દેરાણી અને જેઠાણીની જોડીએ કરી કમાલ

28 May, 2024 09:10 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

ઘરનું કામ કરીને એકસાથે દસમા ધોરણની એક્ઝામની સ્ટડી કરતાં અને ન સમજાય તો એકબીજાને શીખવતાં : એક મહિનો ઑનલાઇન સ્ટડી કરીને પરીક્ષા પાસ કરી

વિદ્યાવિહારનાં જેઠાણી ચંપા મારુ અને દેરાણી ગીતા મારુ

વિદ્યાવિહાર-વેસ્ટમાં મારુ પરિવારની બે વહુઓ એકસાથે દસમા ધોરણની પરીક્ષા આપીને પાસ થઈ છે. સહકુટુંબમાં રહેતાં જેઠાણી અને દેરાણીની જોડી એકસાથે ઘરનું કામ પૂરું કરીને જલદી સ્ટડી કરવા બેસી જતી હતી. ઘરમાં બાળકોને અને પરિવારને સંભાળીને છેલ્લો એક મહિનો ઑનલાઇન સ્ટડી કરી અને સાથે ઘણી વખત નાલાસોપારામાં ક્લાસમાં પણ જતાં હતાં. સ્ટડી કરવામાં મજા આવી રહી હોવાથી તેમણે આગળ ભણવાનો નિર્ણય પણ લીધો છે. દસમાની એક્ઝામમાં જેઠાણી ચંપા મારુને બેસ્ટ ઑફ ફાઇવમાં ૫૦૦માંથી ૨૫૩ માર્ક્સ સાથે ૫૦.૬૦ ટકા અને દેરાણી ગીતા મારુને ૫૦૦માંથી ૨૫૭ માર્ક્સ સાથે ૫૧.૪૦ ટકા આવ્યા છે.

૩૩ વર્ષનાં ગીતા મારુ અને ૩૮ વર્ષનાં ચંપા મારુ વહુઓ તરીકે નહીં પણ બે બહેનની જેમ રહે છે. બન્નેને બે-બે બાળકો છે. તેમના પરિવારમાં બધા મળીને ૧૦ લોકો રહે છે. આખું ઘર સંભાળીને બન્નેએ એક્ઝામની તૈયારીઓ કરી હતી. ગીતા મારુએ ‘મ‌િડ-ડે’ને કહ્યું હતું કે ‘૨૦૦૫માં દસમા ધોરણમાં હું બધા સબ્જેક્ટ્સમાં ફેલ થઈ હતી એટલે મેં ભણવાનું છોડી દીધું હતું. ત્યાર બાદ મેં બ્યુ​ટિશ્યનનો કોર્સ કર્યો હતો. ૧૮ વર્ષની ઉંમરે લગ્ન કરી લીધાં હોવાથી ભણવાનું પછી ક્યારેય વિચાર્યું નહોતું. મારાં જેઠાણી નવમા ધોરણમાં ફેલ થયા બાદ તેમણે પણ ભણવાનું છોડી દીધું હતું. ત્યાર બાદ સંસાર વધ્યો અને બાળકો નાનાં હોવાથી કંઈ કરીશું એ દિશામાં ‌વિચારવાનો સમય જ નહોતો. મારી એક દીકરી હવે દસમા ધોરણમાં છે તો નાની દીકરી છઠ્ઠા ધોરણમાં ભણે છે. ચંપાબહેનનો મોટો દીકીરો તેરમા ધોરણમાં તો નાનો નવમા ધોરણમાં ભણે છે.’

આખું વર્ષ અમે રોજ સાંજે સાત વાગ્યે જલદી બધું કામ અને રસોઈ કરીને ભણવા બેસતાં અને રાતના ૧૧ વાગ્યા સુધી ભણતાં હતાં એમ જણાવીને ગીતા મારુએ કહ્યું હતું કે ‘કંઈ ન સમજાય તો અમે એકબીજાની મદદ લેતાં. એક્ઝામના એક મહિના પહેલાં નાલાસોપારામાં રહેતા વાલજીસરે અમને ઑનલાઇન ભણાવી હતી અને અમુક વખત વીક-એન્ડમાં અમે નાલાસોપારા તેમના ટ્યુશનમાં જતાં હતાં. અમારું એક્ઝામ સેન્ટર નાલાસોપારામાં આવ્યું હોવાથી એક્ઝામ વખતે સવારે ચાર વાગ્યે અમે ઊઠી જતાં અને બધું કામ પતાવીને સાત વાગ્યે એક્ઝામ આપવા નીકળી જતાં. એક્ઝામ આપીને બપોરે ફરી બધું કામ કરીને એક્ઝામની તૈયારી કરવા બેસી જતાં. પર‌િવારની મદદથી અમે ભણી શક્યાં છીએ. આગળ ભણવાનું અમે નક્કી કરી લીધું છે. અમારાં બાળકોને પણ પ્રેરણા મળી છે કે મમ્મી આટલું કામ કરીને આટલાં વર્ષો પછી ભણી શકે છે તો અમે કેમ નહીં.’

ચંપા મારુની માર્કશીટ
ગુજરાતી    ૪૬
મરાઠી-હિન્દી    ૬૨
ઇંગ્લિશ    ૪૬
મૅથેમૅટિક્સ    ૩૬
સાયન્સ ઍન્ડ ટેક્નૉલૉજી    ૫૦
સોશ્યલ સાય​​ન્સિસ    ૪૯  

ગીતા મારુની માર્કશીટ
ગુજરાતી    ૪૬
મરાઠી-હિન્દી    ૫૮
ઇંગ્લિશ    ૫૮
મૅથેમૅટિક્સ    ૩૭
સાયન્સ ઍન્ડ ટેક્નૉલૉજી    ૪૯
સોશ્યલ સાય​​ન્સિસ    ૪૬

10th result vidyavihar gujarati community news mumbai mumbai news preeti khuman-thakur