ફડણવીસના સંકટમોચક શિંદેને મળવા કેમ પહોંચ્યા?

03 December, 2024 07:03 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગિરીશ મહાજન કહે છે કે માત્ર તબિયત પૂછવા ગયો હતો, પણ ચર્ચા સવા કલાક ચાલી: કાર્યવાહક મુખ્ય પ્રધાને ગઈ કાલે બધી મીટિંગ રદ કરી અને અજિત પવાર દિલ્હી પહોંચ્યા એને પગલે અટકળોનો અંત નથી આવતો

ગઈ કાલે એકનાથ શિંદેને મળીને નીકળેલા ગિરીશ મહાજન.

નવી સરકારની ગુરુવારે શપથવિધિ થવાની છે પણ આ સરકારમાં શિવસેનાનો રોલ શું હશે એ હજી સ્પષ્ટ નથી થયું ત્યારે ભારતીય જનતા પાર્ટી (BJP) અને શિવસેના નવા મંત્રીમંડળમાં કોને કયાં ખાતાં મળશે એને લઈને ડાયરેક્ટ વાત કરવાને બદલે એકબીજાના નેતાઓ મારફત મેસેજ-મેસેજ રમી રહ્યા છે. આને લીધે મહાયુતિની બન્ને પાર્ટીઓના નેતા અને કાર્યકરો જબરદસ્ત કન્ફ્યુઝનમાં છે.

ગઈ કાલે સવારે શિવસેનાના નેતા સંજય શિરસાટે કહ્યું હતું કે ‘હવે સરકારની રચના કરવામાં મોડું ન કરવું જોઈએ. મને લાગે છે કે દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર સાથે એકનાથ શિંદે સાંજે મીટિંગ કરીને આગળની ર‌ણનીતિ નક્કી કરશે.’

જોકે એવું થવાને બદલે તબિયત સારી ન હોવાનું કહીને એકનાથ શિંદેએ તેમની ગઈ કાલની તમામ મીટિંગ રદ કરી નાખી હતી. આને લીધે ફરી એક વાર શિવસેનાના આ સરકારમાં રોલને લઈને તર્કવિતર્ક થવા લાગ્યા હતા. બીજી બાજુ, અજિત પવાર દિલ્હી પહોંચી ગયા છે. જોકે તેમણે પોતાની દિલ્હીની મુલાકાત કૌટુંબિક કારણસર હોવાનું કહ્યું છે.

શિવસેના તરફથી કોઈ સ્પષ્ટ સંદેશ ન આવ્યો હોવાથી પાર્ટીનો મેસેજ લઈને ગઈ કાલે રાત્રે દેવેન્દ્ર ફડણવીસના સંકટમોચક ગિરીશ મહાજન થાણેમાં એકનાથ શિંદેના ઘરે પહોંચી ગયા હતા. તેમની વચ્ચે સવા કલાક ચર્ચા થઈ હતી. ગિરીશ મહાજને આ મુલાકાત બાદ પત્રકારોને કહ્યું હતું કે ‘શિંદેસાહેબની છેલ્લા પાંચેક દિવસથી તબિયત ખરાબ હોવાથી હું તેમની તબિયત પૂછવા આવ્યો હતો. મહાયુતિમાં કોઈ મતભેદ નથી, બધું બરાબર છે. અમારી વચ્ચે કોઈ પૉલિટિકલ ચર્ચા નહોતી થઈ. શિંદેસાહેબે ત્રણ દિવસ પહેલાં જ કહી દીધું છે કે તેઓ મહાયુતિની સાથે જ છે. આ બાબતે તેઓ સ્પષ્ટ અને પ્રામાણિક છે. આવતી કાલે તેમની તબિયત સારી થયા બાદ કૅરટેકર મુખ્ય પ્રધાન તરીકે મીટિંગ પણ લે એવી શક્યતા છે.’ 

નાગપુરમાં દેવેન્દ્ર ફડણવીસના ફોટો સાથેના હોર્ડિંગ પર જુઓ શું લખ્યું છે... વાપસ આના પડતા હૈ ફિર વાપસ આના પડતા હૈ

પત્થર કી બંદિશ સે ભી કયા બહતી નદિયાં રુકતીં  હૈં 
હાલાતોં કી ધમકી સે ક્યા અપની નઝરેં ઝુકતી હૈં 
કિસ્મત સે હર પન્ને પર કિસ્મત લિખવાના પડતા હૈ
જિસમેં મશાલ સા જઝ્બા હો વો દીપ જલાના પડતા હૈ
વાપસ આના પડતા હૈ, ફિર વાપસ આના પડતા હૈ

mumbai news mumbai political news assembly elections bharatiya janata party shiv sena nationalist congress party eknath shinde