13 June, 2023 05:27 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
દેવેન્દ્ર ફડણવીસ (ફાઈલ તસવીર)
નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ (deputy CM Devendra Fadnavis)ની કોલ્હાપુરની મુલાકાત અચાનક રદ થતાં વિવિધ ચર્ચાઓ થવા લાગી છે. શિંદે જૂથના મંત્રી દીપક કેસરકરે આ અંગે સૌની સમક્ષ માહિતી મૂકી આપી છે. પાલક પ્રધાન દીપક કેસરકરે આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, “દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis)નો કોલ્હાપુર પ્રવાસ સ્વાસ્થ્યના કારણોસર રદ કરવામાં આવ્યો છે.”
અત્યાર સુધી રાજ્યના રાજકારણમાં સતત `દેશમાં નરેન્દ્ર અને રાજ્યમાં દેવેન્દ્ર` એવી જાહેરાતો કરવામાં આવતી હતી. જો કે, મુખ્યમંત્રી એકનાથ શિંદે(Eknath Shinde)ની શિવસેના દ્વારા એક અખબારમાં છપાયેલી જાહેરાતે રાજ્યના રાજકારણમાં ફરી ચર્ચા જન્માવી છે. કારણ કે તે શિવસેના દ્વારા `રાષ્ટ્રમાં મોદી, મહારાષ્ટ્રમાં શિંદે`ની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાતમાં દેવેન્દ્ર ફડણવીસ કરતાં એકનાથ શિંદે જ વધુ લોકપ્રિય મુખ્યમંત્રી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પાલક પ્રધાન દીપક કેસરકરે આ બધી જ ચર્ચાઓ પર પૂર્ણવિરામ મુકવાનો પ્રયાસ કર્યો હતો.
આજે નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ (deputy CM Devendra Fadnavis)ની કોલ્હાપુરની મુલાકાત નિર્ધારિત કરવામાં આવી હતી. પરંતુ અમુક કારણોસર તેમનો આ પ્રવાસ રદ કરવામાં આવ્યો છે. મંત્રી દીપક કેસરકરે માહિતી આપી હતી કે દેવેન્દ્ર ફડણવીસે (Devendra Fadnavis) કાનની સાંભળવાની તકલીફ થઈ હોવાને કારણે તેમનું નક્કી કરવામાં આવેલા શેડ્યૂલ રદ કર્યું છે.
ઉલ્લેખનીય છે કે ડૉક્ટરો દ્વારા દેવેન્દ્ર ફડણવીસને હવાઈ મુસાફરી ન કરવાની સલાહ આપવામાં આવી હતી. ડોક્ટરની સલાહનું પાલન કરતાં ફડણવીસે કોલ્હાપુરની ફ્લાઈટમાં પ્રવાસ કરવાનું ટાળ્યું છે. દીપક કેસરકરના જણાવ્યા અનુસાર તેઓ કોલ્હાપુરની આયોજિત મુલાકાતે આવશે નહિ.
નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને સાંભળવાની સમસ્યા થઈ રહી છે. સાથે ડોક્ટરોએ પણ તેમને હવાઈ મુસાફરી ન કરવાની સલાહ આપી છે. તેઓને જવાની ખૂબ જ ઈચ્છા હતી માટે તેઓ માટે પ્લેન પણ તૈયાર જ હતું. પરંતુ તેઓ કાનના પડદાની સમસ્યાથી પીડાઈ રહ્યા છે.
હવાઈ મુસાફરીથી તેઓને કાનમાં વધારે દુ:ખાવો થઈ શકે છે. સામાન્ય રીતે હવાઈ મુસાફરીમાં આવી કાનની સમસ્યાઓ ઊભી થતી હોય છે. દીપકર કેસરકરે આ બાબતે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, “આમાં કોઈ ગેરસમજનું કારણ નથી.” કેસરકરે ઉમેર્યું હતું કે, “ડોક્ટરોએ નાયબ મુખ્યમંત્રી ફડણવીસને બે દિવસ સુધી હવાઈ મુસાફરી ન કરવાની સલાહ આપી છે.”
આ પણ વાંચો: સમયસર સમારકામ ન કરવાને લીધે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર મોટરિસ્ટો થશે હેરાન
ઉલ્લેખનીય છે કે, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનો આજનો કોલ્હાપુરનો પ્રવાસ રદ કરવામાં આવ્યો છે. હવે એવી માહિતી મળી રહી છે કે ચંદ્રકાંત પાટીલ તેમના બદલે કોલ્હાપુરના પ્રવાસ પર જવાના છે. આ સાથે જ મુખ્યમંત્રી એકનાથ શિંદે (Eknath Shinde) `શાસન આપલા દારી` અભિયાન માટે મુંબઈથી કોલ્હાપુર જવા નીકળી ગયા છે. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ સહ્યાદ્રી ગેસ્ટ હાઉસ છોડી દીધાની માહિતી પણ સામે આવી છે.