19 July, 2023 11:44 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફાઈલ તસવીર
મહારાષ્ટ્રના રાજકારણ (Maharashtra Political Crisis)માં સતત નવી ઘટનાઓ થઈ રહી છે. ગઈકાલે રાજધાની દિલ્હીમાં બીજેપીના નેતૃત્વમાં એનડીએની બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ એક નવી જ ઘટના સામે આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi), કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah), ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. જેપી નડ્ડાએ આ બેઠકમાં ભાગ લીધો હતો. આ ત્રણેયની બેઠક અંગેની માહિતી સામે આવી રહી છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ નેતાઓ વચ્ચે લગભગ અડધો કલાક ચર્ચા ચાલી હતી. જોકે, આ મુલાકાતની વિગતો હજુ સ્પષ્ટ રીતે જાણવા મળી નથી. સૂત્રોએ માહિતી આપી છે કે આ બેઠક બાદ મુખ્યમંત્રી એકનાથ શિંદે, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને જેપી નડ્ડા સાથે ચર્ચા કરી હતી.
આ બેઠક બાદ એવા પણ સમાચાર ફેલાયા છે કે આ નેતાઓ વચ્ચે દિલ્હીમાં બંધ બારણે કાંઈક મોટી ચર્ચા થઈ હતી. મળતી માહિતી મુજબ આ બેઠકમાં એકનાથ શિંદે અને અજિત પવાર પણ શામેલ હતા.
દેવેન્દ્ર ફડણવીસ મોડી રાત્રે દિલ્હી પહોંચ્યા હતા. ત્યારબાદ મુખ્યમંત્રી અને બે નાયબ મુખ્યમંત્રીઓએ ભાજપના વરિષ્ઠ નેતાઓ સાથે ચર્ચા-વિચારણા કરી હતી. આ બેઠકમાં રાજકીય ઘટનાક્રમ બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મહારાષ્ટ્રની રાજકીય સ્થિતિની સમીક્ષા કરી હોવાના અહેવાલ મળી રહ્યા છે. ત્રણેય પક્ષો વચ્ચે સંકલન સાધવાના આદેશો પણ અપાયા હોવાનું જાણવા મળી રહ્યું છે.
દરમિયાન ગઈકાલે રાજધાની દિલ્હીમાં ભાજપ દ્વારા એનડીએની બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં 38 પક્ષોના નેતાઓ હાજર રહ્યા હતા. શિવસેના (શિંદે જૂથ) વતી મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે બેઠકમાં ગયા હતા. રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પક્ષ (અજિત પવાર જૂથ) તરફથી નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર NDAની બેઠક માટે દિલ્હી પહોંચ્યા હતા.
આ બેઠકમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું હતું. નરેન્દ્ર મોદી અને અમિત શાહે પણ એકનાથ શિંદે અને અજિત પવારને તેમની હરોળમાં સ્થાન આપ્યું હતું. એવી પણ માહિતી સામે આવી રહી છે કે અમિત શાહે એક તરફ એકનાથ શિંદે અને બીજી તરફ અજિત પવારને ઊભા રાખ્યા હતા. જ્યારે નડ્ડા શિંદેની બાજુમાં બેઠા હતા અને મોદી તેમની બાજુમાં બેઠા હતા.
સૂત્રો દ્વારા એવી પણ માહિતી આપવામાં આવી છે કે આ બેઠક બાદ મુખ્યમંત્રી એકનાથ શિંદે, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને જેપી નડ્ડા સાથે વિશેષ ચર્ચા કરી હતી. ત્રણેય પક્ષો વચ્ચે સંકલન સાધવાના આદેશો પણ અપાયા હોવાનું જાણવા મળી રહ્યું છે.