અજિત પવારના ૧૦ વિધાનસભ્યો શરદ પવારના કૅમ્પમાં પાછા ફરશે?

06 June, 2024 02:43 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ બધાએ સુપ્રિયા સુળેને જીતની વધામણી આપતો મેસેજ કર્યો

શરદ પવાર અને સુપ્રિયા સુળે

કાકા શરદ પવારથી અલગ થઈને સત્તામાં જોડાયેલા અજિત પવારની સાથે આવેલા ૧૦ જેટલા વિધાનસભ્યોએ સુપ્રિયા સુળેને બારામતીની બેઠક પરથી ચૂંટાઈ આવતાં જીતની શુભેચ્છા આપતા મેસેજ કર્યા હતા. હવે એેવું પણ ચર્ચાઈ રહ્યું છે કે એ ૧૦ વિધાનસભ્યો શરદ પવારના સંપર્કમાં છે અને તેઓ ઘરવાપસી કરી શકે છે.

આ બાબતે થોડા જ દિવસ પહેલાં નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર)ના કર્જત-જામખેડના વિધાનસભ્ય રોહિત પવારે બહુ સૂચક સ્ટેટમેન્ટ કર્યું હતું કે ‘સુનીલ તટકરે અને ધનંજય મુંડે કેટલાક વિધાનસભ્યોને લઈને ભારતીય જનતા પાર્ટીમાં ચાલ્યા જશે. બાકી જે વિધાનસભ્યોએ અત્યાર સુધી શરદ પવારની ટીકા કરી નથી તેમને ઘરવાપસી માટે પાર્ટીના દરવાજા ખુલ્લા જ છે.’

અજિત પવારે શરદ પવારથી છેડો ફાડ્યો હતો ત્યારે તેમની સાથે ૪૦ વિધાનસભ્યો હતા. લોકસભાની આ ચૂંટણીમાં શરદ પવાર જૂથના ૧૦ ઉમેદવારોએ ઝુકાવ્યું હતું, જેમાંથી ૮ ચૂંટાઈ આવ્યા છે, જ્યારે અ​જિત પવારના જૂથમાંથી માત્ર એક સુનીલ તટકરે રાયગડમાંથી જીતી શક્યા છે એટલું જ નહીં, અ​જિત પવાર તેમનાં પત્ની સુમેત્રા પવારને પણ ​જિતાડી શક્યા નથી એથી અજિત પવારના જૂથમાં બેચેની છે એમ સૂત્રોએ જણાવ્યું હતું. 

Lok Sabha Election 2024 maharashtra news nationalist congress party sharad pawar supriya sule ajit pawar political news mumbai mumbai news