હીટવેવને કારણે બપોરના સેશનની સ્કૂલો પણ મૉર્નિંગમાં જ લેવાનો રાજ્ય સરકારનો આદેશ

30 March, 2025 05:14 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એજ્યુકેશન ડિપાર્ટમેન્ટે પ્રાઇમરી સ્કૂલો સવારના સાતથી ૧૧.૧૫ વાગ્યા સુધી અને સેકન્ડરી સ્કૂલો સવારના સાતથી ૧૧.૪૫ વાગ્યા સુધી સુધી લેવા જણાવ્યું છે.

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

હાલ રાજ્યમાં સખત ગરમી પડી રહી હોવાથી રાજ્યના સ્કૂલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટે આદેશ બહાર પાડી સ્કૂલોને ફક્ત મૉર્નિંગ સેશનમાં જ ચાલુ રાખવા જણાવ્યું છે. આ આદેશ રાજ્યની બધી સ્કૂલોને લાગુ પડશે, પછી ભલે મૅનેજમેન્ટ કોઈ પણ હોય. એજ્યુકેશન ડિપાર્ટમેન્ટે પ્રાઇમરી સ્કૂલો સવારના સાતથી ૧૧.૧૫ વાગ્યા સુધી અને સેકન્ડરી સ્કૂલો સવારના સાતથી ૧૧.૪૫ વાગ્યા સુધી સુધી લેવા જણાવ્યું છે.

હાલની હીટવેવમાં વિદર્ભ અને કલ્યાણના ગ્રામીણ વિસ્તારોમાં પારો ૪૦ ડિગ્રી વટાવી ગયો હતો. થાણે, પુણે અને અન્ય વિસ્તારોમાં પણ ભારે ગરમીને કારણે સ્કૂલોમાં બપોરના સેશનમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી ગઈ હતી એટલે સમયનો આ ફેરફાર કરવામાં આવ્યો હતો. સેન્ટ્રલ ગવર્નમેન્ટે હીટવેવને લઈને બહાર પાડેલી ગાઇડલા​ઇનનું પણ રાજ્ય સરકારનું સ્કૂલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટે અનુકરણ કર્યું છે અને એ જ પ્રમાણેની ગાઇડલાઇન શુક્રવારે બહાર પાડી છે, જેમાં વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય પર હીટવેવની ઓછી અસર પડે એેવાં પગલાં લેવા જણાવ્યું છે.

ડિપાર્ટમેન્ટ દ્વારા બહાર પાડવામાં આવેલા સર્ક્યુલરમાં કહેવાયું છે કે હાલ વિદ્યાર્થીઓ પાસે આઉટડોર કે ફિઝિકલ ઍક્ટિવિટી કરાવવી નહીં, ખુલ્લામાં ક્લાસ પણ લેવા નહીં, ક્લાસમાં પણ પંખા સારી રીતે ચાલે એ
વાતનું ધ્યાન રાખવામાં આવે. એની સાથે જ ઠંડા પાણીની વ્યવસ્થા કરવામાં આવે અને વિદ્યાર્થીઓને કલિંગડ, કાકડી જેવાં સીઝનલ ફ્રૂટ જેમાં પાણીની માત્રા વધુ હોય એ ખાતા રહેવા જણાવ્યું છે.

આ સંદર્ભે જો સ્કૂલને કોઈ સમસ્યા હોય તો એ ત્યાંની સ્થાનિક કન્ડિશન પ્રમાણે લોકલ ઑફિસર અને વાલીઓ સાથે મળીને નિર્ણય લઈ શકે છે એમ સ્કૂલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના ઑફિસરે જણાવ્યું છે.

maharashtra maharashtra news Education mumbai heat wave mumbai weather Weather Update news mumbai news