22 May, 2024 07:38 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડ ફૉર સેકન્ડરી ઍન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન દ્વારા ગઈ કાલે હાયર સેકન્ડરી (HSC)ના બારમા ધોરણનું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં ૯૩.૩૭ ટકા વિદ્યાર્થીઓ પાસ થયા હતા. ગયા વર્ષે આ આંકડો ૯૧.૨૫ ટકા હતો. બોર્ડના ચૅરપર્સન શરદ ગોસાવીએ જણાવ્યું હતું કે કુલ પરીક્ષા આપનારી છોકરીઓમાંથી ૯૫.૪૪ ટકા છોકરીઓ પાસ થઈ હતી, જ્યારે કુલ છોકરાઓમાંથી ૯૧.૬ ટકા છોકરાઓ પાસ થયા હતા.
કુલ ૧૪,૩૩,૩૭૧ સ્ટુડન્ટ્સે ફૉર્મ ભર્યાં હતાં. એમાંથી ૧૪,૨૩,૯૭૦ સ્ટુડન્ટ્સે પરીક્ષા આપી હતી. એમાંથી ૧૩,૨૯,૬૮૪ સ્ટુડન્ટ્સ પાસ થયા હતા. કોંકણ ડિવિઝનના ૯૭.૫૧ ટકા સ્ટુડન્ટ્સ પાસ થતાં એ સૌથી આગળ રહ્યું હતું, જ્યારે મુંબઈ ડિવિઝન સૌથી છેલ્લે રહ્યું હતું. એના ૯૧.૯૫ ટકા સ્ટુડન્ટ્સ પાસ થયા હતા. બોર્ડના જણાવ્યા અનુસાર સાયન્સના ૯૭.૮૨ ટકા, કૉમર્સના ૯૨.૧૮ ટકા, આર્ટ્સના ૮૫.૮૮ ટકા અને વોકેશનલ સ્ટ્રીમના ૮૭.૭૫ ટકા સ્ટુડન્ટ્સ પાસ થયા હતા.
સંભાજીનગરની સ્ટુડન્ટે મેળવ્યા ૧૦૦ ટકા
આર્ટ્સ, સાયન્સ ઍન્ડ કૉમર્સ એમ ત્રણે સ્ટ્રીમમાંથી સંભાજીનગરની દેવગિરિ કૉલેજની કૉમર્સ સ્ટ્રીમની તનિશા બોરામણિકરે રાજ્યમાં ટૉપ કર્યું છે. તેને ૧૦૦ ટકા માર્ક્સ મળ્યા છે. ચેસપ્લેયર તનિશાએ રમતગમત અને સ્ટડી એમ બન્નેમાં સારું પર્ફોર્મ કર્યું હતું. તેને પરીક્ષામાં ૬૦૦માંથી ૫૮૨ માર્ક્સ મળ્યા હતા અને સ્પોર્ટ્સ ક્વોટાના ૧૮ માર્ક્સનો એમાં ઉમેરો થતાં ૬૦૦ માર્ક્સ સાથે ટૉપ કર્યું હતું. તનિશાએ કહ્યું હતું કે ‘મેં ચોક્કસ ગોલ સેટ કર્યા હતા અને એ પછી ગોલને પ્રાયોરિટી આપતી ગઈ હતી. પરીક્ષાના ૪૫ દિવસ પહેલાંથી સખત મહેનત કરીને આખરે આ અચીવમેન્ટ મેળવી હતી. આખા વર્ષ દરમ્યાન મેં ઘણી ચેસ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો અને રોજ ચેસની પ્રૅક્ટિસ માટે બે કલાક ફાળવતી હતી, પણ છેલ્લો દોઢ મહિનો મેં માત્ર ભણવા પર જ ધ્યાન આપ્યું હતું.’