મહિલાઓને દર મહિને રૂ. 1500: શિંદે સરકારના બજેટમાં મહિલાઓ માટે કરોડોની અનેક નવી યોજનાઓ

28 June, 2024 04:22 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Maharashtra Interim Budget 2024: બજેટમાં રાજ્યભરમાં 10,000 મહિલાઓને પિંક ઇ-રિક્ષા આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે.

વર્ષ 2024-25 માટે રાજ્યનું વચગાળાનું બજેટ રજૂ કરતાં પહેલાં, અજિત પવાર અને દીપક કેસરકરે સૌપ્રથમ વિધાનસભા ભવન પરિસરમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને સલામી આપી હતી (તસવીર સૌજન્ય - મિડ-ડે)

મહારાષ્ટ્રમાં વિધાન સભાની ચૂંટણી પહેલા આજે મહાયુતિ સરકાર (ભારતીય જનતા પાર્ટી, શિવસેના એકનાથ શિંદે જૂથ, એનસીપી અજિત પવાર જૂથ)નું છેલ્લું વચગાળાનું બજેટ (Maharashtra Interim Budget 2024) જાહેર કરવામાં આવ્યું હતું. મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે શુક્રવારે રાજ્ય સરકાર તરફથી આંતરિમ બજેટ રજૂ કર્યું. રાજ્યમાં 2024ની વિધાનસભા ચૂંટણી પહેલાં રજૂ કરવામાં આવેલ આ બજેટમાં રાજ્ય સરકારે લોકોને આકર્ષિત કરવા માટે અનેક લાભદાયી જાહેરાતો કરી છે. રાજ્ય સરકારના આ છેલ્લા વચગાળાના બજેટમાં સરકારે તીર્થ વારકરીઓ માટે મફત મેડિકલ ચેકઅપ અને સારવાર સાથે સમુદાયના વિકાસ માટે વારકરી વિકાસ નિગમની સ્થાપના કરવાની પણ જાહેરાત કરી છે. તે સાથે નાણાકીય વર્ષ 2024-25 ના બજેટમાં મહિલાઓ માટે પણ અનેક લાભદાયી યોજનાઓની જાહેરાત કરવામાં આવી છે.

રાજ્ય સરકાર દ્વારા પંઢરપુર ડિંડિ માટે 36 કરોડ રૂપિયાની ફાળવણી (Maharashtra Interim Budget 2024) કરવામાં આવી છે, જેમાં પ્રત્યેક ડિંડિ એટલે કે યાત્રાળુઓના સમૂહ માટે 20,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. વિધાન પરિષદમાં આ બજેટ શિવસેનાના પ્રધાન દીપક કેસરકર દ્વારા રજૂ કરવામાં આવશે. બજેટ સત્ર દરમિયાન વિરોધી પક્ષવાળી શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે (UBT) ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પણ હાજર હતા.

વિધાનસભામાં બજેટ રજૂ કરતાં અજિત પવારે (Maharashtra Interim Budget 2024) કહ્યું કે “સરકાર રાજ્યને એક ટ્રિલિયન અમેરિકન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાનો પ્રયાસ કરી રહી છે. સરકારે સીએમ લાડકી બહેન યોજના પણ શરૂ કરી છે. આ યોજનામાં જુલાઈ 2024થી દર મહિને મહિલાઓના બેન્ક ખાતામાં 1,500 રૂપિયા જમા કરવામાં આવશે. બજેટમાં તેના માટે દર વર્ષે 46 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. બજેટમાં રાજ્યભરમાં 10,000 મહિલાઓને પિંક ઇ-રિક્ષા આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે.

મહારાષ્ટ્ર સરકારે (Maharashtra Interim Budget 2024) મહિલાઓને ઈ-રિક્ષા આપવા માટે 17 શહેરોમાં 80 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. 2024-25ના બજેટમાં નવી એમ્બ્યુલન્સ અને દરેક ઘરમાં નવી નળ યોજનાના માટે પણ જોગવાઈઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ યોજના હેઠળ રાજ્યના 21 લાખ ઘરોને નળનું પાણી ઉપલબ્ધ કરાવવાનું કામ કરવામાં આવવાનું છે. અજિત પવારે જણાવ્યું હતું કે સરકારે તાજેતરમાં જ જાહેર કરેલા સીએમ અન્ન સુરક્ષા યોજના અંતર્ગત 52.4 લાખ ઘરો માટે એક વર્ષમાં ત્રણ મફત ગેસ સિલિન્ડરો ઉપલબ્ધ કરાવવાની યોજના બનાવી છે.

આ સાથે રાજ્યની ડદરેક પરિણીત મહિલાઓ માટે શુભમંગલ યોજનાના (Maharashtra Interim Budget 2024) ફંડમાં વધારો કરવામાં આવ્યો છે. અજિત પવારે એમ પણ કહ્યું કે પોર્ટના વિસ્તરણને મંજૂરી આપવામાં આવશે. આ સાથે સરકાર દ્વારા સુરક્ષા બળના જવાનો માટે, પેટ્રોલ ડીઝલના ભાવને ઓછા કરવા, એઆઇ રિસર્ચ અને ખેડૂતો માટે પણ કરોડો રૂપિયાની યોજના જાહેર કરી છે.

ajit pawar maharashtra news eknath shinde mumbai news vidhan bhavan