midday

GBSને કારણે મહારાષ્ટ્રમાં સૌપ્રથમ મોત

28 January, 2025 09:42 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જીવ ગુમાવનારો સોલાપુરનો ૪૦ વર્ષનો દરદી પુણે ગયો હતો, જ્યાં GBS એટલે કે ગિયાન બારે સિન્ડ્રૉમના દરદીઓની સંખ્યા ૧૦૦થી વધી ગઈ છે
પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

હાથપગના સાંધા જકડી નાખતા, પગના સ્નાયુઓમાં અશક્તિ લાવતા અને રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો કરતા ગિયાન બારે સિન્ડ્રૉમ (GBS)ને કારણે મહારાષ્ટ્રમાં પહેલું મોત સોલાપુરમાં નોંધાયું છે. પુણેમાં GBSના દરદીઓની સંખ્યા ૧૦૦ને વટાવી ગઈ છે.

સોલાપુરમાં રહેતો ૪૦ વર્ષનો તે દરદી પુણે ગયો હતો અને એ પછી તેને આ બીમારી થઈ હતી. રવિવારે તેનું ઇલાજ દરમ્યાન મૃત્યુ થયું હતું. સોલાપુર ગવર્નમેન્ટ મેડિકલ કૉલેજના ડીન ડૉ. સંજીવ ઠાકુરે કહ્યું હતું કે ‘તે દરદીને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી, હાથપગમાં અશક્તિ હતી અને જુલાબ થઈ ગયો હતો. તેને ૧૮ જાન્યુઆરીથી સોલાપુરની ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી હતી. અવારનવાર તેને વેન્ટિલેટર પર રાખવો પડતો હતો. રવિવારે સારવાર દરમ્યાન તેનું મૃત્યુ થયું હતું. પ્રાથમિક અહેવાલ પ્રમાણે તેનું મૃત્યુ GBSને કારણે થયું હોવાનું જણાઈ આવ્યું છે. એથી તેનાં બ્લડ-સૅમ્પલ નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાયરોલૉજી પુણેને મોકલવામાં આવ્યાં છે. તેના મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા તેના મૃતદેહની ક્લિનિકલ ઑટૉપ્સી (પોસ્ટમૉર્ટમ) કરવામાં આવશે.’

મહારાષ્ટ્ર હેલ્થ ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ કહ્યું કે પુણેમાં GBSના કેસ ૧૦૧ થઈ ગયા છે. એમાં ૬૮ પુરુષો અને ૩૩ મહિલાઓ છે, જેમાંથી ૧૬ દરદીઓને વેન્ટિલેટર-સપોર્ટ પર રાખવામાં આવ્યા છે.

GBSની સારાવાર બહુ મોંઘી, એક ઇન્જેક્શન ૨૦,૦૦૦ રૂપિયાનું

અભ્યાસમાં એવું જણાઈ આવ્યું છે કે જ્યારે શરીરની રોગપ્રતિકારક શક્તિ બૅક્ટેરિયા કે વાઇરલ ઇન્ફેક્શન વખતે ભૂલથી મગજને શરીરના વિવિધિ ભાગોમાંથી સંદેશ પહોંચાડતી નર્વ સિસ્ટમ પર અટૅક કરે છે ત્યારે આ બીમારી થાય છે.  ત્યાર બાદ અશક્તિ આવવી કે લકવો થવા જેવી સ્થિતિ સર્જાતી હોય છે. ડૉક્ટરોનું કહેવું છે કે GBSના ૮૦ ટકા જેટલા કેસ સૉલ્વ થઈ જાય છે. જોકે એની સારવાર લાંબી ચાલે છે. હૉસ્પિટલમાં ૬ મહિના પણ લાગી જાય અને કેટલાક દરદીઓમાં એક વર્ષ પણ લાગતું હોય છે. વળી એની સારવાર પણ કૉસ્ટ્લી હોય છે. પુણેના સિનિયર સિટિઝન જેમને GBSની બીમારી થઈ હતી તેમની સારવાર કરાવવા, ઇમ્યુનિટી વધારવા ૧૩ ઇન્જેક્શનનો કોર્સ ડૉક્ટરોએ સજેસ્ટ કર્યો હતો અને એ એક ઇન્જેક્શન ૨૦,૦૦૦ રૂપિયાનું આવે છે.’

સાવચેતીના પગલે લોકોને પાણી ઉકાળીને પીવાનું કહેવામાં આવ્યું
પુણેમાં GBSના કેસમાં વધારો થઈ રહ્યો હોવાથી પુણેને પાણી પૂરું પાડતાં જળાશયોમાંથી પાણીના નમૂનાના ટેસ્ટિંગ કરવામાં આવ્યા છે. પુણેને પાણી પૂરું પાડતા મુખ્ય એવા ખડકવાસલા ડૅમની પાસેના એક કૂવામાંથી ઈ-કોલી પ્રકારના બૅક્ટેરિયા મળી આવ્યા હતા. જોકે એ બાબતે અસમંજસ હતી કે એ કૂવાનું પાણી વપરાશમાં લેવાય છે કે નહીં. એથી હાલ સાવચેતીના પગલે પુણેના લોકોને પાણી ઉકાળીને પીવાનું કહેવામાં આવ્યું છે. 

સારવાર ફ્રીમાં થશે
પુણેમાં GBSના કેસ વધી રહ્યા છે અને એની સારવાર મોંઘી હોવાથી મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે કહ્યું છે કે ‘GBSની સારવાર મોંઘી હોવાથી ડિસ્ટ્રિક્ટ ઍડ્મિનિસ્ટ્રેશન અને પુણે મ્યુનિસિપલ કૉર્પોરેશન સાથે આ બાબતે ચર્ચા કરી એની સારવાર ફ્રીમાં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.’

maharashtra maharashtra news solapur pune health tips news mumbai mumbai news