29 March, 2023 04:05 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ભાજપ નેતા ગિરીશ બાપટ
મહારાષ્ટ્ર(Maharashtra)ભાજપના દિગ્ગજ નેતાનું નિધન થયું છે. પુણેના ભાજપ સાસંદ ગિરીશ બાપટ(Pune BjP MP Girish Bapat Death)નું લાંબી બિમારી બાદ નિધન થયું છે. તેઓ છેલ્લા કેટલાક દિવસથી પુણેની દીનાનાથ હોસ્પિટલમાં દાખલ હતાં. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત થયું છે. તેમણે 73 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે. તે 1973થી રાજનીતિમાં સક્રિય હતા. પૂણેમાં ભાજપના સફળ આંદોલનમાં તેમની મહત્વની ભૂમિકા રહી છે. તેમને `પુણે કી તાકત ગિરીશ બાપટ` તરીકે ઓળખવામાં આવતા હતાં. ગિરીશ બાપટના નિધનથી ભાજપમાં શૉકની લહેર છે. તેમણે પૂણે અને કસબા નિવાર્ચન ક્ષેત્રમાં ભાજપ પાર્ટીને વિકસીત કરવા ખુબ જ મહેનત કરી હતી.
એબીપી માઝા ડૉટ કૉમ અનુસાર તેમણે 1973માં એક ટેલ્કો કંપનીમાં કમર્ચારી તરીકે કામ કરી એક ટ્રેડ યુનિયનના માધ્યમથી રાજનીતિમાં પ્રવેશ કર્યો. 1983માં તેમને પૂણે નગર નિગમમાં એક નગરસેવક તરીકે નિમવામાં આવ્યાં હતાં. તે સતત ત્રણ વાર પાર્ષદ તરીકે પસંદ થયા. 1993માં થયેલા કસબા પેઠ વિધાનસભા પેટાચૂંટણી બાદ તેમણે રાજનીતિમાં પાછું વાળીને જોયું નહીં. તેમણે રાજ્ય કૅબિનેટના કેટલાય વિભાગોના મંત્રી અને પૂણેના સંરક્ષક મંત્રીના રૂપમાં કાર્ય કર્યુ છે. ત્યાર બાદ વર્ષ 2019માં તેઓ રેકોર્ડ મત સાથે પૂણેના સાસંદ તરીકે પસંદગી પામ્યા.
આ પણ વાંચો: 1લી એપ્રિલથી મુંબઈ-પૂણે એક્સપ્રેસવે પરની મુસાફરી પડશે મોંઘી, જાણો કારણ
ગિરીશ બાપટના નિધન પર ભાજપ પાર્ટીને મોટી ખોટ પડી છે. તેમના નિધન પર નેતાઓ શોક વ્યક્ત કરી રહ્યાં છે. MNSના પ્રમુખ રાજ ઠાકરેએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. રાજ ઠાકરેએ ટ્વિટ કરી લખ્યું,"પુણે લોકસભા ક્ષેત્રના સાંસદ, પૂર્વ મંત્રી, ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને મારા મિત્ર ગિરીશ બાપટનું નિધન થયું છે. રાજનીતિક મતભેદોને વ્યક્તિગત મિત્રતાની આડે ન આવવા દેવા જોઈએ, મહારાષ્ટ્રની રાજનીતિક સંસ્કૃતિને ગિરીશ બાપટે ધ્યાનમાં રાખી હતી. તેમના નિધનના સમાચાર ખુબ દુ:ખદ છે. તેમની આત્માને શાંતિ મળે. ઓમ શાંતિ."
વડાપ્રધાન મોદીએ પણ ગિરીશ બાપટના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યુ છે. તેમણે કહ્યું કે "શ્રી ગિરીશ બાપટજી એક વિનમ્ર અને મહેનતી નેતા હતા, જેમણે લગનથી સમાજની સેવા કરી. તેમણે મહારાષ્ટ્રના વિકાસ માટે મોટા પાયે કામ કર્યુ અને તે પૂણેના વિકાસ માટે ખુબ જ ઉત્સુક હતાં. તેમનું નિધન દુ:ખદ છે. તેમના પરિવાર અને સમર્થકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ."
NCP પ્રમુખ શરદ પવારે પણ ભાજપના દિગ્ગજ નેતા ગિરીશ બાપટના નિધન પર સંવેદના વ્યક્ત કરી છે.