04 December, 2023 06:47 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પીએમ મોદીએ છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ કર્યું
Maharashtra: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લામાં રાજકોટ કિલ્લા ખાતે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. પીએમ મોદીએ છત્રપતિ શિવાજી મહારાજના સમૃદ્ધ વારસાને શ્રદ્ધાંજલિ આપી. આ પછી વડાપ્રધાન મોદીએ મહારાષ્ટ્રમાં નેવી ડે કાર્યક્રમમાં પણ ભાગ લીધો હતો.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે છત્રપતિ શિવાજી મહારાજ રાષ્ટ્ર માટે નૌકાદળનું મહત્વ સમજતા હતા. અમે સશસ્ત્ર દળોમાં અમારી મહિલાઓની તાકાત વધારવા માટે પ્રતિબદ્ધ છીએ. આજે ભારત પ્રભાવશાળી લક્ષ્યો નક્કી કરી રહ્યું છે. આપણા દેશનો વિજયનો ભવ્ય ઇતિહાસ છે. વિશ્વ ભારતને ‘વિશ્વ મિત્ર’ તરીકે જોઈ રહ્યું છે.
નોંધનીય છે કે શિવાજીએ પોતે સિંધુદુર્ગ કિલ્લા સહિત અનેક તટીય કિલ્લાઓ બનાવ્યા હતા. નૌકાદળનો નવો ધ્વજ મરાઠા સામ્રાજ્યના સ્થાપકની મહોરથી પ્રેરિત છે. તેને ગત વર્ષે અપનાવવામાં આવ્યું હતું જ્યારે વડાપ્રધાન મોદીએ પ્રથમ સ્વદેશી વિમાનવાહક જહાજ INS વિક્રાંત લોન્ચ કર્યું હતું.
દેશમાં યોજાયેલી પાંચમાંથી ચાર વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે. આમાંથી ત્રણ રાજ્યોમાં ભાજપનો વિજય થયો છે. આ ક્રમમાં, વિધાનસભા ચૂંટણી પછી, પીએમ આજે મહારાષ્ટ્રના સિંધુદુર્ગની મુલાકાત લીધી. આ પ્રતિમા નેવી દ્વારા સિંધુદુર્ગમાં સ્થાપિત કરવામાં આવી છે. આ પછી તે તારકરલી બીચની મુલાકાત પણ લીધી.
તારકરલી બીચ મહારાષ્ટ્રના સુંદર બીચમાંથી એક છે, જ્યાં સ્કુબા ડાઇવિંગ થાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જનસભાને સંબોધી હતી. આ દરમિયાન મહારાષ્ટ્રના રાજ્યપાલ રમેશ બેસ, મુખ્યમંત્રી એકનાથ શિંદે, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને બીજા નાયબ મુખ્યમંત્રી અજિત પવાર પણ તેમની સાથે હાજર હતાં. આ દરમિયાન વડાપ્રધાન સાથે કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે પણ ઉપસ્થિત હતાં.
PMO દ્વારા જારી કરાયેલા સત્તાવાર નિવેદનમાં જણાવાયું હતું કે PM મોદી રાજકોટના કિલ્લા ખાતે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ કરશે. ઉલ્લેખનીય છે કે આજે મહારાષ્ટ્રના સિંધુદુર્ગ કિલ્લામાં નેવી ડેની ઉજવણી કરવામાં આવી. આ કિલ્લાનો પાયો 1664માં મરાઠા રાજા શિવાજી મહારાજ દ્વારા સિંધુદુર્ગ જિલ્લાના માલવણ તાલુકા પાસે અરબી સમુદ્રમાં એક ટાપુ પર નાખવામાં આવ્યો હતો.સંરક્ષણ મંત્રાલયના પ્રદર્શનો લોકોને ભારતીય નૌકાદળ દ્વારા હાથ ધરવામાં આવતા મલ્ટિ-ડોમેન ઓપરેશન્સના વિવિધ પાસાઓ જોવાની તક પૂરી પાડે છે. "તે જનતા માટે રાષ્ટ્રીય સુરક્ષામાં નૌકાદળના યોગદાનને પ્રકાશિત કરે છે, જ્યારે નાગરિકોમાં દરિયાઈ જાગરૂકતા પણ પ્રેરિત કરે છે," તેવું રક્ષા મંત્રાલયે જણાવ્યું હતું.