22 December, 2024 02:33 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મહારાષ્ટ્ર મંદિર મહાસંઘ
મંદિરોના પ્રશ્નોનું નિરાકરણ લાવવાના, દર્શન માટેની લાઇનનું સુચારુ સંચાલન કરવાના, ભક્તોને યોગ્ય સુવિધા પૂરી પાડવાની સાથે મંદિરની પરંપરાઓનું રક્ષણ કરવાના આશય સાથે મહારાષ્ટ્ર ટેમ્પલ ફેડરેશન, મુંબઈના શ્રી જીવદાની દેવી સંસ્થાન, શ્રી જ્યોતિર્લિંગ ભીમાશંકર દેવસ્થાન, શ્રી સાંઈ પાલખી નિવારા અને હિન્દુ જનજાગૃતિ સમિતિના સંયુક્ત નેજા હેઠળ મહારાષ્ટ્ર મંદિર મહાસંઘે મંગળ અને બુધવારે શિર્ડીમાં ત્રીજી મહારાષ્ટ્ર મંદિર ટ્રસ્ટ કાઉન્સિલનું આયોજન કર્યું છે.
આ કાઉન્સિલમાં ૧૦૦૦થી વધુ આમંત્રિત મંદિરોના ટ્રસ્ટી, પ્રતિનિધિ, પૂજારીઓ, મંદિરની સુરક્ષા માટે લડતા વકીલો અને નિષ્ણાતો ભાગ લેવાના હોવાની માહિતી મહારાષ્ટ્ર ટેમ્પલ ફેડરેશનના રાષ્ટ્રીય કન્વીનર સુનીલ ઘનવટે પ્રેસ-કૉન્ફરન્સમાં આપી હતી. આ કાઉન્સિલમાં મંદિરોને સનાતન ધર્મના પ્રચારનું કેન્દ્ર બનાવવાં, મંદિરોને સરકારી નિયંત્રણમાંથી મુક્ત કરાવવાં, મંદિરો અને તીર્થધામોમાં માંસાહાર અને દારૂ પર પ્રતિબંધ, વક્ફ કાયદા દ્વારા મંદિરની જમીન પર થનારા અતિક્રમણને રોકવાનાં પગલાં, ઉપેક્ષિત મંદિરોનો જીર્ણોદ્વાર જેવા વિષયો પર ચર્ચા કરવામાં આવશે. એમાં માત્ર આમંત્રિતોને જ એન્ટ્રી હોવાથી જે પણ એમાં આવવા માગતું હોય તેમને ૭૦૨૦૩ ૮૩૨૬૪ નંબર પર સંપર્ક કરવાનું કહેવામાં આવ્યું છે.