શિવસેનાના સત્તાસંઘર્ષનો નિર્ણય હવે ચૂંટણી પંચના આધારે લેવાશે?

28 May, 2023 01:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકરે સાચી શિવસેના કઈ એનો નિર્ણય લેવા માટે શિવસેનાનાં બંને જૂથના બંધારણની કૉપી કેન્દ્રીય ચૂંટણી પંચ પાસે માગી

પ્રતીકાત્મક તસવીર

ગયા વર્ષના જૂન મહિનાથી ચાલી રહેલા શિવસેનાના સત્તાસંઘર્ષને એક વર્ષ થવા આવ્યું છે ત્યારે રાજ્યની વિધાનસભાના સ્પીકરે ખરી શિવસેના કઈ એનો નિર્ણય લેવા માટે બંને જૂથ પાસેથી પક્ષની બંધારણની નકલ મગાવવાને બદલે કેન્દ્રીય ચૂંટણી પંચ પાસેથી કૉપી મગાવવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું હતું. સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ સ્પીકરે હવે શિવસેના પક્ષ અને વિધાનસભ્યોની પાત્રતા બાબતનો નિર્ણય લેવાનો છે. રાહુલ નાર્વેકર બીજેપીના છે એટલે વિરોધીઓ તેમના પર પક્ષપાતનો આરોપ કરી શકે છે એટલે તેમણે આ નિર્ણય લીધો હોવાનું સૂત્રોએ કહ્યું હતું.

શિવસેના પક્ષ મેળવવા માટે એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે જૂથ વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે ત્યારે સુપ્રીમ કોર્ટે પક્ષ અને વિધાનસભ્યોની પાત્રતા કે અપાત્રતનો નિર્ણય રાજ્યની વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકર પર છોડ્યો છે. સુપ્રીમના ચુકાદા બાદ રાહુલ નાર્વેકરે કહ્યું હતું કે વિધાનસભ્યોની પાત્રતા કે અપાત્રતાનો નિર્ણય લેતા પહેલાં શિવસેના પક્ષનો નિર્ણય લેવામાં આવશે.
વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકરે શિવસેનાના ઘર્ષણમાં પડવાને બદલે પક્ષના બંધારણની નકલ કેન્દ્રીય ચૂંટણી પંચ પાસેથી માગવાનો નિર્ણય લીધો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. શિવસેના પર દાવો કરનારાં બંને જૂથે ચૂંટણી પંચમાં પક્ષના બંધારણની નકલ પહેલેથી સોંપી છે અને એના આધારે જ ચૂંટણી પંચે એકનાથ શિંદે જૂથને શિવસેના પક્ષ અને ચૂંટણીચિહન ધનુષબાણ સોંપ્યાં હતાં.

બીજું, ચૂંટણી પંચ એક સ્વતંત્ર વિભાગ છે એટલે એની પાસેથી જે માહિતી આવશે એના પર કોઈને વાંધો રહેવાની શક્યતા ઓછી છે એને ધ્યાનમાં રાખીને સ્પીકરે આવો નિર્ણય લીધો હોવાનું કહેવાય છે. 

રાહુલ ગાંધી વીર સાવરકરના વાળ બરાબર પણ નથી

કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા સતત સ્વતંત્રતાસેનાની વીર સાવરકરનું અપમાન કરવામાં આવી રહ્યું છે અને આવતી કાલે વીર સાવરકરની જન્મજયંતી છે ત્યારે જ દિલ્હીમાં નવી લોકસભા ઇમારતનું ઉ્દઘાટન રાખવામાં આવવા વિશે રાહુલ ગાંધીએ વાંધો ઉઠાવ્યો છે. આ વિશે પત્રકારોએ ગઈ કાલે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને પૂછ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે ‘રાહુલ ગાંધીને વીર સાવરકર વિશે બોલવાનો કોઈ અધિકાર જ નથી, કારણ કે તેઓ વીર સાવરકરના વાળ બરાબર પણ નથી. વીર સાવરકરે કાયમ દેશભક્તો નિર્માણ કરવાનું કામ કર્યું છે. આથી રાહુલ ગાંધી ક્યારેય વીર સાવરકર ન બની શકે.’  દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે નાગપુરમાં વીર સાવરકરના જીવન પર આધારિત પુસ્તક ‘મૃત્યુંજયાચા આત્મયજ્ઞ’નું અનાવરણ કર્યું હતું.

mumbai mumbai news shiv sena supreme court