30 July, 2022 01:46 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ભગતસિંહ કોશ્યારી
શુક્રવારે પોતાના વિવાદાસ્પદ નિવેદનોને કારણે ચર્ચામાં આવેલા મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ આજે સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું કે મારો મરાઠીઓનું અપમાન કરવાનો બિલકુલ ઈરાદો નહોતો, હું માત્ર ગુજરાતીઓ અને રાજસ્થાનીઓના યોગદાનની પ્રશંસા કરી રહ્યો હતો. વાસ્તવમાં રાજ્યપાલે શુક્રવારે મુંબઈના અંધેરીમાં એક કાર્યક્રમમાં બોલતા મારવાડી ગુજરાતી સમુદાયની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે તેઓ જ્યાં પણ જાય છે, તેઓ હોસ્પિટલો, શાળાઓ વગેરે બનાવીને સ્થળના વિકાસમાં ફાળો આપે છે.
આ સાથે તેમણે કહ્યું કે જો મહારાષ્ટ્રમાંથી ગુજરાતીઓ અને રાજસ્થાનીઓને દૂર કરવામાં આવશે તો મહારાષ્ટ્ર પાસે એક પણ પૈસા બચશે નહીં અને મુંબઈને ભારતની આર્થિક રાજધાની કહેવાશે નહીં. આ નિવેદનથી મહારાષ્ટ્રમાં રાજકીય તોફાન સર્જાયું હતું. શિવસેના, કોંગ્રેસ અને MNSના નેતાઓએ નિવેદનને મરાઠી ગૌરવને `ઠેસ પહોંચાડનારું` ગણાવ્યું. શિવસેનાના સાંસદ સંજય રાઉતે તેમના રાજીનામાની માંગ પણ કરી હતી.
રાજ્યપાલે શું આપી સ્પષ્ટતા
મુંબઈ મહારાષ્ટ્રનું ગૌરવ છે. તે દેશની આર્થિક રાજધાની પણ છે. મને ગર્વ છે કે મને રાજ્યપાલ તરીકે છત્રપતિ શિવાજી મહારાજની ભૂમિ અને મરાઠી લોકોની સેવા કરવાની તક મળી. આ કારણે મેં બહુ ઓછા સમયમાં મરાઠી ભાષા શીખવાનો પ્રયત્ન કર્યો. ગઈ કાલે મેં રાજસ્થાની સમાજના કાર્યક્રમમાં જે નિવેદન આપ્યું હતું તેમાં મરાઠી માણસને ઓછો આંકવાનો મારો કોઈ ઈરાદો નહોતો. મેં માત્ર ગુજરાતી અને રાજસ્થાની મંડળો દ્વારા બિઝનેસમાં આપેલા યોગદાન વિશે વાત કરી.