પબ અને બાર કોઈ રૅશનની દુકાન નથી, બંધ કરી દો સાત દિવસ માટે

27 June, 2024 03:08 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પુણેમાં ડ્રગ્સ લેવાના મામલા વધી ગયા એટલે ચંદ્રકાંત પાટીલે કહ્યું...

ચંદ્રકાંત પાટીલ

પુણેના બાર-પબમાં ડ્રગ્સની હેરફેરના મામલા સામે આવતાં મહારાષ્ટ્રના કૅબિનેટપ્રધાન ચંદ્રકાંત પાટીલે શહેરના બાર અને પબને એક અઠવાડિયા માટે બંધ રાખવાનું સૂચન કર્યું હતું. પાટીલે ૨૬ જૂને ઇન્ટરનૅશનલ ડે અગેન્સ્ટ ડ્રગ અબ્યુઝ ઍન્ડ ઇલિસિટ ટ્રાફિકિંગ નિમિત્તે એક કાર્યક્રમમાં હાજરી આપી હતી.

તાજેતરમાં ફર્ગ્યુસન કૉલેજ રોડ પરના લિક્વિડ લીઝર લાઉન્જ (L3) બારની અંદર યુવકો ડ્રગ્સ લેતા હોવાનો વિડિયો વાઇરલ થયો હતો. પાટીલે આ વિશે કહ્યું હતું કે ‘પુણેમાં ડ્રગ્સના સેવનના મામલા વધી રહ્યા છે જે ચિંતાજનક છે, પરંતુ એના કારણે આખું શહેર બરબાદ થઈ ગયું હોય એવું ચિત્ર રજૂ કરવું યોગ્ય નથી. વહીવટી તંત્રએ કોઈ ઘટના બન્યા બાદ પગલાં લેવાને બદલે આ સમસ્યાને જડમૂળથી ઉખેડવા માટે કડક નિયમો બનાવવા જોઈએ.’

BJP નેતાએ બાદમાં એવું સૂચન કર્યું હતું કે ‘તમામ પુણેકરોએ ઓછામાં ઓછા ત્રણ કે સાત દિવસ શહેરમાં પબ અને બાર બંધ રાખવા વિશે વિચારવું જોઈએ અને દરેક વ્યક્તિએ એક મંચ પર ભેગા થઈને બાર-પબના નિયમો ઘડવા જોઈએ. સાત દિવસ માટે ડ્રાય ડેઝનો અમલ કરવા ઉપરાંત એક રૂલ-બુક પણ બનાવવી જોઈએ. બાર અને પબ કોઈ રૅશનની દુકાન નથી એટલે એને સાત દિવસ માટે બંધ કરવા જોઈએ.’

પુણેમાં ૪૫ ગેરકાયદે બાર અને પબ પર બુલડોઝર ફર્યું

દેશભરમાં ચકચાર જગાડનાર પુણેના પૉર્શેકાંડ બાદ બારમાં સગીરો ડ્રગ્સ લઈ રહ્યા હોવાનો વિડિયો વાઇરલ થતાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પુણેના ગેરકાયદે બાર અને પબ પર કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. ત્યાર બાદ છેલ્લા બે દિવસથી પુણે મ્યુનિસિપલ કૉર્પોરેશને ૪૫ જેટલાં ગેરકાયદે બાર અને પબ પર બુલડોઝર ફેરવીને કાર્યવાહી કરી છે.

પુણેમાં સેંકડોની સંખ્યામાં બાર, પબ અને ડિસ્કો આવેલાં છે. જોકે એમાંથી માત્ર ૨૩ પાસે જ એ માટે જોઈતી પરમશિન છે એમ રાઇટ ટુ ઇન્ફર્મેશન (RTI) ઍક્ટિવિસ્ટ ઍડ્વોકેટ સમીર શેખ દ્વારા કરવામાં આવેલી અરજીના જવાબમાં જણાવવામાં આવ્યું હતું. 

pune pune news maharashtra news mumbai mumbai news