Maharashtra Politics: કાકાએ ભત્રીજાને આપ્યો ઝટકો, અજીત પવાર જૂથના ૪ નેતાઓ છટક્યા

17 July, 2024 02:56 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Maharashtra Politics: અજીત જૂથના ચાર મોટા નેતાઓએ પાર્ટીને અલવિદા કરી છે હવે તેઓ શરદ પવારના જૂથમાં સામેલ થઈ શકે છે.

શરદ પવાર અને અજિત પવારની ફાઇલ તસવીર

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા ફરી જાણે રાજનૈતિક હલચલ (Maharashtra Politics) તેજ થતી જોવા મળી છે. ફરી મોટી રાજકીય ઉથલપાથલ થવાના એંધાણ વર્તાઇ રહ્યા છે. કાકા શરદ પવારે ભત્રીજા અજિત પવારની એનસીપીને બહુ જ મોટો ઝટકો આપ્યો હોવાની માહિતી સામે આવી રહી છે. 

અજીત પવાર જૂથના ચાર ટોચના નેતાઑ સરકી રહ્યા છે 

હા, પ્રાપ્ત માહિતી અનુસાર અજિત પવારને તેમના જ ચાર ટોચના નેતાઓએ દગો આપ્યો છે. આ જ કારણોસર હવે અજિત પવારની એનસીપી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો હોવાનું સામે આવ્યું છે. અજીત જૂથના ચાર મોટા નેતાઓએ પાર્ટીને અલવિદા કરી દીધી છે, હવે એવા એંધાણ છે કે આ ચાર નેતાઓ શરદ પવારના જૂથમાં (Maharashtra Politics) સામેલ થઈ શકે છે.

અજિત પવારનાં જૂથને અલવિદા કહેનારા નેતાઓમાં પિંપરી-ચિંચવડ એકમના વડા અજીત ગવાણે, પિંપરી વિદ્યાર્થી પાંખના વડા યશ સાને, ભૂતપૂર્વ કોર્પોરેટર રાહુલ ભોસલે અને પંકજ ભાલેકરનાં નામનો ઉલ્લેખ થઈ રહ્યો છે. આ ચારેય ટોચના નેતાઓ હવે અઠવાડિયાનાં અંત સુધીમાં શરદ પવારના જૂથમાં જોડાઈ શકે છે તેવી શક્યતા છે. આ રીતે હવે શરદ પવારનું પલ્લું ફરી મજબૂત થઈ શકે છે.

અજીત ગવ્હાણેએ પોતાની વાતમાં શું કહ્યું?

તમને જણાવી દઈએ કે અજિત પવારની આગેવાની હેઠળની NCPમાંથી રાજીનામું આપ્યાના એક દિવસ બાદ NCPના પિંપરી-ચિંચવડ એકમના વડા અજિત ગવ્હાણેએ જણાવ્યું હતું કે, "મેં ગઈ કાલે રાજીનામું આપ્યું છે. આજે અમે અન્ય વિધાનસભા મતવિસ્તારના તમામ ભૂતપૂર્વ કોર્પોરેટરો સાથે બેઠક કરવાનાં છીએ. તે પછી અમે ભાવિની વ્યૂહરચના માટે નિર્ણય લઈશું.”

Maharashtra Politics: આટલું કહેતા તેઓ આગળ જણાવે છે કે, “આજે અમે પવાર સાહેબ (શરદ પવાર)ના આશીર્વાદ લેવાના છીએ. ત્યારબાદ જ અમે સાથે મળીને નિર્ણય કરીશું. મારી સાથે રાહુલ ભોસલે, યશ સાને અને પંકજ ભાલેકરે પણ રાજીનામું આપ્યું છે.”

પિંપરી ચિંચવડ શહેરનાં વિકાસનો મુદ્દો સાધતાં તેઓએ કહ્યું કે... 

અજીત ગવ્હાણેએ જણાવ્યું હતું કે જો પિંપરી ચિંચવડ શહેર પર નજર નાખવામાં આવે તો ખ્યાલ આવે છે કે તે ખૂબ જ સારી રીતે વિકસિત થયું હતું અને તેમાં અજિત પવારનો બહુ જ મોટો ફાળો રહેલો છે. પરંતુ 2017થી ભાજપે પીસીએમસી (પિંપરી-ચિંચવડ મ્યુનિસિપલ કોર્પોરેશન) પર કબજો કરવાનું શરૂ કર્યું અને ત્યારથી વિકાસ રૂંધાઈ રહ્યો છે.”

શું શરદ પવાર આ ચારેય નેતાઓને ફરી લેશે પોતાના જૂથમાં?

હવે જ્યારે વિધાનસભાની ચૂંટણી માટે અજીત પવાર તૈયારીઓ કરી રહ્યા છે ત્યાં તેમનાં જૂથમાંથી આ ટોચના નેતાઓનું સરકી જવું એ મોટો ઝટકો ગણી શકાય. 

હવે શરદ પવારે ગયા મહિને જ જણાવ્યું હતું કે જે લોકોએ પાર્ટીને નબળી કરી છે તેમને પાછા લેવામાં આવશે નહીં. જેમણે પાર્ટીની છબીને નુકસાન પહોંચાડ્યું નથી તેવા લોકોને લઈ શકાય છે. શરદ પવારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે `જે લોકો પાર્ટીને નબળી પાડવા માંગે છે તેમને સ્વીકારવામાં આવશે નહીં. પરંતુ આવા નેતાઓ જેમણે સંગઠનને મજબૂત કરવામાં અને પક્ષની છબી ખરડાવવા દીધી નથી તેમને પ્રવેશ આપવામાં આવશે. ત્યારે હવે જોવું રહ્યું કે આવતા અઠવાડિયા સુધીમાં શું ઉથલપાથલ (Maharashtra Politics) થાય છે?

 

mumbai news mumbai ajit pawar sharad pawar nationalist congress party maharashtra news