26 November, 2024 07:53 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અમિત શાહ
અત્યારની મહારાષ્ટ્ર સરકારનાં આજે પાંચ વર્ષ પૂરાં થઈ રહ્યાં હોવાથી હવે આગળ શું થવાનું છે એને લઈને અત્યારે તો અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે. શિંદેસેના અને અજિત પવારની નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)માં નેતાની નિયુક્તિ થઈ ગઈ છે, પણ ભારતીય જનતા પાર્ટી (BJP)માં હજી સુધી આ બાબતે કોઈ નિર્ણય લેવાયો નથી. ચૂંટાઈ આવેલા BJPના વિધાનસભ્યોના નેતાની પસંદગી કરવા બાબતે ગઈ કાલે રાત્રે દેવેન્દ્ર ફડણવીસ દિલ્હી ગયા હતા. તેમની પક્ષના વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક થઈ હતી અને આજે તેઓ વરિષ્ઠ નેતા અમિત શાહ સાથે મુંબઈ આવીને BJPના નેતા અને નવી સરકારની સ્થાપના ક્યારે કરવામાં આવશે એની જાહેરાત કરી શકે છે.
નવી સરકારમાં મુખ્ય પ્રધાન BJPના બનશે એ મોટા ભાગે સ્પષ્ટ થઈ ગયું છે એટલે એકનાથ શિંદે નારાજ થઈ ગયા હોવાનું જાણવા મળ્યું હતું. તેમણે પોતાની નારાજગી પક્ષના વિધાનસભ્યો સુધી પહોંચાડી છે અને ગઈ કાલે સાંજના તમામ કાર્યક્રમો તેમણે રદ કરી દીધા હોવાનું કહેવાય છે. ગઈ કાલે સાંજે દિલ્હીથી મુખ્ય પ્રધાન બાબતનો મેસેજ આવ્યા બાદ એકનાથ શિંદેએ બધા કાર્યક્રમો રદ કરવાની સાથે વર્ષા બંગલામાં તેમને મળવા આવેલા વિધાનસભ્યોને પણ ન મળ્યા હોવાનું જાણવા મળ્યું હતું. જોકે આજે સવારે તેમણે પોતાના નેતાઓ અને વિધાનસભ્યોને બંગલા પર બોલાવ્યા છે.
મહાયુતિમાં સામેલ અજિત પવારે મુખ્ય પ્રધાન બાબતે BJPને સમર્થન જાહેર કર્યું છે. આથી આગામી મુખ્ય પ્રધાન BJPના હશે કે બિહારની જેમ BJP ઓછી બેઠક હોવા છતાં એકનાથ શિંદેને જ કાયમ રાખે છે એ જોવું રહ્યું.
સૂત્રોના જણાવ્યા મુજબ આજે રાજ્ય સરકારની પાંચ વર્ષની ટર્મ પૂરી થાય છે એટલે નવી સરકાર બનાવવા માટેનો દાવો કરવા અને મુખ્ય પ્રધાન નક્કી કરવા માટે દેવેન્દ્ર ફડણવીસ, અજિત પવાર અને એકનાથ શિંદે ગઈ કાલે દિલ્હી સાથે જવાના હતા. જોકે એકલા દેવેન્દ્ર ફડણવીસ ગઈ કાલે રાત્રે દિલ્હી ગયા હતા.