24 September, 2023 01:00 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગઈ કાલે પત્ની સાથે લાલબાગચા રાજાનાં દર્શન કર્યાં હતાં
કેન્દ્રીય ગૃહપ્રધાન અને બીજેપીના વરિષ્ઠ નેતા અમિત શાહ ગઈ કાલે મુંબઈની મુલાકાતે આવ્યા હતા ત્યારે તેમણે બંધબારણે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથે અડધો કલાક બેઠક કરી હતી. આ સમયે જોકે અજિત પવાર તેમની સાથે નહોતા. ત્રણેય નેતા વચ્ચે શું વાતચીત થઈ હતી એ જાણવા નહોતું મળ્યું. અમિત શાહે દર વર્ષની જેમ મુંબઈની મુલાકાત વખતે લાલબાગચા રાજાનાં દર્શન કર્યાં હતાં. અમિત શાહ મુંબઈમાં હતા ત્યારે અજિત પવાર કેમ હાજર નહોતા રહ્યા એવો સવાલ થઈ રહ્યો છે.
અમિત શાહે દેવેન્દ્ર ફડણવીસ સાથે કરેલી ચર્ચામાં લોકસભાની ચાર બેઠક બાબતે ચોંકાવનારી માહિતી સામે આવી છે. બીજેપી મુંબઈમાં મરાઠી મુલગી માધુરી દીક્ષિત, જળગાંવમાં વરિષ્ઠ વકીલ ઉજ્જવલ નિકમ અને ધુળેમાંથી ભૂતપૂર્વ પોલીસ અધિકારી પ્રતાપ દીઘાવકરને લોકસભાની ચૂંટણીમાં ઉતારે એવી શક્યતા છે.
અમિત શાહ ગઈ કાલે પત્ની સાથે મુંબઈ આવ્યા હતા. તેમણે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સહિતના રાજ્યના નેતાઓ સાથે લાલબાગચા રાજાનાં દર્શન કર્યાં હતાં. દર્શન બાદ તેઓ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના સત્તાવાર નિવાસસ્થાન વર્ષા બંગલામાં ગયા હતા અને ગણપતિનાં દર્શન કર્યા બાદ નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના સાગર બંગલામાં ગયા હતા. અહીં ગણપતિદાદાનાં દર્શન કર્યા બાદ તેમણે એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ સાથે બંધબારણે બેઠક યોજી હતી.
ત્રણેય નેતાઓ વચ્ચે શું વાતચીત થઈ એ જાણવા નહોતું મળ્યું, પણ અત્યારે વિધાનસભાના સ્પીકર પાસે ચાલી રહેલા શિવસેનાના વિધાનસભ્યોની અપાત્રતાના મુદ્દા સહિત કેટલાક મહત્ત્વના વિષયો પર તેમણે ચર્ચા કરી હોવાની શક્યતા છે. અમિત શાહે જોકે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના વર્ષા બંગલામાં પણ થોડો સમય બંને નેતાઓ સાથે બંધબારણે વિતાવ્યો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ ટૂંક સમયમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહના કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવશે. આથી અમિત શાહે આ બાબતે પણ રાજ્યના બંને ટોચના નેતા સાથે ચર્ચા કરી હોવાની શક્યતા છે.
શરદ પવાર ગૌતમ અદાણીને મળ્યા
કૉન્ગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી ગૌતમ અદાણી પર હુમલો કરવાનો એક પણ મોકો ચૂકતા નથી ત્યારે વિરોધ પક્ષોના સંગઠન ઇન્ડિયાના વરિષ્ઠ નેતા અને એનસીપીના ચીફ શરદ પવાર ગઈ કાલે ગૌતમ અદાણીના અમદાવાદના ઘરે પહોંચ્યા હતા. આમ તો શરદ પવાર એક ઉદ્ઘાટનના કાર્યક્રમમાં અમદાવાદ ગયા હતા, પરંતુ તેમની અદાણી સાથેની મુલાકાતથી રાજકીય ચર્ચા શરૂ થઈ છે. અગાઉ બે વખત ગૌતમ અદાણી શરદ પવારને તેમના બંગલા સિલ્વર ઑકમાં મળ્યા હતા. ઉદ્યોગપતિ અને આ રાજકીય નેતા વચ્ચે જોકે શું ચાલી રહ્યું છે એ જાહેર નથી કરવામાં આવ્યું. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી ગૌતમ અદાણીને સતત નિશાન બનાવી રહ્યા છે ત્યારે ઇન્ડિયા સંગઠનના મહત્ત્વના સાથી શરદ પવારે વધુ એક વખત ગૌતમ અદાણીની મુલાકાત લીધી હતી. આથી આ મુલાકાત વિશે રાહુલ ગાંધી શું કહે છે એના પર બધાની નજર રહેશે.