આપણ યાંના પાહિલંત કા?

01 November, 2023 02:05 PM IST  |  Mumbai | Ranjeet Jadhav

છેલ્લાં બે સપ્તાહથી તાડોબા અભયારણ્યની જાણીતી વાઘણને શોધવા માટે ૧૦૦ જેટલા કૅમેરા બેસાડ્યા છતાં એ મળી નથી

તાડોબા અભયારણ્યના અધિકારીઓએ વાઘણને શોધવા માટે એના રહેણાક વિસ્તારની આસપાસ ઘણા કૅમેરા ગોઠવ્યા છે (પ્રતીકાત્મક તસવીર)

તાડોબા અંધારી ટાઇગર રિઝર્વ (ટીએટીઆર)ની જાણીતી માયા નામની વાઘણને શોધવા માટે ૧૦૦ જેટલા કૅમેરા લગાડવામાં આવ્યા હોવા છતાં છેલ્લાં બે સપ્તાહથી એ એકેય  કૅમેરામાં નજરે પડી નથી. પરિણામે ટાઇગર રિઝર્વના સત્તાધીશોએ એના રહેણાક વિસ્તારના આસપાસના વિસ્તારોમાં પણ એની શોધખોળ કરવાનું નક્કી કર્યું છે. છેલ્લે ૨૫ સપ્ટેમ્બરે માયા જ્યાં હંમેશાં ફરતી રહેતી હતી એ સ્થળે દેખાઈ હતી, પરંતુ સપ્ટેમ્બર મહિનાના અંતે એ વિસ્તારમાં છોટી તારા નામની વાઘણ ફરતી દેખાઈ છે. છેલ્લાં બે સપ્તાહથી એ નજરે પડી નથી. ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ અને નિષ્ણાતોના મતે એણે કદાચ બચ્ચાંઓને જન્મ આપ્યો હોય એવું બની શકે, જેને કારણે એ એકાંતવાસમાં જતી રહી હશે. એને શોધવા માટે ૧૦૦ કૅમેરા ફિટ કરવામાં આવ્યા છે.

ચંદ્રપુર ડિસ્ટ્રિક્ટમાં અભયારણ્યને પ્રવાસીઓ માટે ચોમાસા બાદ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. પ્રવાસીઓ માયાને જોવા માટે આતુર હતા. જોકે એ હજી સુધી જોવા મળી નથી. માયાનો જન્મ ક્યારે થયો હતો એની અચૂક તારીખ તો મળી નથી, પરંતુ ટાઇગર રિઝર્વની મુલાકાત લેનારાઓના મતે એનો જન્મ ૨૦૧૦થી ૨૦૧૧ વચ્ચે થયો હોવો જોઈએ. માયાએ અત્યાર સુધી પાંચ વખત કુલ ૧૫ બચ્ચાંઓને જન્મ આપ્યો હતો. એમાંથી બહુ ઓછાં બચ્ચાંઓ પુખ્ત વયનાં થયાં, કારણ કે વાઘણ સાથે સંબંધ બનાવવા માગતા વાઘો દ્વારા એમને મારી નાખવામાં આવ્યા હતા.

maharashtra news mumbai mumbai news ranjeet jadhav