22 June, 2023 10:16 AM IST | Mumbai | Dharmendra Jore
ગઈ કાલે કિંગ્સ સર્કલના ષણ્મુખાનંદ હૉલમાં રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસની સિલ્વર જ્યુબિલીના કાર્યક્રમમાં અજિત પવાર (તસવીર : આશિષ રાજે)
નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (એનસીપી)ના નેતા અજિત પવારે કહ્યું હતું કે વિધાનસભામાં વિપક્ષના નેતાને બદલે પાર્ટી-સંગઠન માટે કામ કરવાની તેમની ઇચ્છા છે. એનસીપીના સંગઠનમાં થયેલા ફેરબદલ બાદ ઊઠેલો વિવાદ હજી શાંત પડ્યો નથી ત્યાં તો વધુ એક વિવાદ પક્ષમાં સત્તાની લડાઈને વધુ ઉગ્ર બનાવશે. બુધવારે મુંબઈમાં પક્ષના ૨૪મા સ્થાપનાદિને આયોજિત એક સમારંભમાં વિપક્ષના નેતાએ આ વાત કહી હતી. એના ૧૫ દિવસ પહેલાં એનસીપીએ સુપ્રિયા સુળે અને પ્રફુલ પટેલને પક્ષના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવ્યાં હતાં. અજિત પવારના કાકા શરદ પવારે આ નિમણૂક દ્વારા અજિત પવારને તેમનું સ્થાન દેખાડ્યું હતું.
અજિત પવારે કહ્યું હતું કે ‘મેં ઘણાં વર્ષો સુધી ઘણાં પદ પર કામ કર્યું છે. વિપક્ષના નેતા તરીકે કામ કરવા હું તૈયાર નહોતો, પરંતુ ઘણા વિધાનસભ્યોએ મને ટેકો આપ્યો હતો અને સિનિયરોએ મંજૂરી આપી હતી. હું આ પદ પર એક વર્ષથી છું. ઘણા લોકો કહે છે કે હું સરકાર વિરુદ્ધ કામ નથી કરતો. મારે એટલું જ કહેવાનું છે કે હું સત્તાપક્ષના લોકોનું શું ગળું પકડું? મને માફ કરો. પક્ષના સંગઠનની જવાબદારી મને સોંપો, પછી જુઓ પક્ષ કઈ રીતે કામ કરે છે. મેં માત્ર મારી ઇચ્છા વ્યક્ત કરી છે.’
માત્ર ભાષણો કરનારા લોકોની ટીકા કરતાં અજિત પવારે કહ્યું હતું કે ‘ઘણા લોકો મિનિસ્ટર બન્યા અને ચૂંટણી પણ જીત્યા, પરંતુ તેઓ બીજાને જિતાડવામાં કોઈ મદદ કરી શકતા નથી. જેઓ માત્ર ભાષણ કરે છે તેમણે પાર્ટી માટે કામ પણ કરવું જોઈએ. પક્ષની સ્થાપના થઈ ત્યારે અમને જુનિયર ગણવામાં આવતા. ઘણા લોકો જોડાયા અને છોડીને ગયા. એવું કહેવાય કે દર પચીસ વર્ષે નવી પેઢી આવે છે.’
યોગની ઇવેન્ટ પાછળ કરદાતાઓનાં નાણાંનો બગાડ કરવા બદલ અજિત પવારે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘હું જ્યારે બોલ્યો ત્યારે મુખ્ય પ્રધાને મને કહ્યું કે હું તેમની વિરુદ્ધ ઘણું બોલું છું. ત્યારે મેં તેમને કહ્યું કે તમે માત્ર તમારી દાઢી પર હાથ ફેરવવાનું જ કામ કરો છો તો હું શું કરી શકું?’
અજિત પવાર મામલે શરદ પવારનું મૌન
એનસીપીના અધ્યક્ષ શરદ પવારે અજિત પવારની માગણી વિશે કોઈ ટિપ્પણી કરી નહોતી. તેમણે સરકારની ટીકા કરતાં કહ્યું હતું કે ‘ખેતપેદાશોની સરખી કિંમત ન મળતાં ખેડૂતો ગુસ્સે છે. છેલ્લા પાંચ મહિનામાં ૩૯૧ ખેડૂતોએ આત્મહત્યા કરી છે. આ સરકાર કઈ રીતે કામ કરે છે એ વિશે અજિત પવાર તેમ જ અન્યોએ તમને જણાવ્યું જ છે. જ્યાં શાસન નબળું હોય ત્યાં કોમી રમખાણો થતાં હોય છે. રાજકીય લાભ મેળવવાનું આ કાવતરું છે. આવી પાર્ટી સત્તામાં આવવી ન જોઈએ.’
૯૯માં નકારી હતી બીજેપીની ઑફર
કાર્યકારી પ્રમુખ પ્રફુલ પટેલે બીજેપીની ઑફરની વાત યાદ કરતાં કહ્યું હતું કે ‘એ સમયે અમારા ૫૮ વિધાનસભ્યો અને ૯ સંસદસભ્યો હતા. વડા પ્રધાન વાજપેયીને મળ્યા બાદ પવારસાહેબે કહ્યું હતું કે ઑફર સારી હતી, પણ સ્વીકારશે નહીં; એને બદલે કૉન્ગ્રેસ સાથે મળીને સરકાર બનાવશે.’