મહારાષ્ટ્રમાં ‘ગુલાબી’ રાજકારણ ‌ખીલ્યું છે પુરજોશમાં

17 September, 2024 08:05 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અજિત પવારના પિન્ક જૅકેટ વિશે એકનાથ શિંદેને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે મારે ગુલાબી થવાની જરૂર નથી, મારાં કપડાંનો રંગ સફેદ છે. એ સાંભળીને નાયબ મુખ્ય પ્રધાને કહ્યું કે મુખ્ય પ્રધાન જે કહે એ યોગ્ય છે, સફેદ રંગ સુંદર અને સ્વચ્છ છે

અજીત પવાર, એકનાથ શિંદે

રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે જ્યારથી ગુલાબી જૅકેટ પહેરવાનું શરૂ કર્યું છે ત્યારથી રાજ્યમાં એને લઈને રાજકારણ રમાઈ રહ્યું છે. એક પત્રકારે રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને અજિત પવારના ગુલાબી જૅકેટ વિશે પૂછ્યું ત્યારે તેમણે કહ્યું કે ‘મારે ગુલાબી થવાની જરૂર નથી. મારાં કપડાંનો રંગ સફેદ છે. આ રંગ કોઈ પણ રંગને ફિક્કો પાડી શકે છે અને ગમે તે રંગમાં ભળી પણ શકે છે.’

મુખ્ય પ્રધાનના આ વિધાન વિશે જ્યારે અજિત પવારને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે પત્રકારોને પહેલાં કહ્યું કે ‘તમે આ શું કરી રહ્યા છો? એક વ્યક્તિ કંઈ બોલે કે તરત એના પર બીજાનું રીઍક્શન લઈ લેવાનું.’ જોકે ત્યાર બાદ તેમણે કહ્યું કે ‘મુખ્ય પ્રધાન જે કહે છે એ યોગ્ય જ છે. સફેદ રંગ સુંદર અને સ્વચ્છ છે.’

કાળો અને લીલો રંગ પણ ઉમેરાયો

‘ગુલાબી’ રાજકારણમાં વિધાન પરિષદમાં વિરોધ પક્ષના નેતા અંબાદાસ દાનવેએ પણ ઝંપલાવ્યું અને કહ્યું કે આ સરકારનો રંગ અને કારભાર બન્ને કાળા છે. ઉદ્ધવ ઠાકરે ગ્રુપના નેતાની આ વાત સાંભળીને શિવસેનાના નેતા સંજય શિરસાટે કાઉન્ટર-અટૅક કરતાં કહ્યું કે ‘તમે તો ફક્ત ગ્રીન રંગમાં જ રંગાઓ. ઔરંગઝેબ ઝિંદાબાદ બોલો અને પાકિસ્તાનના ઝંડા લઈને રૅલી કાઢો.’

mumbai news mumbai ajit pawar eknath shinde maharashtra political crisis political news bharatiya janata party nationalist congress party