Maharashtra Political Crisis: રાજ ઠાકરેનો આ પ્રસ્તાવ ઉદ્ધવ ઠાકરેએ બે વાર ફગાવ્યો, હવે...

05 July, 2023 03:05 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મહારાષ્ટ્ર(Maharashtra Political Crisis)માં ધમાસાણ મચી છે. ગઈકાલે મનસેની મિટિંગ યોજાઈ હતી. મનસેના નેતા સંદીપ દેશપાંડેએ જણાવ્યું હતું કે, “મહારાષ્ટ્ર નવનિર્માણ સેના દ્વારા ઉદ્ધવ ઠાકરેને બે વાર એક થવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો.

ફાઈલ તસવીર

મોટી રાજકીય ઘટનાઓથી મહારાષ્ટ્રના રાજકારણમાં મોટો ખળભળાટ મચી ગયો છે. ઉલ્લેખનીય છે કે અજિત પવારે ભાજપના કેટલાક ધારાસભ્યોના સમર્થનથી નાયબ મુખ્યમંત્રી પદના શપથ લીધા જેને કારણે રાજ્યના રાજકારણમાં મોટો વળાંક આવ્યો છે. આ બધી જ રાજકીય ઉથલપાથલ વચ્ચે રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરેએ એક થવું જોઈએ તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે.

મળતી માહિતી મુજબ ગઈકાલે મનસેની મિટિંગ યોજાઈ હતી. મનસેની યોજાયેલી મીટિંગમાં પદાધિકારીઓએ પણ તે જ વાત રજૂ કરી હતી. આ જ વિષય પરના બેનરો પણ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે મનસેના નેતા સંદીપ દેશપાંડેએ જણાવ્યું હતું કે, “મહારાષ્ટ્ર નવનિર્માણ સેના દ્વારા ઉદ્ધવ ઠાકરેને બે વાર એક થવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો.

એક સમાચાર એજન્સી સાથે વાત કરતાં મનસેના નેતા સંદીપ દેશપાંડેએ આ બાબતે પ્રકાશ પાડતાં કહ્યું હતું કે, "મનસેએ ઉદ્ધવ ઠાકરે સાથે યુતી કરવાનો બે વાર પ્રસ્તાવ મૂક્યો હતો. જોકે ઠાકરે જૂથે મનસેના આ  પ્રસ્તાવને ફગાવી દીધો હતો. મનસેએ એકસાથે તાળી પાડવા હાથ લંબાવ્યા હોવા છતાં ઠાકરેએ તાળી પાડવાની ના પાડી હતી. અમે લોકોની લાગણીનું સન્માન કરીએ છીએ પરંતુ અંતિમ નિર્ણય રાજ ઠાકરે દ્વારા જ લેવામાં આવશે.”

સંદીપ દેશપાંડેએ વધુમાં કહ્યું હતું કે, “અમે લોકોની લાગણીનું સન્માન કરીએ છીએ. વર્ષ 2014 અને 2017માં રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરેને ગઠબંધન માટેનો પ્રસ્તાવ મૂક્યો હતો. પરંતુ ઠાકરેએ આ બાબતે ના પાડી દીધી હતી. કોઈ સ્પષ્ટ હા કે નાનો જવાબ આપવામાં આવ્યો નહતો.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, “રાજકારણમાં તમામ ગઠબંધન જરૂરીયાતને કારણે જ બને છે. શું અત્યારે કોઈ જરૂર છે? પાર્ટી નેતૃત્વ દ્વારા આ બાબતે વિચાર  કરતું હોય છે.
અગાઉ 2017ની નગરપાલિકાની ચૂંટણી વખતે તેમ જ   વિધાનસભાની ચૂંટણી વખતે પણ મનસેની ઠાકરે સાથે આવવાની ચર્ચા ચાલતી હતી. તે સમયે રાજ ઠાકરેએ ખુલ્લેઆમ યુતી માટે હાથ લંબાવ્યો હતો. પરંતુ તે સમયે ઉદ્ધવ ઠાકરેએ કોઈ જવાબ આપ્યો ન હતો. 

આ મનસેની મિટિંગમાં રણનીતિના ભાગરૂપે રાજ ઠાકરેને વિનંતી કરવામાં આવી હતી કે હવે યોગ્ય સમય છે. મરાઠી લોકોની ઓળખ જાળવવા ઠાકરેએ એક થવું જોઈએ તેવી લોકોની લાગણી છે. કાર્યકર્તાઓના આ વિચાર પર તેઓએ વિચારવું જોઈએ.

મનસેની બેઠકમાં વર્તમાન રાજકીય પરિસ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. જે રીતે રાજનીતિ થઈ રહી છે તેની ચર્ચા કરવામાં આવી હતી. બાલા નંદગાંવકરે કહ્યું હતું કે, “અમારી પાર્ટીમાં દરેક વ્યક્તિ અને મહારાષ્ટ્રના લોકો ઈચ્છે છે કે ઠાકરે ભાઈઓ સાથે આવે. પરંતુ આ અંગે રાજ ઠાકરે જ નિર્ણય લેશે. આપણે ગમે તેટલી ઈચ્છા કરીએ પરંતુ રાજ ઠાકરે આપણાથી હજાર ડગલાં આગળ છે.” રાજ ઠાકરેએ બેઠકમાં શું કહ્યું તે વિશે તેઓએ કોઈ જ સ્પષ્ટતા કરી નથી.

raj thackeray uddhav thackeray maharashtra navnirman sena shiv sena political news maharashtra political crisis mumbai news mumbai