પહેલાં પણ અનેક વાર મને ધમકીઓ મળી ચૂકી છે, એના પર ક્યારેય વિચાર નથી કર્યો : એકનાથ શિંદે

21 February, 2025 01:02 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ડેપ્યુટી ચીફ મિનિસ્ટર એકનાથ શિંદેને મોકલવામાં આવેલી આ ઈ-મેઇલને પોલીસે ગંભીરતાથી લીધી હતી અને એ કોણે મોકલી છે એ જાણવા એના IP (ઇન્ટરનેટ પ્રોટોકૉલ) ઍડ્રેસની શોધ ચલાવવામાં આવી હતી.

એકનાથ શિંદે

મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની કારને બૉમ્બથી ઉડાવીને તેમને જાનથી મારી નાખવાની ધમકીવાળી ઈ-મેઇલ ગોરેગામ પોલીસ-સ્ટેશન, જે. જે. માર્ગ પોલીસ-સ્ટેશન અને મંત્રાલયના કન્ટ્રોલ-રૂમને મળતાં પોલીસ દોડતી થઈ ગઈ હતી. એ ઈ-મેઇલ કોણે મોકલી છે એ શોધવા સાઇબર પોલીસ સહિત મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચ કામે લાગી ગઈ હતી. આ ધમાલ દરમ્યાન એકનાથ શિંદે દિલ્હીનાં નવાં મુખ્ય પ્રધાન તરીકે શપથ લેનારાં રેખા ગુપ્તાના શપથ-સમારોહમાં હાજરી આપવા દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર સાથે દિલ્હીમાં હતા. એ ધમકીને ન ગણકારતાં એકનાથ શિંદેએ કહ્યું હતું કે હું આવી ધમકીઓથી ગભરાતો નથી.

એકનાથ શિંદેએ કહ્યું હતું કે ‘હું આવી ધમકીઓથી ગભરાતો નથી. મને જૉઇન્ટ પોલીસ-કમિશનર (લૉ ઍન્ડ ઑર્ડર) અને મુંબઈના પોલીસ-કમિશનરનો પણ ફોન આવ્યો હતો. આ પહેલાં પણ અનેક વાર મને આવી ધમકીઓ મળી ચૂકી છે. એ ધમકીઓનો મેં ક્યારેય વિચાર પણ કર્યો નથી. હું મારું કામ કરતો રહ્યો છું અને હવે આ કામ ચાલુ જ રહેશે. હું ગડચિરોલીનો ગાર્ડિયન મિનિસ્ટર હતો ત્યારે અનેક નક્સલવાદીઓ પર લાખો રૂપિયાનાં ઇનામ હતાં. એ નક્સલવાદીઓનો ઇરાદો પણ પોલીસે સફળ નહોતો થવા દીધો અને અનેક મોટા નક્સલવાદીઓનો ખાતમો બોલાવ્યો એટલે ત્યાં વિકાસ કરવો શક્ય બન્યો. દિલ્હી તો દેશની રાજધાની છે. અહીં તો દુનિયાભરમાંથી લોકો આવતા હોય છે. જે રીતે મુંબઈમાં આવે છે એ રીતે દિલ્હીમાં આવે છે. મોટા પ્રમાણમાં અહીં થનારો ટ્રૅફિક જામ, અહીંનું પ્રદૂષણ અને જે કંઈ ડેવલપમેન્ટ હતું એ સ્થગિત થઈ ગયું હતું. એ ડેવલપમેન્ટને માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ અહીંનાં મુખ્ય પ્રધાન રેખા ગુપ્તા આગળ ધપાવશે અને દિલ્હીના લોકોને એનો ફાયદો થશે.’   

ડેપ્યુટી ચીફ મિનિસ્ટર એકનાથ શિંદેને મોકલવામાં આવેલી આ ઈ-મેઇલને પોલીસે ગંભીરતાથી લીધી હતી અને એ કોણે મોકલી છે એ જાણવા એના IP (ઇન્ટરનેટ પ્રોટોકૉલ) ઍડ્રેસની શોધ ચલાવવામાં આવી હતી.

eknath shinde mumbai police maharashtra maharashtra news goregaon mumbai crime branch crime branch bomb threat news mumbai mumbai news