19 April, 2023 09:19 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે વિધાનભવનની બહાર પ્રેસને સંબોધી રહેલા અજિત પવાર (તસવીર : પી.ટી.આઇ)
વિરોધ પક્ષના નેતા અજિત પવાર ગઈ કાલે બપોર સુધી ગાયબ હતા ત્યાં સુધી તેમના વિશે જાત-જાતની અટકળો લગાવવામાં આવી હતી. તેમણે એનસીપીના ૪૦ વિધાનસભ્યોના સમર્થનનો પત્ર તૈયાર રાખ્યો છે, કેન્દ્રમાંથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ તેમ જ સહકારપ્રધાન અમિત શાહનું ગ્રીન સિગ્નલ મળતાં જ તેઓ બીજેપીમાં સામેલ થઈ જશે, રાજ્યમાં હવે ડબલ નહીં શિંદે-ફડણવીસ-પવારની ત્રિપલ એન્જિનની સરકાર હશે જેવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી. અજિત પવારે બપોરના બે વાગ્યે વિધાનભવનમાંથી બહાર નીકળીને પત્રકારો સામે ખુલાસો કર્યો હતો કે આવું કંઈ નથી થઈ રહ્યું અને પોતે જીવશે ત્યાં સુધી એનસીપીમાં રહેશે એમ કહીને તમામ અટકળો અને ચર્ચા પર પૂર્ણવિરામ મૂકી દીધું હતું. જોકે રાજકારણમાં કંઈ પણ થઈ શકે એટલે ફરી અજિત પવાર આંચકો પણ આપી શકે છે.
તમામ કાર્યક્રમો રદ કરીને અજિત પવાર સોમવારે વહેલી સવારે મુંબઈમાં આવી ગયા હતા. તેમની સાથે કેટલાક વિધાનસભ્યો પણ હોવાનું જાણવા મળ્યું હતું. અજિત પવારે તેમના મલબાર હિલમાં આવેલા દેવગિરિ બંગલામાં વિધાનસભ્યો સાથે ચર્ચા કરી હોવાની અને એનસીપીમાંથી છૂટા પડવા માટે પક્ષના ૫૩માંથી ૪૦ વિધાનસભ્યોની સહીનો પત્ર બનાવ્યો હોવાની અટકળ લગાવાઈ હતી. ટ્વિટર અને ફેસબુક સોશ્યલ મીડિયા અકાઉન્ટમાંથી તેમણે એનસીપીનું સિમ્બૉલ કાઢી નાખ્યું હોવાનું પણ જણાયું હતું. આથી તેઓ ગમે તે ઘડીએ બીજેપીમાં જોડાઈ જશે એવી ચર્ચા શરૂ થઈ હતી.
આ ચર્ચા વચ્ચે એનસીપીના ચીફ શરદ પવારને પત્રકારોએ આ વિશે પૂછ્યું હતું ત્યારે તેમણે કહ્યું હતુ કે ‘તમારા બધાના મનમાં જે ચાલી રહ્યું છે એ અમારા કોઈના મનમાં નથી. અજિત પવાર બીજેપી સાથે સત્તામાં સામેલ થશે એ ખોટી વાત છે. હું એનસીપી બાબતે કહી શકું છું કે પક્ષમાં કોઈ બળવો નહીં થાય. પક્ષના તમામ નેતા એક વિચારથી કામ કર છે. પક્ષને મજબૂત બનાવવાનું કામ અમે કરી રહ્યા છીએ.’
જોકે બપોરના બે વાગ્યે અજિત પવાર વિધાનભવનમાંથી કેટલાક વિધાનસભ્યો સાથે બહાર નીકળ્યા હતા અને તેમણે તમામ અટકળો અને ચર્ચા ખોટી હોવાનું કહ્યું હતું. અજિત પવારે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘અત્યારે અમારા વિશે ચાલી રહેલી ચર્ચામાં જરાય સત્ય નથી. તમામ સમાચાર નિરાધાર છે. કારણ વિના મારા અને મારા સાથીઓ વિશે ગેરસમજ નિર્માણ કરવામાં આવી રહી છે. ૪૦ વિધાનસભ્યોની કોઈ સહી નથી લેવામાં આવી. તમે આ વિધાનસભ્યોને અંગત રીતે પૂછી પણ શકો છો. અમે એક પરિવાર તરીકે કામ કરીને પક્ષને આગળ વધારવાના પ્રયાસ કરી રહ્યા છીએ. રાજ્યમાં અત્યારે બેરોજગારી, મોંઘવારી જેવા મહત્ત્વના મુદ્દા પરથી લોકોનું ધ્યાન બીજે દોરવા માટે કેટલાક લોકો જાણીજોઈને અમારી ઊંધીચત્તી ચર્ચા જગાવી રહ્યા છે. અનેક વખત મેં કહ્યું છે અને આજે પણ કહું છું કે હું એનસીપી છોડીશ નહીં. પત્રકારોને સ્ટૅમ્પપેપર પર લખીને આપું? મહાવિકાસ આઘાડી સાથે રહીને અમે મજબૂત વિરોધ પક્ષની ભૂમિકા ભજવીશું. ટ્વિટર કે ફેસબુક પરથી કોઈ ચિહન મેં હટાવ્યું નથી. પહેલાં જેવી જ પ્રોફાઇલ છે. હવે હું કપાળ પર પક્ષનું ચિહ્ન લગાવીને ફરું?’
સંજય રાઉતને ફટકાર્યા
અજિત પવારે નામ લીધા વિના ઉદ્ધવ ઠાકરે જૂથના રાજ્યસભાના સાંસદ અને મુખ્ય પ્રવક્તા સંજય રાઉતને ફટકાર લગાવી હતી. તેમણે કહ્યું હતું કે ‘સંજય રાઉતે એનસીપી અને અજિત પવારની ભૂમિકા પર કોઈ નિવેદન ન કરવાં જોઈએ. તેમણે પોતાના પક્ષની જ વાત કરવી જોઈએ. તમે જે મુખપત્ર ચલાવો છો એ વિશે બોલો. તમારે મને ક્વોટ કરીને આમ થયું, તેમ થયું એમ કહેવાની જરૂર નથી. અમે અમારી વાત રજૂ કરી શકીએ છીએ. તમારે અમારા વકીલ બનવાની જરૂર નથી.’
અમર-અકબર-ઍન્થની સરકાર
અજિત પવારે ભલે બળવો કરવાની તમામ અટકળો પર પાણી ફેરવી દીધું છે, પણ એકનાથ શિંદે જૂથના વિધાનસભ્ય ગુલાબરાવ પાટીલે આજની રાજકીય સ્થિતિ વિશે કહ્યું હતું કે ‘હવામાનના અંદાજ પરથી એનસીપીમાં વાદળો ઘેરાયાં હોવાનું લાગી રહ્યું છે. શિવસેના-બીજેપીનો જોરદાર વરસાદ આ પક્ષ પર પડશે. અજિત પવાર ભલે અત્યારે કહેતા હોય કે તેઓ બળવો નહીં કરે, પણ તેમને આમ કરવામાં બાબતો સેટ કરવી પડશે એમાં સમય લાગશે. એનસીપીના જ અનેક વિધાનસભ્યો બે દિવસથી કહી રહ્યા છે કે અજિત પવાર જ્યાં જશે ત્યાં તેમને તેઓ સમર્થન આપશે. તેઓ પણ માણસ છે. ચોવીસ કલાક કામ કરનારા નેતા છે. તેથી તેઓ કોઈથી ડરીને કોઈ નિર્ણય નહીં લે. તેઓ ડૅશિંગ છે. મને લાગે છે કે ટૂંક સમયમાં જ તેઓ આ બાબતે નિર્ણય લેશે. અજિત પવાર સાથે આવશે તો રાજ્યમાં અમર-અકબર-ઍન્થની એટલે કે એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારની સરકાર સડસડાટ ચાલશે. શરદ પવાર ભલે કહેતા હોય કે પક્ષમાં બળવા જેવું કંઈ નથી થઈ રહ્યું, પણ બધા જાણે છે કે તેઓ જે બોલે એનાથી ઊંધો અર્થ લેવાનો. કોઈ પણ પક્ષપ્રમુખ જાહેરમાં થોડું કહે કે અજિત પવાર ૪૦ વિધાનસભ્યો સાથે બળવો કરી રહ્યા છે?’
શુગર વધવાથી ‘ઑપરેશન’ ટાળ્યું
એકનાથ શિંદે જૂથના પ્રવક્તા નરેશ મ્હસ્કેએ અજિત પવાર વિશે એક મહત્ત્વનું નિવેદન આપ્યું હતું. એનસીપીમાં બળવો કરવા માટેનો પ્લાન અજિત પવારે બનાવ્યો હતો, પણ તેમની શુગર વધી જવાથી તેમણે ઑપરેશન ટાળ્યું છે. નારાજ હોવાના વહેતા થયેલા સમાચાર આવ્યા ત્યારે તેમણે કોઈ પ્રતિક્રિયા નહોતી આપી. તેઓ નારાજ છે એ સ્પષ્ટ રીતે જણાઈ આવે છે. નરેશ મ્હસ્કેએ કહ્યું હતું કે ‘બાંધી મુઠ્ઠી સવા લાખની કહેવતને અજિતદાદાએ યોગ્ય ઠેરવી છે. વજ્રમુઠ સભામાં કઈ ખુરસી લગાવવી, જે પક્ષ પાસે ૧૫ વિધાનસભ્ય છે એને મોટી ખુરસી. અજિતદાદા પાસે ૫૬ વિધાનસભ્યો છે તો તેમને વધુ મહત્ત્વ આપવું જોઈએ કે ૧૫ ખુરસીવાળા નેતાને? અજિત પવારે પહેલાં ભાષણ કરવાનું અને ભાષણ ચાલુ હોય ત્યારે હાથ ઊંચો કરીને ૧૫ વિધાનસભ્યના નેતા આવે ત્યારે ભાષણ રોકવાનું. નાગપુરની સભામાં અજિતદાદાએ ભાષણ ન કર્યું એના પરથી ઘણું જણાઈ આવે છે. તેમની સાથે અન્યાય થઈ રહ્યો છે.’
અજિત પવારને વારંવાર આરોપીના પાંજરામાં ન મૂકો
બીજેપીના પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ ગઈ કાલે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘અજિત પવારે પોતાની વાત સ્પષ્ટતાથી કહી દીધી છે. સરકારને સમર્થન આપવા બાબતે અજિત પવાર તરફથી બીજેપીને કોઈ પણ અધિકૃત પ્રસ્તાવ મળ્યો નથી. તેમની ઇમેજને નુકસાન પહોંચાડવાનો આ વિષય નથી. ભૂતકાળમાં કોઈ ઘટના બની હોય તો એને પકડી રાખીને કોઈનું વારંવાર અપમાન કરીને તેને આરોપીના પાંજરામાં મૂકવો યોગ્ય નથી. ૨૦૧૯માં અજિત પવારે દેવેન્દ્ર ફડણવીસ સાથે આવીને સરકાર બનાવી હતી. બાદમાં તેમણે પીછેહઠ કરી હતી. આ નિર્ણય તેમણે એ સમયના સંજોગોને લીધે લીધો હશે. અજિત પવાર એનસીપીમાં નારાજ છે અને તેઓ બીજેપીમાં જોડાઈ રહ્યા છે એવી અટકળો અને ચર્ચા ન થવી જોઈએ.’