Maharashtra : ગઢચિરોલીમાં નક્સલવાદીઓ સાથે પોલીસનું એન્કાઉન્ટર, વિસ્ફોટક સામગ્રી જપ્ત

08 February, 2024 01:10 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Maharashtra : પોલીસે ગઢચિરોલીમાંથી ડિટોનેટર અને વિસ્ફોટક સામગ્રી જપ્ત કરી

પોલીસની પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્ર (Maharashtra)ના ગઢચિરોલી (Gadchiroli) જિલ્લામાં બુધવારે નક્સલવાદીઓ અને પોલીસ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. એન્કાઉન્ટર બાદ તે વિસ્તારની તપાસ કરવામાં આવી હતી જ્યાંથી વિસ્ફોટક સામગ્રી, ડિટોનેટર અને અન્ય વસ્તુઓ મળી આવી હતી.

ગઢચિરોલીના પોલીસ અધિક્ષક નીલોત્પલે જણાવ્યું હતું કે, પોલીસને બુધવારે સાંજે બાતમી મળી હતી કે કાંકેર-નારાયણપુર-ગડચિરોલી ઇન્ટરસેક્શન પર વાંગેતુરીથી સાત કિલોમીટર પૂર્વમાં આવેલા હિદુર ગામમાં સશસ્ત્ર નક્સલવાદીઓ કેમ્પ કરી રહ્યા છે. આ મળેલી માહિતીના આધાર પર, ગઢચિરોલી પોલીસના વિશેષ લડાઇ એકમ, C-60 યુનિટના સૈનિકોની એક ટીમને વિસ્તારની શોધ માટે મોકલવામાં આવી હતી.

સર્ચ દરમિયાન નક્સલવાદીઓએ લગભગ સાત વાગે હિદ્દુર ગામ પાસે લગભગ ૫૦૦ મીટર સુધી સૈનિકો પર ગોળીબાર કર્યો. આના પર પોલીસે પણ જવાબી કાર્યવાહી કરી, ત્યારબાદ નક્સલવાદીઓ ગાઢ જંગલ અને અંધકારનો ફાયદો ઉઠાવીને ફરાર થઈ ગયા હોવાનું પોલીસ અધિક્ષક નીલોત્પલે જણાવ્યું હતું.

વધુમાં પોલીસ અધિક્ષકે એમ પણ કહ્યું હતું કે, વિસ્તારની શોધ દરમિયાન પોલીસને કેટલીક વિસ્ફોટક સામગ્રી, ડિટોનેટર, વાયર બંડલ, આઈઈડી બેટરી, માઈન હુક્સ, સોલાર પેનલ્સ, નક્સલ સાહિત્ય અને બેગ મળી આવી હતી.

gadchiroli maharashtra news maharashtra mumbai police mumbai mumbai news