10 December, 2022 04:21 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ચંદ્રકાન્ત પાટિલ (ફાઈલ તસવીર)
બીજેપી (BJP)નેતા અને રાજ્યના ઉચ્ચ શિક્ષણ મંત્રી ચંદ્રકાન્ત પાટીલના (Chandrakant Patil) તાજેતરના એક નિવેદન (Statement) પર ફરીથી વિવાદ (Controversy) વકર્યો છે. પાટીલે શુક્રવારે સ્કૂલોને આપવામાં આવતા અનુદાનના કાર્યક્રમમાં નિવેદન આપ્યું કે મહારાષ્ટ્રમાં જ્યોતિબા ફુલે (Jyotiba Phule), ડૉ. બાબાસાહેબ આંબેડકર (Dr. Babasaheb Ambedkar) અને કર્મવીર ભાઉરાવ પાટીલ (Bhaurav Patil) જેવા મહાન લોકોને પણ શાળાઓ શરૂ કરવા માટે લોકો પાસેથી ભીખ માગવી પડી હતી, કારણકે ત્યારે સરકાર સ્કૂલોને અનુદાન આપતી નહોતી. મહાપુરુષો દ્વારા સ્કૂલ ખોલવા માટે લોકો પાસે ભીખ માગવાના તેમના નિવેદનને વિપક્ષે મહાપુરુષોનું અપમાન ગણાવ્યું છે.
વિપક્ષનો આરોપ છે કે આ મહાપુરુષોએ ક્યારેય કોઈની પાસેથી ભીખ નથી માગી, પણ સમાજના ઉત્થાન માટે જન સહયોગનો આશરો લીધો હતો. કૉંગ્રેસના પ્રદેશાધ્યક્ષ નાના પટોલેએ એક નિવેદન જાહેર કરીને ચંદ્રકાન્ત પાટીલના આ નિવેદનની નિંદા કરી છે. પટોલેએ પ્રશ્ન કર્યો કે, "શું બીજેપીના મંત્રી ચંદ્રકાન્ત પાટીલ (Chandrakant Patil)ને `ભીખ` અને `લોકો પાસેથી ચંદો` અને `દાન` લેવા વચ્ચેનો ફરક ખબર નથી?" તેમણે કહ્યું કે છત્રપતિ શિવાજી મહારાજ (Chhatrapati Shivaji Maharaj) વિશે આપવામાં આવેલા નિવેદન પર પણ બીજેપીના કોઈપણ નેતાએ હજી સુધી માફી માગી નથી.
પટોલેએ કહ્યું કે મહાત્મા જ્યોતિબા ફુલે, ડૉ. બાબાસાહેબ આંબેડકર, કર્મવીર ભાઉરાવ પાટીલે બહુજન સમાજના ગરીબ બાળકો માટે શાળાઓ શરૂ કરીને શિક્ષણના દ્વાર ઉઘાડ્યા. આ મહાપુરુષોએ બહુજન સમાજના બાળકોના શિક્ષણ માટે પોતાનું બધું જ ન્યોછાવર કરી દીધું. ચંદો અને દાન તરીકે લોકો પાસેથી લીધેલ ધન એકઠું કરીને સમાજના કલ્યાણ માટે શાળાઓ શરૂ કરવામાં આવી. જનભાગીદારી હેઠળ શિક્ષણ સંસ્થાઓનો ગામડાઓ સુધી વિસ્તાર કર્યો. પટોલે પ્રમાણે પાટિલે ભીગ માગવાનું નિવેદન આપીને બહુજન સમાજનું પણ અપમાન કર્યું છે.
આ પણ વાંચો : બૉયફ્રેન્ડ માટે બાઇક અને પોતાને માટે આઇફોન ખરીદવા યુવતીએ ચોરી કરી
એનસીપીના નેતા અમોલ મિટકરીએ કહ્યું કે ગરીબ અને બહુજન સમાજને શિક્ષિત બનાવવા માટે ડૉ. બાબાસાહેબ આંબેડકર, જ્યોતિબા ફુલે અને કર્મવીર ભાઉસાહેબ પાટીલ જેવા મહાપુરુષોએ ફક્ત પોતાનું જીવન જ નહી, પણ પોતાની સંપત્તિ સુદ્ધા વાપરી નાખી અને ત્યાર બાદ જન સહભાગિતાનો આશરો લીધો. આજે તેમના આ ત્યાગને ભીખનું નામ આપીને તેમનું અપમાન કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો : નરેન્દ્ર મોદી ગુજરાતના ગૌરવ પુરુષ : ઉદ્ધવ ઠાકરેના ન્યુઝપેપરે કર્યાં વખાણ
શું છે વિવાદિત નિવેદન
"મહારાષ્ટ્રમાં જ્યોતિબા ફુલે ડૉ. બાબાસાહેબ આંબેડકર અને કર્મવીર ભાઉરાવ પાટીલ જેવા મહાન લોકોને પણ સ્કૂલ ખોલવા માટે લોકો પાસેથી ભીખ માગવી પડી હતી, કારણકે ત્યારે સરકાર સ્કૂલને અનુદાન આપતી નહોતી."