તપાસ શરૂ થઈ શકે છે.
સીબીઆઇએ દિશા સાલિયનના મૃત્યુના કેસની તપાસ કરી હતી ત્યારે આ મામલામાં કોઈ રાજકીય ઍન્ગલ ન હોવાનું કહ્યું હતું. દિશા નિયંત્રણ ગુમાવવાને લીધે ઊંચી ઇમારત પરથી પટકાઈ હતી એટલે તેનું મૃત્યુ થયું હોવાનું તારણ તપાસમાં કાઢવામાં આવ્યું હતું. સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના મામલામાં સીબીઆઇ તપાસ શરૂ કરવામાં આવી હતી ત્યારે સીબીઆઇએ દિશા સાલિયનનો જુદો કેસ નોંધ્યો ન હોવા છતાં તપાસ કરી હતી. સીબીઆઇએ આદિત્ય ઠાકરેને ક્લીન-ચિટ આપી હતી.
જોકે આદિત્ય ઠાકરેના નજીકના ગણાતા રાહુલ કનાલે દિશા સાલિયન અને સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાબતની ફાઇલ ફરી ઓપન કરવાની અને એની ઊંડાણપૂર્વક તપાસ કરવાની માગણી કરી હતી. એટલું જ નહીં, આ બાબતે બૉમ્બે હાઈ કોર્ટમાં એક અરજી પણ દાખલ કરી છે.
ઉલ્લેખનીય છે કે બૉલીવુડના અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની મૅનેજર દિશા સાલિયનનું ૨૦૨૦માં ૮ જૂને ઉપરના માળેથી નીચે પડી જવાથી મૃત્યુ થયું હતું. મલાડમાં આવેલી ગૅલૅક્સી રીજન્ટ નામની ઇમારતના ૧૪મા માળેથી ૨૮ વર્ષની દિશા સાલિયન નીચે પટકાઈ હતી. ૬ દિવસ બાદ સુશાંત સિંહ રાજપૂતનો મૃતદેહ તેના બાંદરાના ફ્લૅટમાંથી મળી આવ્યો હતો. પોલીસની તપાસમાં જણાયું હતું કે દિશા સાલિયનનું મૃત્યુ થયું હતું એ રાત્રે તેણે સુશાંત સિંહ રાજપૂત સાથે ફોન પર લાંબી વાત કરી હતી.
હવે આ કેસ ફરી ખૂલશે અને એની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે તો અનેક પુરાવા મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે એટલે આદિત્ય ઠાકરે જ્યારે-જ્યારે આ કેસની વાત નીકળે છે ત્યારે ફફડી જાય છે એવો દાવો તાજેતરમાં નારાયણ રાણેએ કર્યો હતો. એસઆઇટી તપાસ કરવામાં આવશે તો આદિત્ય ઠાકરેની મુશ્કેલી વધી શકે છે.