`જો તમારા માતા-પિતા મને મત ન આપે તો તમે જમતાં નહીં`, શિવસેનાના નેતાની લપસી જીભ

11 February, 2024 12:06 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મહારાષ્ટ્ર (Maharashtra Politics)ની કલામનુરી વિધાનસભાના ધારાસભ્ય સંતોષ બાંગરે તાજેતરમાં જ હિંગોલી જિલ્લામાં જિલ્લા પરિષદ શાળાની મુલાકાત લીધી હતી. ત્યાં ધારાસભ્યએ બાળકોને કહ્યું કે, `જો તમારા માતા-પિતા મને આગામી ચૂંટણીમાં વોટ ના આપે તો...

સંતોષ બાંગર

Maharashtra Politics: મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે જૂથના શિવસેનાના ધારાસભ્યએ બાળકોને કંઈક એવું કહ્યું છે, જેનાથી વિવાદ છેડાઈ ગયો છે. હકીકતમાં, ધારાસભ્યએ બાળકોને કહ્યું હતું કે `જો તેમના માતા-પિતા મને મત ન આપે તો તેમણે ખાવાનું બંધ કરી દેવું જોઈએ!` શિવસેનાના ધારાસભ્યના આવા નિવેદનથી વિવાદ ઉભો થયો છે અને વિરોધ પક્ષોએ શિવસેનાના ધારાસભ્ય સામે કાર્યવાહીની માંગ કરી છે.

મામલો શું છે?

મહારાષ્ટ્ર (Maharashtra Politics)ની કલામનુરી વિધાનસભાના ધારાસભ્ય સંતોષ બાંગરે તાજેતરમાં જ હિંગોલી જિલ્લામાં જિલ્લા પરિષદ શાળાની મુલાકાત લીધી હતી. ત્યાં ધારાસભ્યએ બાળકોને કહ્યું કે, `જો તમારા માતા-પિતા મને આગામી ચૂંટણીમાં વોટ ના આપે તો બે દિવસ સુધી તમે ભોજન ન કરતા. જો તમારા માતા-પિતા પૂછે કે તમે ભોજન કેમ નથી ખાતા, તો તેમને કહો કે સંતોષ બાંગરને મત આપો તો જ અમે ભોજન કરીશું.` જ્યારે શિવસેનાના ધારાસભ્ય બાળકોને આ બધું કહી રહ્યા હતા ત્યારે કોઈએ તેનો વીડિયો બનાવ્યો, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સંતોષ બાંગરનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે હાલમાં જ ચૂંટણી પંચે બાળકોને ચૂંટણી સંબંધિત પ્રવૃત્તિઓમાં સામેલ કરવા વિરુદ્ધ માર્ગદર્શિકા જાહેર કરી છે.

વિપક્ષે કાર્યવાહીની માંગ કરી હતી

કોંગ્રેસ અને શરદ પવારની એનસીપીએ શિવસેનાના ધારાસભ્ય સામે કાર્યવાહીની માંગ કરી છે. એનસીપી-શરદ પવારના પ્રવક્તા ક્લાઈડ ક્રેસ્ટોએ કહ્યું કે બાંગરે બાળકોને જે પણ કહ્યું તે ચૂંટણી પંચની માર્ગદર્શિકા વિરુદ્ધ હતું. તેમની સામે કડક કાર્યવાહી થવી જોઈએ. તે વારંવાર નિયમોનું ઉલ્લંઘન કરે છે, પરંતુ તે સરકારમાં હોવાથી તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. ચૂંટણી પંચે તેમની સામે કોઈપણ પક્ષપાત વગર કાર્યવાહી કરવી જોઈએ.

કોંગ્રેસના નેતા વિજય વડેટ્ટીવારે પણ સંતોષ બાંગર સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. તેમણે પૂછ્યું કે શું રાજ્યના શિક્ષણ પ્રધાન ઊંઘતા હતા જ્યારે તેમની પાર્ટીના ધારાસભ્યો શાળાના બાળકો સાથે આવી વાત કરી રહ્યા હતા. સંતોષ બાંગર પહેલા પણ પોતાના નિવેદનોને લઈને વિવાદોમાં આવી ચુક્યા છે. ગયા મહિને જ તેમણે કહ્યું હતું કે જો 2024ની લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદી ફરીથી વડા પ્રધાન તરીકે ચૂંટાયા નથી, તો તેઓ પોતાને ફાંસી આપી દેશે. ગત વર્ષે તેમની સામે રેલી દરમિયાન તલવાર બતાવવાની ફરિયાદ નોંધાઈ હતી. સંતોષ બાંગર પર વર્ષ 2022માં કેટરિંગ મેનેજરને થપ્પડ મારવાનો પણ આરોપ છે.

shiv sena mumbai news maharashtra news eknath shinde congress