11 February, 2024 07:43 AM IST | Mumbai | Priti Khuman Thakur
મુંબઈ-અમદાવાદ હાઇવે પાસે વસઈ-વિરાર વિસ્તારમાં પ્રદૂષણ ફેલાવતા આરએમસી પ્રકલ્પ પર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે લાલ આંખ કરી છે
વસઈ-વિરારમાં કેટલીક જગ્યાએ ચાલી રહેલા આરએમસી પ્રકલ્પને કારણે મોટા પ્રમાણમાં પ્રદૂષણ થઈ રહ્યું છે. મહારાષ્ટ્ર પૉલ્યુશન કન્ટ્રોલ બોર્ડે હવે આવા પ્રકલ્પો સામે કાર્યવાહી કરવાનું શરૂ કર્યું છે. એ અનુસાર માલજીપાડામાં મેસર્સ એન. જી. પ્રોજેક્ટ બંધ કરવાનો આદેશ મ્યુનિસિપલ કૉર્પોરેશનને આપવામાં આવ્યો છે. બીજી તરફ અન્ય ૬ પ્રકલ્પને પ્રદૂષણ નિયંત્રણનાં ધોરણોના પાલન અંગે નોટિસ આપવામાં આવી છે.
વસઈ-વિરાર ઝડપથી વિકાસ કરી રહ્યું છે. એ પ્રમાણે મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવે પર વિવિધ સ્થળોએ સિમેન્ટ-કૉન્ક્રીટના આરએમસી પ્રકલ્પ સ્થાપવામાં આવ્યા છે. આ કારખાનાંમાંથી દરરોજ ભારે વાહનો, મિક્સર અને રેતીનાં વાહનો આવતાં-જતાં હોય છે. જોકે આ પ્રકલ્પ માલિકો પર્યાવરણની દૃષ્ટિએ કોઈ નિયમોનું પાલન કરતા નથી. આ ઉપરાંત પ્રદૂષણ અટકાવવા માટેની કોઈ વ્યવસ્થા ન હોવાથી આ કારખાનાંમાંથી સતત ધૂળનું પ્રદૂષણ થાય છે. આ બધી ધૂળ સીધી હાઇવે પર આવતી હોવાથી હાઇવે પણ સિમેન્ટ-કૉન્ક્રીટની ધૂળથી ભરેલો છે. આ ધૂળને કારણે હાઇવે પરથી પસાર થતા વાહનચાલકો તેમ જ આ વિસ્તારના ગ્રામજનોનું આરોગ્ય જોખમાય છે.
વધતા જતા ધૂળના પ્રદૂષણને કારણે હવાની ગુણવત્તા બગડી છે અને એને કારણે જાહેર આરોગ્ય પર અસર થવા લાગી છે. આ પ્રદૂષણ ફેલાવતા આ પ્રકલ્પની તપાસ કરી તેમની સામે પગલાં ભરવાની માગણી નાગરિકો દ્વારા કરવામાં આવી રહી હતી. આખરે મહારાષ્ટ્ર સ્ટેટ પૉલ્યુશન કન્ટ્રોલ બોર્ડ દ્વારા કાર્યવાહી કરવાનાં પગલાં લેવામાં આવી રહ્યાં છે. તાજેતરમાં માલજીપાડામાં મેસર્સ એન. જી. પ્રોજેક્ટ આ કારખાના પ્રદૂષણ નિયમોનું ઉલ્લંઘન કરીને ચલાવવામાં આવી રહ્યો હોવાનું પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના નિદેર્શમાં આવ્યું હતું. એથી આ કારખાનાને સીલ કરવાની સૂચના પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે વસઈ-વિરાર મહાનગરપાલિકાને પત્ર મોકલીને આપી હતી. આ ઉપરાંત કારખાનામાં પ્રોડક્શન દરમિયાન પ્રદૂષણ રોકવા માટે જે ઉપાય યોજના છે એ કરવામાં આવતી ન હોવાથી પ્રકલ્પને નોટિસ ફટકારવાની કામગીરી ચાલી રહી છે. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં છ પ્રોજેક્ટ્સને ઉપાય યોજના કરવાના સંદર્ભમાં નોટિસ આપવામાં આવી છે, જ્યારે બે પ્રોજેક્ટને નોટિસ પ્રસ્તાવિત કરવામાં આવી છે.
મહારાષ્ટ્ર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના થાણે-પાલઘરના એક અધિકારીએ આપેલી માહિતી મુજબ પ્રદૂષણ ફેલાવતાં પ્રકલ્પ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. તાજેતરમાં મહાપાલિકાને એક પ્રકલ્પ બંધ કરવા માટે પત્ર આપવામાં આવ્યો છે. આ સિવાય પ્રદૂષણ અટકાવવા માટે જરૂરી પગલાં લેવા માટે છ પ્રકલ્પને નોટિસ આપવામાં આવી છે.