કોરોના સમયે લાવવામાં આવેલી હોર્ડિંગની પૉલિસીની તપાસ કરો

02 July, 2024 02:39 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિધાનસભામાં BJPના મુંબઈ અધ્યક્ષ આશિષ શેલારે કરી માગણી

ફાઇલ તસવીર

ઘાટકોપરમાં ૧૭ વ્યક્તિનો જીવ લેનારી હોર્ડિંગ-દુર્ઘટનાની તપાસ કરી રહેલી સમિતિ દ્વારા કોવિડના સમયમાં તત્કાલીન રાજ્ય સરકારે હોર્ડિંગ બાબતે લીધેલા નિર્ણય પર તપાસ કરવાની માગણી ભારતીય જનતા પાર્ટી (BJP)ના મુંબઈના અધ્યક્ષ અને બાંદરા-વેસ્ટના વિધાનસભ્ય ઍડ્વોકેટ આશિષ શેલારે ગઈ કાલે મહારાષ્ટ્ર વિધાનસભાના મુંબઈમાં ચાલી રહેલા સત્રમાં કરી હતી. આશિષ શેલારે વિધાનસભામાં કહ્યું હતું કે ‘હોર્ડિંગ બાબતમાં એક મોટું કાવતરું અને ષડ્‍યંત્ર છે. હોર્ડિંગ બાબતની એક નીતિ તૈયાર કરવામાં આવશે એમ કહીને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના અધિકારીઓએ બૂમાબૂમ કરી મૂકી હતી, પણ મુંબઈ માટે સ્ટ્રીટ ફર્નિચર પૉલિસી BMCના તત્કાલીન સત્તાધારી પક્ષના કહેવાથી લાવવામાં આવી હતી. કેટલીક કંપનીઓને ધ્યાનમાં રાખીને જ આ પૉલિસી લાવવામાં આવી હતી. કોવિડના સમયમાં લૉકડાઉન હોવા છતાં હોર્ડિંગ ઝળહળતાં હતાં. એ સમયે જ નવી પૉલિસી મુજબ હોર્ડિંગ એક જ સાઇઝનાં રાખવાનો આગ્રહ રાખવામાં આવ્યો હોવા છતાં સાઇઝ બદલવામાં આવી હતી અને એમાં કોઈ પણ નિયમ પાળવામાં નહોતા આવ્યા. એ જ સમયે હોર્ડિંગ પર ડિજિટલ સ્ક્રીન લગાવવામાં આવી. ડિજિટલ એજન્સીઓને મોંમાગ્યા રૂપિયા કમાવાની તક આપવામાં આવી. આની સામે કોવિડના સમયમાં જ હોર્ડિંગના માલિકોને લાઇસન્સ-ફીમાં ૫૦ ટકાની છૂટ પણ આપવામાં આવી હતી. આથી આ કારસ્તાનની તપાસ થવી જોઈએ.’

રાજ્યના ઉદ્યોગપ્રધાન ઉદય સામંતે કહ્યું હતું કે ઘાટકોપર દુર્ઘટનાની તપાસ કરી રહેલી તપાસ-સમિતિ પાસે આ બાબતની પણ તપાસ કરવામાં આવશે.  

coronavirus covid19 brihanmumbai municipal corporation bharatiya janata party mumbai mumbai news maharashtra news maharashtra