09 March, 2023 09:51 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે વિધાનભવન પહોંચેલા ઉદ્ધવ ઠાકરે (તસવીર : સૈયદ સમીર અબેદી)
રાજ્યની વિધાનસભામાં આજે વર્ષ ૨૦૨૨-’૨૩ માટેનું બજેટ રજૂ કરવામાં આવશે. બજેટ પહેલાં ગઈ કાલે રાજ્યનો ઇકૉનૉમિક સર્વે રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં વિકાસદર ૬.૮ ટકા રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ગયા વર્ષના બજેટમાં વિકાસદર ૧૨.૧ ટકા રહેવાનો અંદાજ મુકાયો હતો એની સામે આ વખતે પચાસ ટકા વિકાસદર રહેવાનો અંદાજ છે.
વિધાનસભાના બજેટસત્રમાં ગઈ કાલે રજૂ કરવામાં આવેલા રાજ્યના આર્થિક વિકાસના સર્વેમાં ઓવરઑલ વિકાસદરની સાથે ખેતીમાં ગયા વર્ષે ૪.૪ ટકાનો વિકાસ અંદાજાયો હતો એની સામે આગામી વર્ષમાં ૧૦.૨ ટકા વિકાસ થવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. ૨૦૨૧-’૨૨માં ઇન્ડસ્ટ્રીનો દર ૧૧.૯ ટકા અંદાજવામાં આવ્યો હતો, જ્યારે આગામી વર્ષે ૬.૧ ટકાનો અંદાજ મુકાયો છે. ગયા વર્ષના ૧૩.૫ ટકા સર્વિસ સેક્ટરના વિકાસના અંદાજ સામે આગામી વર્ષમાં ૬.૪ ટકા અંદાજ મુકાયો છે. દેશના કુલ જીડીપીમાં રાજ્યનો હિસ્સો ૧૪ ટકા રહેવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે.
આજે મુંબઈમાં વિધાનસભામાં નાયબ મુખ્ય પ્રધાનની સાથે નાણાપ્રધાનની જવાબદારી સંભાળતા દેવેન્દ્ર ફડણવીસ બજેટની રજૂઆત કરશે.
મહાનગરપાલિકાનીઓની ચૂંટણીને સમય લાગશે
મુંબઈ અને થાણે સહિત રાજ્યભરની ૧૫ મહાનગરપાલિકા અને કેટલીક નગરપાલિકાઓની પાંચ વર્ષની મુદત પૂરી થઈ ગઈ છે અને નવી સરકાર હવે સ્થિર થઈ છે એટલે ચૂંટણીઓ જાહેર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે બીજેપીના પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ ચૂંટણીને સમય લાગવાનો સંકેત આપ્યો છે. તેમણે ગઈ કાલે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘સુપ્રીમ કોર્ટમાં આ ચૂંટણીઓ સંબંધિત ત્રણ મામલા પેન્ડિંગ છે. જ્યાં સુધી એમનો ચુકાદો ન આવે ત્યાં સુધી કોઈ પણ ચૂંટણી જાહેર ન થઈ શકે. આ મામલાઓની અત્યારે સુનાવણી ચાલી રહી છે અને જલદી ચુકાદો આવવાની શક્યતા છે. ફેંસલો આવ્યા બાદ જ મુંબઈ અને થાણે સહિતની મહાનગરપાલિકા અને નગરપાલિકા તેમ જ જિલ્લા-ગ્રામ પંચાયતની ચૂંટણીઓ જાહેર થઈ શકશે.’
મહાવિકાસ આઘાડી શિંદે-ફડણવીસને ઘેરશે
પુણેની કસબાપેઠ વિધાનસભાની પેટાચૂંટણીમાં બીજેપીને પરાસ્ત કર્યા બાદ મહાવિકાસ આઘાડીના પક્ષોએ હવે આવતા વર્ષે યોજાનારી લોકસભાની અને વિધાનસભાની ચૂંટણીમાં એકનાથ શિંદે અને બીજેપીને ઘેરવા માટેનો માસ્ટર પ્લાન બનાવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. વિરોધ પક્ષના નેતા અજિત પવારની વિધાનસભાની ઑફિસમાં ગઈ કાલે ઉદ્ધવ ઠાકરે, જયંત પાટીલ, અંબાદાસ દાનવે સહિતના નેતાઓની બેઠક થઈ હતી. એમાં મરાઠવાડા, ખાનદેશ, વિદર્ભ, કોંકણ સહિતના વિસ્તારોમાં જાહેર સભાઓ આયોજવા બાબતે ચર્ચા થઈ હોવાનું કહેવાય છે. ૧૫ માર્ચે તમામ જિલ્લાના અધિકારીઓની વાય. બી. ચવાણ સેન્ટરમાં મહત્ત્વની બેઠક મળશે. ઉદ્ધવ ઠાકરે, અજિત પવાર અને નાના પટોળે એપ્રિલ અને મે મહિનામાં રાજ્યભરમાં આયોજિત સભામાં માર્ગદર્શન આપશે.
આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે સેલ્ફી લઈ રહેલાં મહિલા વિધાનસભ્યો
ફરી બીજેપી અને શરદ પવાર સાથે આવ્યા
મહારાષ્ટ્રમાં એક તરફ મહાવિકાસ આઘાડીમાં સામેલ એનસીપી, કૉન્ગ્રેસ અને ઉદ્ધવ ઠાકરે જૂથ એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસનો સામનો કરવા માટે સજ્જ થઈ રહ્યાં છે ત્યારે શરદ પવારે બીજેપી સાથે આવવાનો નિર્ણય લીધો છે. મહારાષ્ટ્રમાં નહીં, પણ તેમણે નાગાલૅન્ડમાં બીજેપીની સરકારમાં સામેલ થવાનો નિર્ણય લીધો છે. શરદ પવારે ૨૦૧૪માં બીજેપીને બહારથી સમર્થન આપવાની જાહેરાત કરી હતી, ૨૦૧૯માં પણ વહેલી સવારે સરકાર બનાવી હતી અને હવે ૨૦૨૩માં શરદ પવારે નાગાલૅન્ડમાં બીજેપીની સરકારમાં સામેલ થવાનો નિર્ણય લીધો છે. આથી એક વાર ફરી બીજેપી અને એનસીપી વચ્ચે કંઈક રંધાઈ રહ્યું હોવાની શક્યતા છે. પુણેની કસબાપેઠ વિધાનસભાની પેટાચૂંટણીમાં પરાજિત થયા બાદ બીજેપીએ શરદ પવાર વગર રાજ્યમાં સત્તામાં ટકી રહેવામાં જોખમ હોવાનો અહેસાસ થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. આથી જ બીજેપી શરદ પવારને વિશ્વાસમાં લઈને રાજ્યમાં નવી રાજનીતિને આગળ વધારી રહી હોવાનું કહેવાય છે. નાગાલૅન્ડમાં સરકાર બનાવવા માટે બીજેપીને કોઈની જરૂર ન હોવા છતાં શરદ પવાર સામે ચાલીને સરકારમાં સામેલ થયા છે.