24 June, 2022 11:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
મહારાષ્ટ્રમાં રાજકીય સ્થિતિ ઘેરી બની છે એ સમયે રાજ્ય કૉન્ગ્રેસના પ્રમુખ નાના પટોલેએ ગુરુવારે નાયબ મુખ્ય પ્રધાન અને એનસીપીના સિનિયર નેતા અજિત પવાર પર કૉન્ગ્રેસના વિધાનસભ્યો અને પ્રધાનોનું વિકાસલક્ષી ભંડોળ અટકાવી રાખીને તેમને પરેશાન કરવાનો આક્ષેપ મૂક્યો હતો.શિવસેનાના કેટલાક નારાજ વિધાનસભ્યોએ એનસીપી પર તેમને વિકાસલક્ષી કાર્યો માટે ભંડોળ આપવાનો ઇનકાર કરી દીધો હોવાનો દાવો કર્યો એના સંદર્ભમાં નાના પટોલેએ ઉપરોક્ત નિવેદન કર્યું હતું.
નાના પટોલેએ કહ્યું હતું કે ‘અજિત પવારે કૉન્ગ્રેસના વિધાનસભ્યો તથા પ્રધાનોને પણ પરેશાન કર્યા હતા. અમે આવી પ્રવૃત્તિનો વિરોધ કરતાં કહ્યું હતું કે સરકાર પ્રજાના કલ્યાણ માટે છે. આવી પ્રયુક્તિઓ સામેનો અમારો વિરોધ રાજકીય નહોતો.’
આ આક્ષેપ અંગે એનસીપીના નેતા અને પ્રધાન છગન ભુજબળે પ્રતિક્રિયા આપી હતી કે ‘પક્ષની અંદર પણ નેતાઓ એકમેક સામે ફરિયાદો કરતા રહેતા હોય છે. આથી આ બાબતને ગંભીરતાથી લેવાની જરૂર નથી.’