22 September, 2023 12:42 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે ડેક્કન ઑડિસીના ઉદ્ઘાટન પ્રસંગે હાજર રહેલા રાહુલ નાર્વેકર અને રાજ્યના પ્રધાન ગિરીશ મહાજન (તસવીર : અતુલ કાંબળે)
મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે ગુરુવારે પોતાની દિલ્હીની મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે તેઓ શિવસેનાના કેટલાક વિધાનસભ્યોની ગેરલાયકાતની અરજીઓ પર નિર્ણય લેવામાં વિલંબ કરશે નહીં; પરંતુ એમાં ઉતાવળ પણ કરશે નહીં, કારણ કે એ ન્યાયની નિષ્ફળતામાં પરિણમી શકે છે. લક્ઝરી ડેક્કન ઓડિસી ટ્રેનનું નિરીક્ષણ કરતી વખતે રાહુલ નાર્વેકરે પત્રકારો સાથે વાત કરતાં ભારપૂર્વક જણાવ્યું હતું કે ‘હું જે નિર્ણય લઈશે એ બંધારણીય હશે. અયોગ્યતાની અરજીઓ અંગે હું ફક્ત એટલું જ કહી શકું છું કે હું એમાં વિલંબ કરીશ નહીં અને ન્યાયની નિષ્ફળતામાં પરિણમી શકે એવી કોઈ પણ પ્રકારની ઉતાવળ પણ નહીં કરું.’
શિવસેના ગયા વર્ષે જૂનમાં એકનાથ શિંદેના બળવા પછી વિભાજિત થઈ હતી. પછી એકનાથ શિંદે ભારતીય જનતા પાર્ટીના સમર્થનથી મુખ્ય પ્રધાન બન્યા હતા. જોકે ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ એકનાથ શિંદે સહિત ઘણા વિધાનસભ્યોને પક્ષપલટાવિરોધી કાયદા હેઠળ ગેરલાયક ઠેરવવાની અરજીઓ દાખલ કરી હતી.
સુપ્રીમ કોર્ટે ૧૧ મેએ વિધાનસભાના અધ્યક્ષને યોગ્ય સમયની અંદર ગેરલાયકાતની અરજીઓ પર નિર્ણય લેવાનો નિર્દેશ આપ્યો હતો. ઉદ્ધવસેના દાવો કરી રહી છે કે રાહુલ નાર્વેકરેૉ ગેરલાયકાતની અરજીઓમાં નિર્ણય પર પહોંચવામાં જાણી જોઈને વિલંબ કરી રહ્યા હતા. પત્રકારો સાથે વાત કરતાં રાહુલ નાર્વેકરે એમ પણ કહ્યું હતું કે કેટલીક બેઠકોમાં ભાગ લેવા માટે તેમની દિલ્હીની મુલાકાત પૂર્વઆયોજિત હતી. રાહુલ નાર્વેકર અને રાજ્યના પ્રધાન ગિરીશ મહાજને ડેક્કન ઓડિસીનું નિરીક્ષણ કર્યું હતું, જે ચાર વર્ષના અંતરાલ પછી ફરી શરૂ થઈ રહી છે. તેમણે સીએસએમટીથી પનવેલ સુધીના એના ઉદ્ઘાટન માટે એને ફ્લૅગ-ઑફ કરી હતી.
ગિરીશ મહાજને જણાવ્યું હતું કે ૨૦૦૪માં તત્કાલીન વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી દ્વારા શરૂ કરાયેલી આ ટ્રેને અનેક દેશોના પ્રવાસીઓને સેવા આપી છે. મહારાષ્ટ્ર ટૂરિઝમ ડેવલપમેન્ટ કૉર્પોરેશનના અધિકારીઓના જણાવ્યા અનુસાર ટ્રેન ૨૩ સપ્ટેમ્બરે મુંબઈથી દિલ્હી સુધીની એની પ્રથમ વ્યાવસાયિક મુસાફરી શરૂ કરશે, જેમાં ૨૦થી વધુ સીટ પહેલેથી જ બુક થઈ ગઈ છે.