22 January, 2025 12:03 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દેવેન્દ્ર ફડણવીસ
સ્વિટ્ઝરલૅન્ડના દાવોસમાં દર વર્ષે આયોજિત કરવામાં આવતી વર્લ્ડ ઇકૉનૉમિક ફોરમમાં મહારાષ્ટ્રે ગઈ કાલે પહેલા દિવસે ૨૦ કંપનીઓ સાથે બિઝનેસ કરવાના મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટૅન્ડિંગ (MoU) પર સહી કરીને ૪,૯૯,૩૨૧ કરોડ રૂપિયાનું રોકાણ મેળવ્યું હતું. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને ઉદ્યોગપ્રધાન ઉદય સામંતની હાજરીમાં રાજ્યના વિવિધ ક્ષેત્રના અધિકારીઓએ કંપનીઓ સાથે આ કરાર કર્યા હતા. આજે અને આવતી કાલે પણ વધુ કંપનીઓ સાથે કરાર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
આ વર્ષે JSW કંપનીએ ૩ લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવાનો સૌથી મોટો કરાર મહારાષ્ટ્ર સરકાર સાથે કર્યો છે. કરાર મુજબ કામ થશે તો મહારાષ્ટ્રમાં ૯૨,૨૩૫ લોકોને રોજગાર મળશે. ગડચિરોલી, પુણે, રત્નાગિરિ, નાગપુર સહિતના ભાગમાં વિવિધ કંપનીઓ મોટા પ્રમાણમાં રોકાણ કરીને બિઝનેસ શરૂ કરશે.
મહારાષ્ટ્ર સરકાર સાથે JSW, રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બિસલેરી ઇન્ટરનૅશનલ, એસ્સાર, વેલસ્પૂન સહિતની કંપનીઓ લૉજિસ્ટિક, ઑટોમોબાઇલ્સ, સ્ટીલ, ઇલેક્ટ્રૉનિક્સ, આઇટી, ગ્રીન એનર્જી અને ગ્રીન હાઇડ્રોઝન સહિતના ક્ષેત્રમાં બિઝનેસ કરશે.
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે આ ફોરમમાં તત્કાલીન મુખ્ય પ્રધાન એકનાથ શિંદે ૩.૫૩ લાખ કરોડ રૂપિયાનું રોકાણ રાજ્યમાં લાવ્યા હતા.